મુંબઈ(Mumbai): બોલિવુડ (Bollywood) સ્ટાર રણબીર કપૂર (Ranbir Kapoor) તેની આગામી ફિલ્મ ‘રામાયણ’ (Ramayan) માટે ચર્ચામાં છે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે. રોજ ફિલ્મને લગતા સમાચારો બહાર આવી રહ્યાં છે. આ ફિલ્મમાં રણબીર પ્રભુ શ્રી રામનું (Ram) પાત્ર ભજવી રહ્યો છે.
રણબીરની ‘રામાયણ’ ફિલ્મ ખૂબ મોટા સ્કેલ પર બનાવવામાં આવી રહી છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. સ્વાભાવિક પણે જ ફિલ્મના સેટ પાછળ પણ લખલૂંટ ખર્ચ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ફિલ્મના સેટનો એક વીડિયો સામે આવ્યો છે.
રામાયણના સેટનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રામાયણ ફિલ્મમાં અયોધ્યા નગરી દેખાડવા માટે રૂપિયા 11 કરોડના ખર્ચે સેટ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રોડ્યુસર દિલથી ખર્ચ કરી રહ્યાં છે.
ફિલ્મના ક્રૂએ વીડિયો શેર કર્યો છે
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો ફિલ્મની ટીમના જ એક સભ્યએ શેર કર્યો છે. વીડિયોમાં અયોધ્યાનો સેટ જોઈ શકાય છે, જે ખૂબ જ વિશાળ લાગે છે. વીડિયોમાં દેખાતા થાંભલાઓ પર પરંપરાગત આર્ટવર્ક પણ દેખાય છે. આ સિવાય વીડિયોમાં ફિલ્મના ક્રૂ મેમ્બર્સ પણ કેમેરા અને અન્ય સાધનો લઈને જતા જોવા મળે છે.
આ ફિલ્મ ત્રણ ભાગમાં રિલીઝ થશે
આ એક મોટી ફિલ્મ હશે, જે ત્રણ ભાગમાં રિલીઝ થશે. સેટનો વીડિયો જાહેર થયા બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પહેલા ભાગમાં અયોધ્યાને બતાવવામાં આવશે. પહેલા ભાગની વાર્તા રામના જન્મસ્થળની આસપાસ ફરે છે.
રણબીર ‘એનિમલ’થી સંપૂર્ણપણે વિપરિત પાત્ર ભજવશે
રામાયણનું નિર્દેશન નિતેશ તિવારી કરી રહ્યા છે. આ પહેલા તિવારીએ દંગલ અને છલાંગ જેવી સફળ ફિલ્મો બનાવી છે. રણબીર કપૂર અગાઉ એનિમલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે એક ટોક્સીક માણસની ભૂમિકા ભજવી હતી. રણબીર હવે એનિમલ ફિલ્મથી વિપરિત વિનમ્ર વ્યક્તિનું પાત્ર ભજવવા જઈ રહ્યો છે, જે એનિમલની સાવ વિરુદ્ધ છે. ફિલ્મની રિલીઝ ડેટને લઈને હજુ સુધી કોઈ અપડેટ આવ્યું નથી.