રાકેશ કાયસ્થ હિંદી સાહિત્ય જગતમાં નવું નામ ઉભરીને આવ્યું છે. અત્યારે તે નામ ચર્ચામાં છે તેમની નવલકથા ‘રામભક્ત રંગબાજ’ના કારણે. રાકેશ કાયસ્થ મૂળે પત્રકાર અને તેઓ દેશના ગ્રામીણ પરિવેશથી માંડીને શહેરી ચમકદમક ભર્યા જીવનને સારી રીતે સમજે છે. તેમના પુસ્તકના ફ્લેપ પર આપેલી તેમની ઓળખમાં તેમનું મુખ્ય કાર્ય ન્યૂઝ ટીવી ચેનલમાં રાજકીય વ્યંગ લખવાનું રહ્યું છે. તે ઉપરાંત તેમણે ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકિંગ અને ‘મૂવર્સ એન્ડ શેખર્સ’ નામના જાણીતા શૉ માટે સ્ક્રિપ્ટ લખી છે.
આ રીતે વર્ષો સુધી તેમનું કાર્ય ન્યૂઝ ટેલિવિઝન સાથે રહ્યું અને આ સાથે તેમણે રાજકીય વ્યંગનું લેખન પણ કર્યું. તેમનો વ્યંગસંગ્રહ ‘કોસ કોસ શબ્દકોશ’ હિંદી વાચકોમાં ખૂબ વંચાયો છે અને તે પછી તેમની નવલકથા ‘પ્રજાતંત્ર કે પકોડે’ પણ લોકપ્રિય થઈ છે. પણ અત્યારે આવેલી તેમની નવલકથા ‘રામભક્ત રંગબાજ’ની ચર્ચા ખૂબ થઈ રહી છે. જે સમયે આ નવલકથા આવી છે તે સમયમાં તેની કથાવસ્તુ આપણી આસપાસ ભજવાઈ રહી હોય તેમ લાગે છે અને તે કારણે તે વધુ પ્રસ્તુત છે.
હિંદી સાહિત્યમાં રાજકીય ધારદાર વ્યંગ લખવાનો શિરસ્તો ચાલતો આવ્યો છે. હરિશંકર પરસાઈ, શ્રીલાલ શુકલ, શરદ જોશી અને અશોક ચક્રધર જેવા નામો તેમાં તુરંત સામે આવે છે. રાકેશ કાયસ્થના વ્યંગ હિંદીના આ જાણીતા વ્યંગકારોમાં સ્થાન પામશે એવો દાવો અત્યારે થઈ રહ્યો છે. આ દાવો થાય છે ખાસ કરીને ‘રામભક્ત રંગબાજ’ નવલકથાના કારણે. જેમાં તેમની કથાવસ્તુ હિંદુ – મુસ્લિમના સંબંધને જોડીને કહેવાઈ છે. પહેલા તો નવલકથાનું નામ સાંભળીને એમ થાય કે તેમાં હિંદુ રાષ્ટ્રની કલ્પના હશે અને તેમાં હાલમાં થઈ રહેલા જાતભાતના વિવાદોનો શોરબકોર હશે. પરંતુ તેવું જરાય નથી અને લેખકે શરૂઆતમાં જ આ ભ્રમ ભાંગ્યો છે. અને પછી આપણી આસપાસ જે હિંદુસ્તાની પરિવેશ નિહાળીએ છીએ તે નાજુક દોરાથી જોડાયેલા સમાજદર્પણ લેખક કરે છે. તેની સાથે એક વાર્તા આગળ વધી રહી છે.
વાર્તાનો નાયક છે આશિક. નાયકથી વધુ તેને એક પાત્ર કહેવું યોગ્ય છે. આ પાત્ર મુસ્લિમ છે અને તે દરજીનું કામ કરે છે. આરામગંજ ચૌક પર તેની દુકાન છે અને મુસ્લિમ મહોલ્લા રૈયત ટોલીમાં તેનું ઘર આવેલું છે. તે તેના કામથી વધુ પોતાના વાતો કરવાના અંદાજથી વધુ ઓળખાય છે. આશિક દ્વારા જ સંવાદમાં એક વાક્ય આવે છે કે ‘ખાતે તો હમ વહી હૈ, જો હમે હમારે રામજી દેતે હૈ.’ હવે જન્મે મુસલમાન આશિક એક ઘોષિત રામભક્ત હતો. તે રામભક્ત બન્યો ઇંદ્રદેવ પાંડેના કારણે, જેની પાસે તેનું શિક્ષણ થયું. એ માટે તે રામ અને રામના મહિમાથી પરિચિત છે અને ઘરમાં જે માહોલ છે તેના કારણે તે અલ્લાહ પર આસ્થા ધરાવે છે. જો કે પાંડે પાસેથી શિક્ષણ લેતા લેતા સહજ રીતે તેના મોઢે રામ વધુ આવે છે. તે કારણે આરામગંજના લોકો તેને રામભક્ત કહે છે. તે મહિલા અને પુરુષ બંનેના કપડાં સીવે છે અને મહિલાઓ સાથે તેનો ઠીકઠીક પરિચય પણ કેળવાયો છે. એટલે આરામગંજના તેના યુવાસાથીઓ તેને ‘રંગબાજ’ કહીને સંબોધે છે.
