નિર્દેશક અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર- પાર્ટ 1: શિવા’ ને સમીક્ષકોની ખાસ પ્રશંસા મળી નથી પરંતુ બૉયકોટની અપીલની વચ્ચે ફિલ્મે જોરદાર પ્રચારને કારણે પહેલા દિવસે રૂ.32 કરોડનું ઓપનિંગ મેળવવામાં સફળતા મેળવી છે. જો કે, રૂ.410 કરોડનો ખર્ચ વસૂલ કરશે કે કેમ એ હજુ પ્રશ્ન જ છે. ફિલ્મમાં આટલો બધો ખર્ચ થયો હોય એવું દેખાતું નથી ત્યારે એનો હિસાબ નિર્માતા કરણ જોહરે આપવો જોઇએ. કેમ કે રૂ.100 કરોડમાં આનાથી વધુ ભવ્ય ફિલ્મો બની ચૂકી છે. અયાને કંઇક નવું કરવાનો પ્રયત્ન કર્યો છે એમાં ખાસ સફળ થતો નથી. VFXની વચ્ચે વાર્તા ખોવાઇ ગઇ છે. દ્રશ્યો દંગ કરી દે છે પણ રંગ જમાવતા નથી.
આ ફિલ્મ સિનેમાને બદલી નાખે એવી ભલે નથી પણ સાવ ફાલતુય નથી. ફિલ્મના પ્લસ કરતાં માઇનસ પોઇન્ટ વધુ ગણવામાં આવ્યા છે. VFX અને બેકગ્રાઉન્ડ સંગીત દમદાર છે. વળી VFX જોવા માટે 3 Dમાં વધુ ખર્ચ કરવો પડશે અને એ ખર્ચ કર્યા પછી દર્શકને થશે કે તે એક સુપરહીરો ફિલ્મ જોવા ગયો હતો એના બદલે લવસ્ટોરી નીકળી. આવો અફસોસ થવો જોઇતો ન હતો. હોલિવૂડની ફિલ્મને ટક્કર આપે એવું પ્રોડક્શન હોવા છતાં તેની 3 ભાગમાં રજૂ થનારી વાર્તાની માત્ર લવસ્ટોરી જ ‘બ્રહ્માસ્ત્ર’ માં આપી છે તેથી એક્શન કે જબરદસ્ત VFX સાથેના દ્રશ્યો વધુ જોવાની અપેક્ષા રાખનારા દર્શકો નિરાશ થયા છે. હોલિવૂડની ફિલ્મો દર્શકોને એક અલગ જ દુનિયામાં લઇ જાય છે.
જ્યારે ‘બ્રહ્માસ્ત્ર’ માં રણબીરની અલગ જ દુનિયા છે. પહેલી 10 મિનિટમાં આશા જગાવનારી રોમાંચક લાગતી વાર્તા પાછળથી રણબીર કપૂર- આલિયાની પ્રેમકહાની બની રહે છે. એમ કહી શકાય કે શરૂઆતમાં દર્શકોને ચણાના ઝાડ પર ચઢાવવામાં આવે છે. ટાઇટલનો કોઇ અર્થ સમજાવ્યો નથી કે એનું ઐતિહાસિક મહત્ત્વ રજૂ કર્યું નથી. માયથોલોજિકલ ફિલ્મ હોવાનો ભ્રમ ઊભો કર્યો છે. બ્રહ્માસ્ત્ર કેવી રીતે બન્યું અને એની પાછળનો હેતુ શું છે? જેવા સવાલોના ઉત્તર આપ્યા વગર વાર્તા આગળ વધી જાય છે.
