રસિયા શબ્દ જ કેટલો રસદાર લાગે છે. હોળી પૂર્વે રસિયા સાંભળવા ખૂબ જ ગમે છે. રસિયા એ કીર્તનનો જ એક પ્રકાર છે. રસિયા શબ્દ કૃષ્ણ ભગવાનને સંબોધીને બોલવામાં આવે છે. મૂળ તો રસિયા ઠાકોરજીને સંભળાવવા માટે ગવાતા હતા. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના લોકો રસિયા હોળીના 40 દિવસ અગાઉથી ગાતા હોય છે. વૃંદાવન, ગોકુળ, મથુરા, બરસાના, શ્રીનાથજી અને વ્રજમાં હોળીના રસિયાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. શ્રી કૃષ્ણ ભગવાનની અનેક લીલાઓ વિશે તો આપણે બધા જાણીએ છીએ. એમાંના એક તે આ રસિયા.
કૃષ્ણ મંદિરો જગતમાં જ્યાં જ્યાં આવેલા છે ત્યાં ત્યાં આ પરંપરા જળવાયેલી જોવા મળે છે. ફાગણ મહિનો એટલે રંગીન ભાતીગળ મહિનો ગણાવી શકાય અને તેમાં ફાગ ઉત્સવ એક અનેરો રંગ જમાવે છે. રસિયામાં કોળીને લગતા જ ભજનો કીર્તનો ગવાય છે. વૈષ્ણવો કૃષ્ણ મંદિરોમાં જઈને ફાગ ખેલે છે. તેમાં કેસુડાનું પાણી, ગુલાલ અને રંગબેરંગી ફૂલોનો સમાવેશ થાય છે. ફાગણ મહિનામાં તો પ્રકૃતિમાં પણ કેસુડાનું ખૂબ જ મહત્ત્વ છે. રસિયા ગવાય છે ત્યારે રસિયા ગાનાર અને સાંભળનારમાં પણ થનગનાટ જોવા મળે છે. રસિયા સાંભળીને મન પ્રફૂલ્લિત તો થાય જ છે, પણ સાથે સાથે ભગવાન પણ ખૂબ ખુશ થાય છે એમ દરેક વૈષ્ણવ માને છે. પુષ્ટિમાર્ગીય ઉત્સવ પરંપરામાં વસંતોત્સવનું તથા રસિયાનું ધાર્મિક મહત્ત્વ વિશેષ રહેલું છે.
સુરત – શીલા સુભાષ ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
આ છે મહાત્મા ગાંધીનો દેશ!!
એક ગરીબ બાઈ નદીમાં સ્નાન કરવા ફક્ત એકમાત્ર કપડા બહાર સુકાતા રાખી સ્નાન કરતી હતી, ગાંધીજીને જોતા તે બાઈ ડોક સુધી પાણીમાં બેસી રહી. ત્યારે ગાંધીજીએ પોતાનો મોટો ખેસ પાણીમાં તરતો મુકી એ બાઈ સુધી પહોંચાડ્યો (ગાંધીજીની જીવનકથા) અને ત્યારથી એક પોતડી એક લાકડી. પહેલાના રાજા વેશપલટો કરી રાત્રે પોતાના વિસ્તારમાં ફરતા અને પ્રજાની હાલાકીનું અવલોકન કરી તે બાબતે પગલા લેતા. આ જ ગાંધીના ભારતમાં નેતા વારંવાર મોંઘા ડ્રેસ પરિધાન કરે છે. લશ્કરોની મુલાકાતે જાય તો લશ્કરી ડ્રેસ પહેરી માથે મોટી હેટ પહેરી, હાથમાં રાઈફલ લઈ ફોટો પડાવે, સમુદ્રમાં ડૂબકી લગાવી ફોટા પડાવે. મંદિરમાં જાય ત્યારે એકદમ બ્રાહ્મણવેશમાં આવી જાય.
ક્યારેક પાઘડી તે ફેરવી હેટ પહેરે, સી પ્લેનમાંથી બહાર હાથ કાઢી અભિવાદન કરતો ફોટો પડાવે. (હાલમાં આ બે કરોડનું સી પ્લેન ભંગાર પડ્યું છે!) વારંવાર વિદેશ પ્રવાસ કરે, રોડ શો કરી જનતાના કરોડો રૂપિયાનો ખર્ચ કરી જનતાને દુ:ખી કરી કારમાં બેસી વટ પાડે!!આટલો ખર્ચ શાળા- બનાવવામાં ગામડાના વિદ્યાર્થીને શાળાએ જવાની સુવિધા માટે વાપરવામાં આવે તો? મહાત્મા ગાંધીની સાદગી, સચ્ચાઈ અને અહિંસા હવે ભારતમાં લુપ્ત થતી જાય છે. હવે ‘નમો ભારત’ બનતું જાય છે.
અમરોલી – બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
