Charchapatra

વિવેકબુદ્ધિવાદ જ સાચો માર્ગ હોઈ શકે

રમણ પાઠકે “રમણભ્રમણ” ન મે ‘ગુજરાતમિત્ર’મા ૩૭/૩૮ વર્ષ સુધી કોલમ લખી, અંધશ્રદ્ધા, વહેમ અને કુરિવાજોની સામે, એક યુનિવર્સિટી પણ ના કરી શકે એવું ભગીરથ અભિયાન રમણભાઈએ ઉપાડયું. છતાંય આજે જ્યારે ચારેકોર વિજ્ઞાનનાં વિકાસની બોલબાલા હોય ત્યારે પણ માણસ ધર્મના અફીણ રૂપી અંધશ્રદ્ધા, વહેમ, કુરિવાજોમાં ગળાડૂબ હોય એ કેવી વિડંબના. આજે માણસના જીવનમાં ધર્મ ન હોય તો રતીભારનો ય ફરક નથી પડતો, પણ જો વિજ્ઞાન ન હોય તો જીવન જાણે “અટકી” પડ્યું હોય એવું લાગે. રેશનાલિઝમનો ગુજરાતી પર્યાય છે, “વિવેકબુદ્ધિવાદ” ..આ ગુજરાતી અર્થ વાચસ્પતિ રમણ પાઠકે આપેલો… જીવન જીવવામાં નકરી “બુદ્ધિ” પણ કામ ન લાગે… બુદ્ધિની આગળ “વિવેક” લાગે ત્યારે બુદ્ધિ “સાત્ત્વિક” છે એમ કહી શકાય. બુધ્ધિના પણ ત્રણ પ્રકાર છે.

એક જે બુદ્ધિ જગત કલ્યાણ અર્થે વપરાય એ સાત્ત્વિક બુદ્ધિ છે, બીજી જે બુદ્ધિ ફક્ત સ્વ હિત માટે વપરાય એ રાજસિક બુદ્ધિ છે અને ત્રીજી જે બુદ્ધિ લોક અહિત માટે વપરાય એ તામસિક બુદ્ધિ છે. દાઉદ ઈબ્રાહિમ કે ઓસામા બિન લાદેન પણ બુદ્ધિશાળી ગણાય, પણ એમની બુદ્ધિ તામસિક કક્ષામાં આવે… જીવનની બહુધા ઊર્જા ફિઝુલ એકટીવિટીમાં વધારે ખર્ચાઈ છે. જો આ ઊર્જાને સાત્વિક અને ઉપયોગી માર્ગે વાળીએ તો એને “વિવેકબુદ્ધિ” કહેવાય.. દાઉદ ઈબ્રાહિમ બુદ્ધિશાળી કહેવાય, એટલે જ આટલું મોટું સામ્રાજ્ય ઊભું કરી શક્યો… પણ એની બુદ્ધિ સાથે “વિવેક” નથી જોડાયો. અમેરિકાના ટ્વીન ટાવર્સ તોડી પાડનારા બધાં આતંકવાદીઓ હાઈલી ક્વોલિફાઈડ અને એન્જિનીયર હતાં, અર્થાત્ બુદ્ધિશાળી હતા પણ “વિવેક” નહોતો… આપણે ત્યાં એક આમ વાક્ય પ્રચલિત છે કે, ભણેલો છે પણ ગણેલો નથી… જ્યાં ભણતર અને ગણતર બે ભેગા થાય ત્યાં “વિવેકબુદ્ધિ” હોય છે.

નકરી બુદ્ધિ નુકસાન કરી પણ શકે અને કરાવી પણ શકે.. અત્યારે જ્યારે ચારે બાજુ સત્તાનો નગ્ન નાચ દેખાઈ રહ્યો હોય, સત્તા માટે રાતોરાત ખુરશીઓ ઉથલાવવામાં આવી રહી હોય, એવાં નકારાત્મક અને નિમ્ન કક્ષાના રાજકારણમાં કોઈને ચાણક્ય સાથે કે સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સરખાવવામાં આવે, એમાં ચાણક્ય અને સરદાર સાહેબનું ઘોર અપમાન છે. અત્યારના રાજકારણીઓ બુદ્ધિવાદી કહેવાય, દેશની આઝાદી વખતનું નેતૃત્વ વિવેકબુદ્ધિવાદી હતું. વિવેકબુદ્ધિનો અંગ્રેજી પર્યાય છે rationalizm  અને કોઠાસૂઝનો અંગ્રેજી પર્યાય છે common sense .. બધી બુદ્ધિ વિવેકયુક્ત નથી હોતી, તેવી જ રીતે common sense is very uncommon.
સુરત     – પ્રેમ સુમેસરા-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top