રશ્મિકા મંદાનાને ‘પુષ્પા: ધ રાઇઝ’ માં જોનારા હવે તેને હિન્દી ફિલ્મમાં જોશે. તે ફિલ્મે અલ્લુ અર્જુનને પણ ચર્ચામાં લાવી દીધેલો પણ ફાયદો થયો છે રશ્મિકાને. તેને કદાચ ‘અ’ થી શરૂ થતા અભિનેતા ફળતા લાગે છે. અલ્લુ અર્જુન પછી તે અમિતાભ બચ્ચન સાથે ‘ગુડબાય’ વડે વેલકમની તૈયારીમાં છે. આ ફિલ્મ એ અર્થમાં બે આકર્ષણથી ભરપૂર છે અને વિકાસ બહેલ કે જે ‘ચિલ્લર પાર્ટી’, ‘કિવન’, ‘સુપર ૩૦’ થી જાણીતો છે તેણે દિગ્દર્શીત કરેલી ફિલ્મ છે. રશ્મિકા આનાથી વધુ સારા ડેબ્યુની આશા નહીં કરી શકે. હવે તે રેખા, શ્રીદેવી, જયાપ્રદા, જેવી સફળતા મેળવી શકે કે નહીં તે ખબર નથી પણ સાઉથથી ઊતરેલી એક વધુ અભિનેત્રી તરીકે તેણે ચર્ચા તો જગાવી જ છે.
રશ્મિકા એકદમ ગ્લેમરસ લુક ધરાવતી નથી પણ ધારે તો ગ્લેમરસ દેખાય શકે છે. જોકે ‘ગુડબાય’ માં તો તે અમિતાભની દિકરી તરીકે આવી છે. ‘પુષ્પા: ધ રાઇઝ’થી આ ફિલ્મ ઘણી જુદી છે. તેની આવી રહેલી બધી જ ફિલ્મો જો કે જુદા જુદા વિષય ધરાવે છે. ‘મિશન મજનુ’ માં તે સિધ્ધાર્થ મલ્હોત્રા અને ‘એનિમલ’ માં રણબીર કપૂર સાથે દેખાશે એ જોતાં તે યોગ્ય જોડીમાં આવી રહી છે એવું તારણ પણ કાઢી શકાય. ‘ગુડબાય’ જીવન. કુટુંબ અને સંબંધોની વાત કરે છે. અત્યારે આ પ્રકારની ફિલ્મ બહુ બનતી નથી ત્યારે ‘ઊંચાઇ’ પહેલાની આ મહત્વની ફિલ્મ ગણાવી જોઇએ. રશ્મિકા અત્યારે તેની કારકિર્દીના મહત્વના તબકકામાં છે કારણકે તેની ‘પુષ્પા 2: ધ રુલ’ પણ આવી રહી છે એટલે કે ફરી શ્રીવલ્લી તરીકે આવશે અને તે ઉપરાંત ‘વારીશુ’ નામની ફિલ્મમાં વિજય સાથે આવશે.
આ બંને સાઉથની ફિલ્મો છે પણ રશ્મિકા હોવાથી લોકોને રસ પડી રહ્યો છે. રશ્મિકા અત્યારે દિપીકા પાદુકોણ, આલિયા ભટ્ટ, કિયારા અડવાણી, તાપસી પન્નુ, કંગના વચ્ચે પોતાની જગ્યા બનાવવા આતુર છે. ‘ગુડબાય’ તેને વેલકમ કરશે તો સમજો હિન્દી ફિલ્મોને નવી સ્ટાર મળી ગઇ છે. રશ્મિકા ‘મિશન મજનુ’ નું શૂટિંગ તો કયારનું પૂરું કરી ચુકી છે. તે રજૂ નથી થઇ એટલું જ બાકી ‘ગુડબાય’ પહેલા તેનો વારો લાગી શકયો હોત. રશ્મિકાએ જે પ્રથમ હિન્દી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું તે ‘મિશન મજનુ’ જ છે પણ અમિતાભ સાથેની ફિલ્મ આગળ કરવામાં આવી છે કારણકે તેમાં સફળતાના ચાન્સ વધારે જણાય છે. હવે પ્રેક્ષકો જાણે કે અમિતાભ – રશ્મિકાને સફળતા આપવી કે નહીં, પણ જો સફળતા મળશે તો ફિલ્મજગત કહેશે કે અમારી દિવાળી શરૂ થઇ
ગઇ છે. •