સુરત: સ્માર્ટ સિટીની યાદીમાં સમાવિષ્ટ થઇ ચૂકેલા સુરત શહેરમાં બાવા આદમના જમાનાથી ચાલતી આવતી અમુક સમસ્યાઓનો હજુ સુધી કોઇ નક્કર ઉકેલ આવ્યો નથી. તંત્રવાહકો કાગળ ઉપર કામગીરી બતાવી એવોર્ડ જિત્યાનો સંતોષ માની રહ્યા છે. ત્યારે રાંદેર ઝોનના પાલનપોર જકાતનાકામાં સ્થાનિક લોકો માટે માથાનો દુખાવો બની ગયેલી રખડતાં ઢોરની સમસ્યા સામે તંત્રવાહકોનાં આંખ-મીંચામણાં સુરત મનપાની નિષ્ફળતાનો પુરાવો છે.
શહેરમાં સૌથી વધુ મોકળાશ ધરાવતો ઝોન રાંદેર છે. જો કે, આ ઝોનમાં પહોળા રસ્તા અને તેના બ્યુટિફિકેશન પાછળ થયેલા કરોડો રૂપિયાના ખર્ચ પર રખડતાં ઢોર અને દબાણો પાણી ફેરવી રહ્યાં છે. રાંદેરના પાલનપોર જકાતનાકા વિસ્તારની હાલત એવી છે કે અહીં આસપાસ મોટા પ્રમાણમાં તબેલા છે. જેના કારણે રખડતાં ઢોરની સમસ્યા અહીં સૌથી વધુ છે. આ ઉપરાંત ઢોરના કારણે થતી ગંદકી, ટ્રાફિકની સમસ્યા અને વાહનોના અકસ્માતો વગેરે સમસ્યા સ્થાનિક લોકોને હાલાકીમાં મૂકી રહી છે.
પાલનપોર જકાતનાકા અને ગોગા ચાર રસ્તા એટલે રખડતાં ઢોરોનો અડ્ડો
પાલનપોર જકાતનાકા વિસ્તારમાં રહેણાકની વચ્ચે જ મોટા પ્રમાણમાં તબેલા છે. જેના કારણે સ્થિતિ એવી છે કે અહીં ઘણા પશુપાલકો પોતાનાં પશુઓને રસ્તા પર છોડી દે છે. આ પશુઓ અહીં ચાર રસ્તા ખાતે ભરાતી માર્કેટ, શાકભાજીની લારીઓ વગેરે પણ ખોરાક માટે ફરતા રહે છે. રસ્તા પર અડિંગો જમાવીને બેસી જાય છે. તેથી વાહનચાલકોને ભારે હાલાકી પડે છે. આવી જ હાલત ગોગા ચોકની આજુબાજુના વિસ્તારોની છે. અહીં મુખ્ય રસ્તા પર રખડતાં ઢોરોનું ઘણ સતત ફરતું રહે છે. તેમજ રસ્તા પર પશુઓના મળમૂત્રની ગંદકી થાય છે. પરંતુ મનપાનું તંત્ર આ સમસ્યાના નક્કર ઉકેલ માટે વરસોથી રજૂઆતો છતાં કોઇ આયોજન કરી શક્યું નથી.
ગાયના કારણે એક્ટિવા, સ્લિપ થઈ અને શિક્ષિકાનો પગ ભાંગ્યો
પાલનપોર જકાતનાકા નજીક એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતાં શિક્ષિકા વર્ષાબહેનન પાલનપોર જકાતનાકા ચાર રસ્તા પરથી રોજ એક્ટિવા પર પસાર થાય છે. વર્ષાબહેન ગત વર્ષ કોરોનાકાળ પહેલાં સ્કૂલ ચાલુ હતી ત્યારે બપોરે 11 વાગ્યે હિદાયતનગર પોલીસ ચોકી પાસેથી પસાર થતાં હતાં ત્યારે એક બાજુ શાકભાજીની લારીનાં દબાણ અને બીજી બાજુથી દોડીને આવતી ગાયથી બચવા જતાં એક્ટિવા સ્લિપ થઇ ગઇ હતી. જેના કારણે વર્ષાબહેનને ડાબા પગમાં ફેક્ચર થઇ ગયું હતું અને ત્રણ માસ સુધી ઘરે બેસી રહેવું પડ્યું હતુ. વર્ષાબહેને મનપાના તંત્ર પર રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, વેરા લો છો તો માત્ર પ્રાથમિક સુવિધા જ નહીં અન્ય સમસ્યાઓના હલ માટે પણ આયોજન કરો. માત્ર પોતે જ પોતાનાં વખાણ કરવાથી કંઇ થતું નથી.
તબેલાઓનાં સ્થળાંતરની નીતિ અધ્ધરતાલ રહેતાં સમસ્યા વકરી
મનપા દ્વારા શહેરના રહેણાક વિસ્તારોમાંથી તબેલાઓનું બહારના વિસ્તારમાં સ્થળાંતર કરવા માટે નીતિ બનાવાઇ રહી છે. જે છેલ્લાં પાંચેક વર્ષથી અધ્ધરતાલ છે. વરસો વરસ શહેરના સીમાડા આગળ વધી રહ્યા છે. અને તબેલાઓ શહેરની વચ્ચે આવી રહ્યા છે. જો સમયસર તબેલાઓને શહેરની બહારના વિસ્તારમાં સ્થળાંતર માટે આયોજન નહીં થાય તો આ સમસ્યાનો કોઇ ઉકેલ નથી.
નવી પોલિસીમાં બમણો દંડ અને આરએફડીની જોગવાઈ હોવાથી સમસ્યા કાબૂમાં આવવાની આશા છે : ઝોનલ વડા
રાંદેર ઝોનના વડા એડિશનલ સિટી ઇજનેર જતીન દેસાઇએ જણાવ્યું હતું કે, શહેરી વિસ્તારમાં તબેલાઓ છે તેને શહેરની બહાર લઇ જવા માટે સરકાર પાસેથી જમીન માંગીને તબેલાઓના સ્થળાંતર માટેની યોજના બની રહી છે. ઉપરાંત તાજેતરમાં મનપાએ રખડતા ઢોર બાબતે જે નવી નીતિ બનાવી છે, તેમાં બમણો દંડ અને પશુઓને આરએફડી સાથે સાંકળી લેવાનું આયોજન છે. તેથી આ સમસ્યા કાબૂમાં આવવાની આશા છે.