નડિયાદ, તા.23
ખેડા જિલ્લા માર્ગ અને મકાન વિભાગ, પંચાયત દ્વારા મુખ્યમંત્રીના આદેશની પણ અવમાનના કરતા હોય તે રીતે બારકોસિયા રોડના નવીનીકરણમાં ગંભીર ક્ષતિ રાખવામાં આવી રહી છે. અહીં વરસાદી પાણીના નિકાલ માટે જ કોઈ વ્યવસ્થા કરાઈ નથી. આટલો મોટો ટેકનીકલ મુદ્દો અધિકારીઓના ધ્યાનમાં કેમ નથી આવ્યો? તે મહત્વનો વિષય છે.
નડિયાદના બારકોસિયા રોડની હાલ નવીનીકરણની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીમાં માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ અને કામ કરી રહેલા કોન્ટ્રાક્ટરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યુ છે. મુખ્યમંત્રીએ એક કાર્યક્રમમાં રોડની કામગીરી કરતા પહેલાં ગટર, પાણીની લાઈનો ઉપરાંત વરસાદી લાઈનોની કામગીરી કર્યા બાદ જ રોડ બનાવવા માટે તાકીદ કરી હતી. તેમ ન કરવા બદલ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા પણ તેમણે જણાવ્યુ હતુ. પરંતુ બારકોસિયા રોડ બનાવતા પહેલા માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા ગટર કનેક્શનો, વીજ વિભાગના ડી.પી. થાંભલા અને જાહેર રસ્તા પૈકીના બિનઅધિકૃત બાંધકામો પણ હટાવવાની તસ્દી લીધી નથી. એટલુ જ નહીં, આ વિસ્તાર અને રોડ નડિયાદનો સૌથી નીચાણવાળો રોડ છે. ત્યારે આ રોડ પર ચોમાસા સમયે પાણી ભરાવાની સમસ્યા લાંબા સમયથી ચાલી આવી છે. આ રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે પણ કોઈ જ પ્રકારની વ્યવસ્થા માર્ગ-મકાન (પંચાયત) દ્વારા કરાઈ નથી. ત્યારે આટલો મોટો ટેકનિલક પોઈન્ટ ધ્યાને લીધા વગર જ કોન્ટ્રાક્ટરે કામગીરી શરૂ કરી દેતા રોષ ભભૂક્યો છે.
આ અંગે મૌલિકકુમાર શ્રીમાળીએ ગાંધીનગરની માર્ગ-મકાન વિભાગની ઉચ્ચ ઓથોરીટીને લેખિતમાં જાણ કરી સત્વરે આ કામગીરી બંધ કરી જરૂરી તમામ કામગીરી કરવા માટે માગ કરી છે. વરસાદી પાણીના નિકાલ માટે સાઈડ સોલ્ડર નાખવા માટે માગ કરી છે. વીજ ડી.પી. થાંભલા અને બિનઅધિકૃત બાંધકામો હટાવાય, બાદ જ રોડની કામગીરી કરાય તેવી પણ માગ સ્થાનિકોમાં પણ ઉઠી છે. હવે ઉચ્ચ કક્ષાએથી આદેશ થાય તેવી માંગણી વ્યાપી છે. અલબત્ત આ બાબતે સ્થાનિક અધિકારીઓનું ધ્યાન દોરાયું હતું. પરંતુ તેઓએ વાત કાને ધરી નહતી.
નડિયાદ શહેરના બારકોસિયા રોડના નવિનીકરણમાં ગંભીર ક્ષતિની રાવ
By
Posted on