આપણા દેશના કોઈ પણ નાના શહેરોની પૃષ્ઠભૂમિ લઈએ તો ત્યાં આ પ્રકારનું વાતાવરણ જડી આવશે. આશિક જેવા પાત્રો પણ અને તેની આસપાસની આવી રસપ્રદ સૃષ્ટિ પણ. અહીંયા સુધીની કથાવસ્તુ સુંદર રીતે શબ્દમાં ઉતરી છે અને તેમાં ભારતનો એ પરિવેશ દેખાય છે જે સદીઓથી આપણે જીવી રહ્યા છીએ. જેમાં દોસ્તી છે, સહભાગીતા છે અને એકબીજા પ્રત્યેનો પ્રેમ પણ ઝળકે છે. અહીંયા હિંદુ – મુસ્લિમોના ઝઘડા પણ થાય તો તેને કોમી રંગ લાગતો નથી. આ ઝઘડાનો દાયરો સીમિત છે.
આ કથાની પૃષ્ઠભૂમિ 1990થી વર્તમાન સુધીની છે અને આરામગંજના આ માહોલમાં ભંગ ત્યારે પડે છે, જ્યારે અડવાણીની રથયાત્રાનો આરંભ થાય છે. સોમનાથથી અયોધ્યા સુધીની આ યાત્રાનો રાજકીય લાભ તેના શરૂ થતા વેંત જ ભાજપને દેખાવા માંડ્યો. આ વાસ્તવિક ઘટનાને પોતાની કલ્પનાની વાર્તાથી લેખક આગળ વધારે છે. પણ ખરેખર તો આ કલ્પના નથી તેમાં દેશના અનેક નાના નાના નગરોનું ચિત્ર આલેખિત થતું જાય છે. રથયાત્રાની ચર્ચા આરામગંજ સુધી પહોંચે છે. હિંદુ – મુસ્લિમનો અહીં ભેદ નહીંવત્ હતો ત્યાં પણ લોકો હવે પોતાને હિંદુ – મુસ્લિમ તરીકે જોવા લાગ્યા હતા.
અને તેમાં પિસાય છે પહેલા આશિકનું દરજીકામ અને તે પોતે. આ રીતે ‘રામભક્ત’ આશિક રાતોરાત આરામગંજમાં મુસલમાનોનું પ્રતિનિધિત્વ કરતો થઈ જાય છે. મુસ્લિમ મહોલ્લામાં આશિક પર પહેલાથી જ ‘રામભક્ત’નું લેબલ લાગેલું છે. એ રીતે તેના માટે ઓળખની મુશ્કેલી તેની સામે આવે છે કે ખરેખર તે કોણ છે? અહીં લેખક પ્રશ્ન કરે છે કે, “ખરેખર એક વ્યક્તિની ઓળખ શું હોય છે, જે તે પોતે માને કે પછી અન્ય ઠરાવે તે?” ગતિથી આગળ વધતી આ કથામાં કેટલાક સંવાદ સમાજનું દૃશ્ય બતાવે છે. અસ્પૃશ્યતા વિશે સમજાવવા અર્થે આશિક એક બહેનને કહે છે : “અરે ચાચી ઇ નયા જમાના હૈ, છુઆછૂત ભલા કૌન માનતા હૈ. રામજી ભી તો કેવટ કી નાવ પર ચઢે ઔર શબરી કે જૂઠે બેર ખાએ થે. ગલત બોલ રહે હૈ તો બતાઈએ.” આ વાતને લઈને તે બહેને આશિકને પોતાની હેસિયત દર્શાવી દીધી. તેમણે કહ્યું : “તુમ કૌન રે? બેસી પંડિતાઈ મત છાંટ, ઔકાત ભુલાઈ ગઈલ બાડે તૂ આપન?” આરામગંજમાં હવે કોમી વંટોળ આવી ચૂક્યો છે જેમાં આશિક ફસાઈ ગયો છે. રાજકીય નેતાઓ અને કોર્પોરેશને આશિકના મહોલ્લા રૈયત ટોલીને ગેરકાનૂની જાહેર કરી દીધી છે.
