સુરત: (Surat) ભાજપના નિરીક્ષકોએ રવિવારથી સુરત મનપા માટે દાવેદારોની રજૂઆતો સાંભળવાનુ શરૂ કર્યુ છે. તેમાં દરેક વખતની જેમ આ વખતે પણ અવનવા સવાલો પૂછાયા હતાં. જેમાં એકથી વધુ વખત ચૂંટણી (Election) લડનારા કે નગર સેવક રહી ચૂક્યા હોય તેવા દાવેદારોને અમુક નિરીક્ષકોએ હજુ પણ શા માટે ચૂંટણી લડવા માંગો છો ? અગાઉ કોઇ વિવાદમાં આવી ચુકયા છો ? કેટલા લોકોને સરકારી યોજનાઓનો લાભ અપાવ્યો વગેરે સવાલો પુછતા જણાયા હતા. જો કે દાવેદારોને ભાજપ (BJP) કાર્યાલય પરથી અપાયેલા દાવેદારી ફોર્મમાં આ વખતે નવી ઉમેરાયેલી કોલમે પણ ધ્યાન ખેંચ્યુ છે. જેમાં ભાજપમાંથી ચૂંટણી લડવા માંગતા ટિકિટ વાંચ્છુઓએ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર માટે અનુદાન આપ્યું છે કે નહીં? તેવો સવાલ પુછાયો છે. અત્રે ઉલ્લખનીય છે, કે વર્તમાન નગર સેવકો અને પૂર્વ નગર સેવકો તેમજ વોર્ડ પ્રમુખો તેમજ જુદા જુદા મોરચાના હોદ્દેદાર રહી ચૂક્યા હોય તેવા નેતાઓએ દાવેદારી રજુ કરી હોવાથી ઉમેદવારોનો રાફડો ફાટયો હોય તેવી હાલત જોવા મળી હતી.
પાટીદાર ફેકટરમાં હારેલા તે વોર્ડ 35માં સૌથી ઓછા દાવેદાર, 13 અને 8માં રાફડો ફાટયો
પાટીદાર આંદોલન વખતે જે જે વોર્ડમાં ભાજપને નુકશાન થયુ હતું તે વોર્ડમાં હજુ પણ ભાજપના નેતાઓને થોડાઘણા અંશે અંદેશો દેખાઇ રહયો છે. ત્યારે વર્ષ 2015માં હારેલા તે કાપોદ્રા વોર્ડ નવો વોર્ડ નંબર 4માં માત્ર 36 દાવેદારો નોંધાયા છે. જયારે વોર્ડ નબર 13 અને 8માં તો 80-80થી વધુ દાવેદારો એક એક બેઠક માટે નોંધાયા છે.
- કયા વોર્ડમાં કેટલા દાવેદારો
- વોર્ડ દાવેદારો
- 14 41
- 15 65
- 7 43
- 8 80
- 19 74
- 25 76
- 12 75
- 13 80
- 20 72
- 3 59
- 4 36
- 1 66
- 9 70
- 23 61
- 24 67
- 28 76
ભાજપના નિરિક્ષકો સામે રજુઆત થતી વખતે ફરી વાર નેતાઓએ ગાઇડલાઇનની એસી તેસી કરી નાંખી
સુરત મનપા માટે ચુંટણીની દાવેદારોની રજુઆત સાંભળવા આવેલા નિરિક્ષકોએ રવિવારથી રજુઆતો સાંભળવાની શરૂઆત કરી છે. બે દિવસ સુધી આ રજુઆતોનો દોર ચાલવાનો છે. ત્યારે ફરી એક વખત ભાજપના નેતાઓ અને કાર્યકરો કોવિડની ગાઇડલાઇનનો સરેઆમ ભંગ કરતા નજરે પડયા હતા. ભાજપ કાર્યાલયથી માંડીને જયા રજુઆતો સંભળાતી હતી તે તમામ જગ્યાઓ પર માસ્ક અને શોસીયલ ડીસ્ટન્સના લીરે લીરા ઉડયા હતા પરંતુ પોલીસ કે મનપાની કોઇ ટીમ નિયમોનું પાલન કરાવવા કે કાર્યવાહી કરવા ફરકી નહોતી. એક બાજુ સામાન્ય દુકાનદારોને ત્યા ભીડ જામે કે લગ્નપ્રસંગોમાં નકકી કરેલી સંખ્યાથી વધુ લોકો ભેગા થાય તો દંડ અને અન્ય કાર્યવાહી કરવા પોલીસ અને મનપાના અધિકારીઓ કાયદાનું હથિયાર ઉગામી દે છે પરંતુ રાજકીય પક્ષના કાર્યક્રમો સામે કાર્યવાહી કરતા હાથ ધ્રુજી રહયા છે. બે દિવસ પહેલા કોંગ્રેસ અને ભાજપ બન્નેના કાર્યક્રમોમાં આવી જ હાલત જોવા મળી હતી તો રવિવારે ભાજપના આ રજુઆત કાર્યક્રમમાં નિરીક્ષકોથી માંડીને નેતાઓ અને કાર્યકરો માસ્ક વગર અને સોશીયલ ડીસ્ટન્સનો ભંગ કરતા નજરે પડયા હતા. સામાન્ય લોકો પાસેથી મોટી પેનલ્ટી ફટકારતી પોલીસ અને મહાપાલિકા આ સોશ્યલ ડીસ્ટનશીંગમાં કાર્યવાહી કરતા ફફડી રહી છે તે સ્પષ્ટ છે.