મુખ્ય પાત્રો સાથે સામાન્ય લોકો દેખાતા જ નથી. રણબીર અને આલિયાના ડાન્સ સાથેના ગીતો સારા હોવા છતાં દર્શકો માત્ર એ જોવા ગયા ન હતા. બોલિવૂડની ફિલ્મમાં હીરો-હીરોઇનના એકથી વધુ ગીતો હોવા જોઇએ એવી માનસિકતામાંથી નિર્દેશકો ક્યારેય બહાર નીકળી શકવાના નથી. અયાનનો દાવો છે કે 10 વર્ષની મહેનત પછી ફિલ્મ બની છે. તો એ મહેનત દેખાતી કેમ નથી? સાથે પ્રશ્ન થાય કે એણે ગીતો નાખવાની મહેનત કરી છે? ‘કેસરિયા’ ને બાદ કરતાં જરૂર ન હોવા છતાં મૂકવામાં આવેલા ગીતોમાં દમ નથી. રણબીર – આલિયા કોઇનો જીવ બચાવવા વારાણસી જાય છે અને ગીત ગાય છે.
એમની પ્રેમકથાને જબરજસ્તી ચલાવવામાં આવી છે. એ બંને જે રીતે મળે છે અને એમની દોસ્તી થાય છે એને સહજ રીતે બતાવી શક્યા ન હોવાથી સ્વીકારી શકાય એવી નથી. દોઢ કલાકની વાર્તાને પોણા ત્રણ કલાક સુધી ખેંચવામાં આવી છે. એ વાતની ખબર પડતી નથી કે કયું શસ્ત્ર ક્યાંથી આવ્યું અને ક્યાં જવાનું છે. ભવ્ય અને આકર્ષક લાગતી આ ફિલ્મના સંવાદ એવા નથી કે પ્રભાવિત કરી જાય. જાણીતા કલાકારોનો મોટો કાફલો છે.
એમાં એકનું કામ પણ એવું નથી કે ક્યારેય જોવા મળ્યું ન હોય. ફિલ્મનો ક્લાઇમેક્સ લાંબો ખેંચવામાં આવ્યો છે અને શસ્ત્ર હોવા છતાં વાતો કરવામાં આવી છે. એકદમ ફિલ્મી ક્લાઇમેક્સ છે. કોઇ રહસ્ય કે રોમાંચ નથી. ‘બાહુબલી’ ની જેમ બીજા ભાગની ઉત્સુક્તા જગાવે એવો અંત નથી. રણબીર આ અગાઉ આથી વધુ સારું કામ કરી ચૂક્યો છે. અંતમાં એનું પાત્ર નિરાશ કરે છે. જો કે, એ પણ શું કરે? 2017 માં ‘બ્રહ્માસ્ત્ર’ નું શુટિંગ શરૂ થયું હતું. જે 2022 માં પૂરું થયું હતું. આલિયા હંમેશની જેમ પોતાને સોંપેલી ભૂમિકા કરી ગઇ છે. તેના ભાગે ખાસ કંઇ બોલવાનું આવ્યું નથી. અસલ જીવનની જોડી માટે ઉત્સુક્તા હતી. છતાં એમણે એવું કંઇ વિશેષ કર્યું નથી કે યાદગાર બની જાય.
શાહરૂખ ખાન ખરેખર સરપ્રાઇઝ આપી જાય છે. ઇન્ટરવલ પછી અમિતાભ બચ્ચનની મહેમાન ભૂમિકા સારી છે. તેમનો પ્રભાવશાળી અવાજ કામ કરી જાય છે. નાગાર્જુનની ભૂમિકા ઠીક છે. મૌની રૉયે પોતાની નકારાત્મક ભૂમિકાને ન્યાય આપ્યો છે. તેનું આવી ભૂમિકાઓમાં ભવિષ્ય ઉજળું છે. માત્ર પહેલી વખત રણબીર કે આલિયાને સાથે જોવા હોય કે VFXનો કમાલ જોવો હોય તો જોઇ શકાય એવી છે. બાકી માયથોલોજિકલ ફિલ્મ તરીકે જોવા જેવી નથી કેમ કે પ્રેમની તાકાત જ સાચું બ્રહ્માસ્ત્ર છે એવો સંદેશ આપે છે.