સુરત: ગુરુવારે રેપિયર જેકાર્ડ એસોસિએશનની મિટિંગ સચિન રોટરી હોસ્પિટલ ખાતે મળી હતી. આ બેઠકમાં ઓવર પ્રોડક્શન અને માલનો ભરાવો ઓછો કરવા 21 દિવસના સ્વૈચ્છીક વેકેશનને વિવર્સ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
રેપિયર જેકાર્ડ વિવર્સ એસોસિએશન સુરતના આગેવાનોએ દાવો કર્યો હતો કે, સભામાં જોબવર્ક પર કામ કરતા વિવર્સના પ્રશ્નોનો પણ ઉકેલ લાવવામાં આવ્યો છે અને ક્વોલિટીવાઇઝ ભાવો ફિક્સ કરવામાં આવ્યા છે. જોબવર્કથી કારખાનું ચલાવનારા વિવર્સ નાયલોન સોફ્ટી સાડીના પ્રોડક્શન પર મીટરે 20 પૈસાને બદલે 30 પૈસા, કોટા ઉપર 22થી 25ને બદલે 35 પૈસા, વિસકોસમાં 40 પૈસાથી વધુ મજૂરી દર મંજૂર રાખવા માંગણી કરી રહ્યા હતા.
એસોસિએશને રેપિયર મશીનરી સહિતના કારખાનાના માલિકોને મળતાં લાભ મુજબ જોબવર્ક કરતા કારખાનેદારો માટે પણ પેમેન્ટ સાઇકલ 90થી 120 દિવસને બદલે 30 દિવસ જાહેર કરે અને 30 દિવસ પછી 1.50% વ્યાજ આપવાની માંગ સ્વીકારવા પણ માંગ કરી હતી. જે જેકાર્ડ વિવર્સને ક્રિએશન માટે એક્સપોર્ટના ઓર્ડર મળ્યા છે, તેમને કારખાનાં ચાલુ રાખવાની છૂટ મળવી જોઈએ, નહીંતર એક્સપોર્ટર, વિવર્સ બંનેને નુકસાન થશે, એવી રજૂઆત પણ કરવામાં આવી હતી.
રેપિયર જેકાર્ડ વિવર્સ એસો.એ 20 જૂનથી 10 જુલાઈ કારખાનાં બંધ રાખવાનો નિર્ણય લઈ સાડીની ડિલિવરી બંધ રાખવાની જાહેરાત કરી છે. બે દિવસ પહેલાં સચિન જીઆઇડીસી લક્ષ્મીવિલા, ડાયમંડ પાર્ક, હોજીવાલા ઇન્ડ. એસ્ટેટમાં જોબવર્ક વિવરનાં કારખાનાં બંધ કરાવવા ટોળાં પહોંચી અપમાનજનક સ્થિતિમાં મૂકતા હોવાના મેસેજ વાયરલ થયા હતા. જેને લઈ દિલગીરી વ્યક્ત કરવામાં આવી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતું.
એસોસિએશનનાં કારખાનાં બંધને મિશ્ર પ્રતિસાદ
રેપિયર જેકાર્ડ વિવર્સ એસો.એ 99 % કારખાનાં બંધ રહ્યાનો દાવો કર્યો છે. સચિન લક્ષ્મીવિલા ટેક્સ.પાર્ક અને ડાયમંડ પાર્કમાં કારખાનાં બંધ રહ્યાં છે. સચિન જીઆઇડીસી, અંજની ઇન્ડ.હોજીવાલા, કીમ-પીપોદરામાં કારખાનાં ચાલુ રહ્યાં છે. જ્યાં કારખાનાં ચાલે છે ત્યાં કારખાનેદારને સમજાવવા રેપિયર જેકાર્ડ વિવર્સ અગ્રણીઓની ટીમ જશે. આજની બેઠકમાં સાડી, દુપટ્ટાનો માલ માર્કેટમાં મોકલવાનું બંધ કરવા, જોબવર્કવાળા સાથે બેઠક યોજી સમાધાનનો માર્ગ કાઢવો, 30 દિવસના પેમેન્ટ ધારાનો અમલ કરવો, કારીગરોને સમજાવવા સહિતના મુદ્દે આજે ચર્ચા થઈ હતી.