Charchapatra

જાલી નોટોની રામાયણ

હાલમાં લગભગ દરેક મોટા શહેરો અને મહાનગરોમાં રૂ. ૨૦૦૦, રૂ. ૫૦૦, રૂ. ૨૦૦ તથા રૂ. ૧૦૦ની જાલી નોટો બજારમાં મોટા પાયા પર ફરી રહી છે, અને આ જાલી નોટો ભારતમાં ઘુસાડવા માટેનું બહુ મોટુ અને વ્યવસ્થિત નેટવર્ક કામ કરે છે. ભારત દેશના અર્થતંત્રને ખોખલું બનાવવા માટેની, આપણા વિરોધી દેશોની સાઝિશ અને ગહેરી ચાલ છે. ભારતના તમામ નાના મોટા રાજ્યોમાં એટલા બહોળા પ્રમાણમાં નકલી નોટો ફરતી થઈ ગઈ છે કે, કોની પાસે સાચી અને કોની પાસે ફર્જી નોટો છે એ ઓળખવું બહુ મુશ્કેલ કાર્ય બની ગયું છે.  હવેના આધુનિક ટેક્નોલોજીના જમાનામાં એવા ઉપકરણો શોધાયા છે, તેથી આબેહૂબ નકલી નોટો આસાનીથી બનાવી શકાય છે.

આમ થવાથી બેંકના કેશિયરો પણ નકલી નોટો ઓળખવામાં ક્યારેક થાપ ખાઈ જાય છે. બીજુ બેંકોની નીતિ પણ એવી છે કે જો ભુલથી કોઈ ગ્રાહકના ભરણામાં જાલી નોટ નીકળે તો જાણે ગ્રાહકે બહુ મોટો ગુનો કર્યો હોય એવો એની સાથે વર્તાવ કરવામાં આવે છે. ગ્રાહકને જાતજાતના પ્રશ્નો પૂછી પરેશાન કરવામાં આવે છે અને નકલી નોટોને બાળી નાંખવાની સલાહ આપવામાં આવે છે. આમાં ગ્રાહકનો કોઈ વાંક નથી ,છતાં એને વગર વાંકે દંડાવુ પડે છે. સરકારશ્રીના નાણાં મંત્રાલયે આ બાબતે ઘટતું કરી જાલીનોટોના કારનામા ચલાવનાર અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવી જોઈએ અને એમને આકરામાં આકરી સજા થાય એવા પગલાં ભરવા જોઈએ. હાલમાં તો ગ્રાહકની ખોદે ઊંદર અને ભોગવે ભોરિંગ જેવી હાલત થાય છે.
હાલોલ-યોગેશભાઈ આર જોષી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top