ગુજરાતની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે ભાવનગર જિલ્લાના તલગાજરડા સ્થિત પ્રસિધ્ધ રામાયણ કથાકાર મોરારી બાપુના આશ્રમ ‘ચિત્રકુટધામ’ની મુલાકાત લીધી હતી. તેઓ મોરારી બાપુ સાથે સમગ્ર આશ્રમ પરિસરની મુલાકાત લઇ અભિભૂત થયાં હતાં.
રાષ્ટ્રપતિ સાથે તેમની આ મુલાકાતમાં તેમના ધર્મપત્ની સવિતા ગોવિંદ પણ જોડાયાં હતાં.બે દિવસીય ભાવનગરની મુલાકાતના પ્રથમ દિવસે તેઓ મોરારીબાપૂના આશ્રમ તલગાજરડા ખાતે પહોંચ્યાં હતાં. રાષ્ટ્રપતિએ આશ્રમમાં શ્રધ્ધાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક ભાવવંદના કરી હતી. તેમણે સમગ્ર આશ્રમ પરિસરની મુલાકાત લઈ મોરારીબાપુ સાથે આધ્યાત્મિક સંવાદ કર્યો હતો.આ અવસરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રાષ્ટ્રપતિની હાજરીમાં આવાસોનું લોકાર્પણ : પાંચ લાભાર્થીને ફાળવણી
રાષ્ટ્રપતિએ ભાવનગરમાં હમીરજી પાર્ક – સુભાષનગર ખાતે આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે બનાવાયેલા આવાસના લોકાર્પણ સમાંરભમાં હાજરી આપી હતી. પાંચ જેટલા લાભાર્થીઓને મકાનની ફાળવણી કરી હતી. આ સમારંભમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે સવારે રાષ્ટ્રપતિ ભાવનગરથી સીધા જ નવી દિલ્હી જવા રવાના થશે