SURAT

‘તુમ મુઝે બહોત અચ્છી લગતી હો’, કહી ઘરમાં ઘુસી ચપ્પુની અણીએ 3 સંતાનની માતા સાથે દુષ્કર્મ

  • સુરતના ઉમરવાડા વિસ્તારની ઘટના: નરાધમ ઘરમાં ઘુસી વારંવાર શરીર સંબંધ બાંધતો
  • નરાધમ ઇકબાલ ખાન વિરુદ્ધ પરિણીતાએ સલબાતપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી

સુરત: સુરતમાં 3 સંતાનની માતા એવી 28 વર્ષીય મુસ્લિમ પરિણીતાના ઘરમાં ઘુસી ચપ્પુ બતાવી પરિચિત યુવાને દુષ્કર્મ કર્યાની ઘટના સામે આવી છે. બળજબરીપૂર્વક વારંવાર શરીર સંબંધ બાંધી પતિ સાથે તલાક લઈ લેવા દબાણ કરતા નરાધમ વિરુદ્ધ આખરે પરિણીતાએ હારી થાકી જઈ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ લઈ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સુરતના ઉમરવાડા વિસ્તારની ઘટના છે. મૂળ ઉત્તરપ્રદેશના વતની અને વર્ષોથી સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતા ફર્નિચરના મુસ્લિમ વેપારીએ નજીકમાં જ રહેતી યુવતી સાથે 2010માં લગ્ન કર્યા હતા. લગ્નજીવન દરમિયાન ત્રણ બાળકો થયા હતા. દરમિયાન ઓક્ટોબર 2021માં પરિણીતા ઉમરવાડા ટેનામેન્ટમાં શાકભાજી લેવા ગઈ હતી ત્યારે માર્કેટના ગેટ પાસે તેણીના પિયર નજીક રહેતા ઈકબાલ ખાન શોકત ખાન નામના યુવકે તેનો હાથ પકડી લીધો હતો અને તુમ મુઝે બહુત અચ્છી લગતી હો કહી તેણીની છેડતી કરી હતી. પરિણીતાએ હાથ છોડાવી લેતા ઈકબાલ ખાને તેનું ગળું પકડી લીધું હતું. લોકો ભેગા થઈ જતા તે ચાલ્યો ગયો હતો. આ અંગે પરિણીતાએ પતિને ફરિયાદ કરતા પતિ અને ઇકબાલ ખાન વચ્ચે ઝઘડો થયો હતો. ત્યાર બાદ જ્યારે જ્યારે પરિણીતા ઘરની બહાર નીકળતી ત્યારે ઈકબાલ ખાન તેની છેડતી કરતો હતો.

દરમિયાન નવેમ્બર 2022માં પરિણીતા ઘરમાં એકલી હતી ત્યારે ઇકબાલ ખાન અંદર ઘૂસી ગયો હતો અને દરવાજો બંધ કરી ચપ્પુ બતાવી તેણીના કપડાં ઉતરાવી દુષ્કર્મ આચર્યું હતું. બળાત્કાર કર્યા બાદ એવી ધમકી આપી હતી કે કોઈને કહેશે તો જાનથી મારી નાંખીશ. ત્યાર બાદ ઈકબાલ વારંવાર તેણીના ઘરે જતો અને શરીર સંબંધ બાંધતો હતો. ઇકબાલ ખાને પરિણીતાને પતિને તલાક આપી દઈ તેની સાથે લગ્ન કરવા દબાણ પણ કર્યું હતું. ઇકબાલ ખાનના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગઈ તા. 15 ડિસેમબ્ર 2022ના રોજ ઘેનની દવા ખાઈ લઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. સમયસર સારવાર મળતા તે બચી ગઈ હતી. હોસ્પિટલથી રજા લીધા બાદ ઘરે ગઈ ત્યાર બાદ પણ ઈકબાલ ખાને તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આખરે પરિણીતાએ તમામ સત્ય હકીકત પતિને જણાવતા તા. 17 જાન્યુઆરીના રોજ બંને જણાએ ઇકબાલ ખાન વિરુદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top