ભગવાન જ્યેષ્ઠ ભ્રાતા બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. ભક્તિ અને ભજનના સમન્વય સાથે આસ્થાભેર ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. શહેરમાં આજે 42 મી રથયાત્રા નીકળી ત્યારે શહેરમાં નગરજનોની આસ્થાનો સૈલાબ જોવા મળી રહ્યો હતો. વાતાવરણ હરે રામા .. હરે ક્રિષ્ણાના નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. અને નગરજનોએ ઉલ્લાસભેર ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ પોતાની પ્રજાને મળવા માટે નગરચર્યાએ નીકળે છે.આજે તેઓ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળે છે. વડોદરા શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા 42 મી જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી હતી. શહેરના સ્ટેશન વિસ્તારમાંથી આ રથયાત્રા કાઢવામાં આવી હતી. મેયર નિલેશ રાઠોડ દ્વારા પીહંગ વિધિ થકી માર્ગને સુવર્ણ ઝાડુ વડે સાફ કરી રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ જેમ જેમ શહેરમાં પોતાના રૂટ ઉપર આગળ વધતો ગયો તેમ તેમ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. અને જય જગન્નાથના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. લાખોની જનમેદની ભગવાનના વધામણા લેવા માટે ઉમટી પડી હતી. અને રથ ખેંચવાનો લ્હાવો લીધો હતો.