રાંચી: (Ranchi) ઝારખંડમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે ચંપાઈ સોરેનની આગેવાની હેઠળ ‘ભારત’ ગઠબંધનનું પ્રતિનિધિમંડળ ગુરુવારે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મળ્યું હતું. રાજ્યપાલને (Governor) મળ્યા બાદ અને રાજભવનમાંથી બહાર આવ્યા બાદ ચંપાઈ સોરેને આશા વ્યક્ત કરી હતી કે રાજ્યપાલ ટૂંક સમયમાં નવી સરકારની રચના અંગે નિર્ણય લેશે. ચંપાઈ સોરેને કહ્યું કે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને જલ્દી નિર્ણય લેવાનું આશ્વાસન આપ્યું છે.
ઝારખંડમાં રાજકીય અસ્થિરતા વધી જવાના સંકેત દેખાઈ રહ્યા છે. અહેવાલો અનુસાર સીએમ હેમંત સોરેનના રાજીનામા બાદ ધારાસભ્યોને અલગ કરવાના પ્રયાસો થઈ શકે છે. ઝારખંડમાંથી ધારાસભ્યોને ભાજપની લાલચથી બચાવવા માટે તેમને બહાર મોકલવાની તૈયારી ચાલી રહી હોવાના અહેવાલ છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર સૂત્રોએ જણાવ્યું છે કે ભાજપની નજર ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના ધારાસભ્યો તેમજ ગઠબંધનમાં સામેલ કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના ધારાસભ્યો પર છે. ગઠબંધનમાં સામેલ ધારાસભ્યોને પાર્ટીના મોહથી બચાવવા માટે તેમને ઝારખંડની બહાર કોઈ સુરક્ષિત જગ્યાએ મોકલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ગુરુવારે સાંજે ધારાસભ્યોને સર્કિટ હાઉસમાંથી શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટ અનુસાર JMM ધારાસભ્યો સિવાય ગઠબંધન સરકારમાં સામેલ પાર્ટીઓના તમામ નેતાઓને બસમાં મોકલી દેવાયા છે. ધારાસભ્યોએ સર્કિટ હાઉસની બહાર હાજર મીડિયાકર્મીઓના કોઈપણ પ્રશ્નનો જવાબ આપ્યો ન હતો. જેએમએમ ધારાસભ્ય દળના નેતા ચંપાઈ સોરેન દાવો કરે છે કે તેમની પાસે 43 ધારાસભ્યોનું સમર્થન છે.
ઝારખંડના શાસક ધારાસભ્યોને કોંગ્રેસ શાસિત હૈદરાબાદ મોકલવામાં આવી રહ્યા છે. અગાઉ પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે હોર્સ-ટ્રેડિંગની કોઈપણ સંભાવનાને નિષ્ફળ બનાવવા અને ધારાસભ્યોને એક રાખવાના પ્રયાસમાં ધારાસભ્યોને ઝારખંડમાંથી ખસેડવામાં આવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે અમારા ધારાસભ્યોને હૈદરાબાદ મોકલવા માટે બે ચાર્ટર્ડ પ્લેન, એક 12 સીટર અને બીજું 37 સીટ સાથે બુક કરવામાં આવ્યા છે. રાંચી એરપોર્ટ પર પહોંચેલા નેતાઓમાં વિધાયક દળના નેતા ચંપાઈ સોરેન પણ સામેલ છે.