એક તરફ ‘એર ધક્કા ઔર દો બાબરી મસ્જિદ તોડ દો’નો નારો બુલંદ થયો અને બીજી તરફ રામભક્ત રંગબાજના મહોલ્લા પર બુલડોઝર ફેરવી દેવાની તૈયારી થઈ રહી છે. આ નાટકીય ઉતાર – ચઢાવ વચ્ચે કોમી દાવાનળથી સમાજ ધાર્મિક આધારે એટલો વિભાજીત થયો નથી જેટલો દેખાય છે. સ્નેહસંબંધ છે અને ન્યાયના પક્ષે ઊભા રહેનારા પણ છે. આશિકના અબ્બુ કહે છે કે, “ઇંસાન ચાહે જૈસા ભી હો, મગર અંદર સે અચ્છા હી હોતા હૈ.” આ રીતે નવલકથામાં દરેક પ્રસંગે માણસાઈ રેખાંકિત કરી આપે છે. જો કે હિંદુઓની જ મદદથી આશિક કાયદાકીય લડાઈ જીતે છે અને પોતાનો મહોલ્લો સુરક્ષિત રહે છે. પરંતુ તેની વિજયની વચ્ચે કોમી દાવાનળ શાંત નથી થયો. તે અશાંત માહોલમાં જ આશિકને અર્ધવિક્ષિપ્ત વ્યક્તિ પેટ્રોલ છાંટીને સળગાવી દે છે. હત્યા કરનાર નિરંતર એવું સાંભળતો આવ્યો હતો કે મુસલમાન ખરાબ હોય છે અને આશિકની હત્યાથી તેનો કરુણ અંજામ આવે છે.
નવલકથાનો આ હિસ્સો આપણી કોમી માનસિકતાને છતી કરે છે. આશિકનો જનાજો તેના ગુરુ ઇંદ્રદેવ પાંડેના દરવાજાથી પસાર થાય છે, જ્યાં તે હંમેશાં થોડી વાર માટે રોકાતો હતો. પરંતુ આજે ત્યાં રોકાવવું આશિકના હાથમાં નહોતું. પાંડેજી કહેતા હતા, ‘‘રામનો માર્ગ પીડાનો છે.’’ આશિક પણ પોતાની જાતને એમ કહેતો રહેતો. જો કે અહીંયા નવલકથાનો અંત નથી. 30 વર્ષ પછી આશિકનો દીકરો ફરી આરામગંજમાં પાછો ફરે છે. તે ન્યૂઝિલેન્ડ સ્થાયી થવા જઈ રહ્યો છે. પરંતુ તે જતા પહેલાં પોતાના પિતાની કહાની આરામગંજના લોકો પાસેથી સાંભળવા માંગે છે. હાલના સમયમાં જે રીતે મુસ્લિમો તરફ લોકોનું વલણ બદલાયેલું છે તેથી શમી કોમીએકતાને લઈને નિરાશા અનુભવે છે.
પરંતુ તેમ છતાં દેશ છોડતા પહેલાં તેને નિર્ણય લેવામાં અસમંજસ થાય છે. શમીનો માનસિક સંઘર્ષ લેખક આ રીતે બયાન કરે છે – “બેહતરી કી ઉમ્મીદ મેં કહીં ઔર ચલે જાના હી હિજરત હૈ. મગર હમ સિર્ફ અપને ફૈસલે ચુન સકતે હૈ. ઉનકે નતીજે નહીં. ક્યા મક્કા સે મદીના જાનેવાલે પયગંબર કે વારિસ હંમેશાં કે લિયે સુખી હો ગયે? શાંતિકી ખાતિર કૃષ્ણને મથુરા છોડકર જિસ દ્વારિકા કા રૂખ કિયા, વહ ભી અંતતઃ અપનોં કે રક્ત મેં નહાકર હંમેશા કે લિયે સમુદ્રમે સમા ગઈ.”