Madhya Gujarat

ડાકોરમાં આડેધડ બસના પાર્કિગથી ટ્રાફિકજામ સર્જાયો

નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં રવિવારના રોજ વડોદરાથી શ્રધ્ધાળુઓને લઈને આવેલી શ્રવણ તીર્થ યાત્રાની 110 લક્ઝરી બસોના આડેધડ પાર્કિંગને કારણે ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને પગલે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયાં હતાં. ગુજરાત રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા આયોજીત શ્રવણ તીર્થ યાત્રા અંતર્ગત 110 લક્ઝરી બસો ભરીને વડોદરાના રાવપુરા વિધાનસભાના રહીશો રવિવારના રોજ ડાકોરના ઠાકોરના દર્શનાર્થે આવ્યાં હતાં. આ યાત્રામાં આવેલી લક્ઝરી બસો ડાકોરના પુનિત રોડથી લઈ અતિથી ભવન સુધીના માર્ગની બંને સાઈડે પાર્ક કરવામાં આવી હતી. જે પૈકી કેટલીક લક્ઝરી બસો આડેધડ પાર્ક કરવામાં આવી હોવાથી માર્ગ પર એક કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. અસંખ્ય વાહનચાલકો આ લક્ઝરી બસમાં કલાકો સુધી અટવાયાં હતાં. ટ્રાફિકજામ ક્લિયર કરાવવા માટે હરકતમાં આવેલી પોલીસે અડચણરૂપ પાર્ક કરેલી લક્ઝરી બસોના ચાલક ઉપર લાઠીઓ વરસાવી હતી. જોકે, કલાકો બાદ ટ્રાફિક ખુલ્લો થયો હતો.

પાલિકા તંત્ર ફોટા પડાવવામાં વ્યસ્ત
ડાકોર નગરપાલિકા તંત્રને વાંકે રવિવારના રોજ મંદિર બહાર ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. હજારો શ્રધ્ધાળુઓની હાલત કફોડી બની હતી. ત્યારે તાત્કાલિક ધોરણે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી શ્રધ્ધાળુઓની તકલીફ દૂર કરવાને બદલે, ડાકોર નગરપાલિકાના નઘરોળ તંત્રએ પર્યાવરણ દિવસની ઉજવણીને મહત્વ આપ્યું હતું અને પાલિકાના ચીફ ઓફિસર સહિતનું તંત્ર વૃક્ષારોપણ કરતાં ફોટા પડાવવામાં વ્યસ્ત જોવા મળ્યું હતું.

Most Popular

To Top