સુરત: રાંદેરમાં (Rander) રહેતા સોનીએ (Soni) દયા ખાઈને રાજસ્થાન (Rajasthan) ઉદયપુરની હોટેલમાં સંપર્કમાં આવેલા વેઈટરને સુરત (Surat) લાવી કામ આપ્યું હતું. બાદ આ જ કારીગરે તેને કામ માટે આપેલા 2 લાખની કિંમતના ચાંદીનાં કડાં લઈને ભાગી ગયો હતો. રાંદેર પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
- રાજસ્થાનની હોટેલમાં સંપર્ક થતાં સોની વેઈટર પર દયા કરી સુરત કામ માટે લાવ્યો હતો-સોની મહારાષ્ટ્ર હતો ત્યારે કારીગર માતાની બીમારીનું બહાનું કરી ભાગી ગયો
અડાજણ પાલ રોડ ખાતે સૂર્યમ રેસિડન્સીમાં રહેતા 38 વર્ષીય રિતેશકુમાર મહેન્દ્રભાઇ સોની રાંદેર પાલનપુર જલારામ મંદિર પાસે દર્શન સોસાયટીમાં ધર્મા બેગલ્સ વર્ક નામે સોના-ચાંદીના કડાં તેમજ લેડીઝ બેંગલ્સ બનાવવાનું કામકાજ કરી શહેરના અલગ અલગ જ્વેલરી શો-રૂમમાં વેચાણ કરે છે. રિતેશભાઈએ તેમના જ કારીગર પ્રધુમન અંબાશંકર ચોબીસા (રહે.,સૂરજ પોલ બહાર ભીડર, ઉદયપુર, રાજસ્થાન)ની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. રિતેશ ધંધાકીય કામ અર્થે અલગ અલગ રાજ્યમાં ફરે છે. થોડા સમય પહેલાં તે રાજસ્થાન ઉદેપુરના સોભાગપુરા ખાતે હોટલમાં રોકાયો હતો. પ્રધુમન અંબાશંકર ચોબીસા આ હોટેલમાં વેઈટર તરીકે નોકરી કરતો હતો.
તેની સાથે વાતચીત થતાં પ્રધુમન પોતે ગરીબ છે અને હોટલ માલિક સારી રીતે રાખતો નથી કહી કામ આપવા વિનંતી કરી હતી. રિતેશભાઈને તેના ઉપર દયા આવતાં તેના પરિવાર સાથે વાત કરી નોકરી માટે સુરત લઈને આવ્યા હતા. અને તેના ઉપર વિશ્વાસ મૂકી પોતાના વર્કશોપમાં કામ શીખી બીજા કોઈ સ્થળે કામ નહીં કરવાની લેખિતમાં બાંયધરી આપી હતી. ગત તા. 22 મેના રોજ રિતેશકુમારને ધંધાના કામ માટે મહારાષ્ટ્રના પૂણે જવાનું હતું ત્યારે પ્રધુમનને 2 લાખની કિંમતના ચાંદીનાં 52 નંગ જેન્ટ્સ કડાં ડિઝાઈન બનાવવા માટે આપ્યા હતા.
બાદ 28 મેના રોજ તે માતાના બીમારીનું બહાનું કાઢી ચાંદીનાં કડાં લઈને નાસી ગયો હતો. 2 જૂને રિતેશભાઈ સુરત આવતાં દુકાને ચાંદીનાં કડાં શોધતા મળ્યા ન હતા. પ્રધુમનને ફોન કરીને પૂછતાં પોતે નથી લીધાં તેમ કહીને ગાળાગાળી કરી ફોન કરશો તો જાનથી હાથ ધોવા પડશે તેવી ધમકી આપી ફોન બંધ કરી દીધો હતો. આ અંગે રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.