ઘેજ : ચીખલી તાલુકાની રાનકૂવા (Rankoova) પ્રાથમિક શાળામાં (Primary School) આચાર્યએ છ જર્જરિત ઓરડા તોડવાની મંજૂરી લઇ તેની સાથે વગર પરવાનગીએ (Permission) હોલ પણ તોડી નાંખતા શિક્ષણ આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. રાનકૂવામાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત બુનિયાદી વિદ્યામંદિર કેન્દ્ર શાળાના આચાર્ય દ્વારા શાળાના છ જેટલા જર્જરિત ઓરડા તોડવાની મંજૂરી લઇ હરાજી પ્રક્રિયા દ્વારા આ તમામ છ ઓરડા તોડી નંખાયા હતા પરંતુ આ ઓરડા સાથે એક હોલનું ડિમોલિશન કરાયુ હતું. આ હોલ તોડવા માટે આચાર્ય દ્વારા સંબંધિત ઇજનેરનો અભિપ્રાય મેળવી પરવાનગી મેળવવાની નિયમોનુસારની પ્રક્રિયા કરાઇ ન હતી અને પરવાનગી વિના જ હોલને પણ ખંખેરી પાડવામાં આવ્યો છે.
અપસેટ વેલ્યુ નક્કી કર્યા વિના આ પ્રકારે બારોબાર કારભાર
હકીકતમાં અપસેટ વેલ્યુ નક્કી કરાવી જાહેર હરાજી દ્વારા તોડવાનું હોય છે પરંતુ તેમ નહીં કરતા આ હોલના બાકી દરવાજા સહિતના કાટમાળની ઉપજની રકમનું શું ? તેવા અનેક સવાલો ઊભા થવા પામ્યા છે. અપસેટ વેલ્યુ નક્કી કર્યા વિના આ પ્રકારે બારોબાર કારભાર કરાતા શિક્ષણ સમિતિને પણ આર્થિક નુકશાન થવા પામ્યુ છે. ત્યારે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને જવાબદારો સામે પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સમગ્ર બાબતે તપાસ જરૂરી જણાઇ રહી છે
રાનકૂવા શાળાના આચાર્ય રાજુભાઇ ઇન્ચાર્જ બીટ નિરીક્ષક છે અને તે પૂર્વે થોડા સમય માટે ટીપીઇઓ તરીકેની પણ કામગીરી કરી હતી ત્યારે શાળાનું મકાન તોડવા માટે કરવી પડતી પ્રક્રિયાથી તેઓ અજાણ હોય તેવું શક્ય નથી અને છ ઓરડા તોડવાની તો મંજૂરી લીધી જ હતી. તો હોલ તોડવાની મંજૂરી કેમ ન લેવાઇ અને મંજૂરી વિના કેવી રીતે હોલ તોડી નાંખવામાં આવ્યો તે સમગ્ર બાબતે તપાસ જરૂરી જણાઇ રહી છે.
સ્થાનિક કક્ષાએથી મંજૂરી લઇ હોલને તોડી કાઢ્યો છે
રાનકૂવા પ્રા. શાળાના આચાર્ય રાજુભાઇએ જણાવ્યું હતું કે ઓરડા તોડવાની મંજૂરી લીધી છે અને હોલ નડતરરૂપ હોવા સાથે ખુણા ખાચરવાળો હોવાથી સ્થાનિક કક્ષાએથી મંજૂરી લઇ આ નડતરરૂપ હોલને તોડી કાઢ્યો છે.
તપાસ કરી અહેવાલ ડીપીઇઓને આપવામાં આવશે
ટીપીઇઓ ગોવિંદભાઇ દેશમુખે જણાવ્યુ હતુ કે રાનકૂવાના આચાર્ય પાસે માહિતી મેળવી છે. જેમાં છ ઓરડા તોડવાની મંજૂરી લીધેલી છે. પરંતુ હોલ તોડવાની મંજૂરી લીધેલી નથી. આ સમગ્ર બાબતે તપાસ કરી અહેવાલ ડીપીઇઓને આપવામાં આવશે.