રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે મંદિર સંકુલના ક્ષેત્રની પાસે 7,285 ચોરસ ફૂટ જમીન ખરીદી હતી. આ જમીન મંદિર સંકુલ વિસ્તારને હાલના 70 એકરથી વધારીને 107 એકર કરવાની યોજના માટે ખરીદવામાં આવી હતી. ગુરુવારે ટ્રસ્ટના એક અધિકારીએ જણાવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશના આ પવિત્ર શહેરમાં ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ કરતાં ટ્રસ્ટે જમીનના માલિકને ચોરસ ફૂટ દીઠ 1,373 રૂપિયાના દરે 7,285 ચોરસ ફૂટ જમીન માટે એક કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.
ટ્રસ્ટી અનિલ મિશ્રાએ કહ્યું કે, રામ મંદિર માટે અમને વધુ જગ્યાની જરૂર હોવાથી આ જમીન ખરીદી છે. ટ્રસ્ટ દ્વારા ખરીદેલી જમીન અશર્ફી ભવનની બાજુમાં આવેલી છે.જમીનના માલિક દીપ નારાયણે 7285 ચોરસ ફૂટ જમીન માટે ટ્રસ્ટના સેક્રેટરી ચંપત રાયની તરફેણમાં દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા.
20 ફેબ્રુઆરીએ મિશ્રા અને અપના દળના ધારાસભ્ય ઇન્દ્ર પ્રતાપ તિવારી સાક્ષી તરીકે ફૈઝાબાદના સબ રજિસ્ટર એસ.બી. સિંહની ઑફિસમાં દસ્તાવેજ પર હસ્તાક્ષર કરવામાં ગયા હતા.તિવારીએ કહ્યું કે, હું રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ ખરીદી દસ્તાવેજનો ભાગ બનવા અંગે ભાગ્યશાળી છું.
સૂત્રોના જણાવ્યાં અનુસાર, ટ્રસ્ટ વધુ જમીન ખરીદવાની યોજના ધરાવે છે અને તે માટે રામ મંદિર સંકુલની પાસે આવેલા મંદિરો, મકાનો અને ખુલ્લી જમીનના માલિકો સાથે વાતચીત કરવામાં આવી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટ આ પ્રોજેક્ટને 107 એકર સુધી વધારવા માંગે છે અને આ લક્ષ્ય હાંસલ કરવા વધુ 14,30,195 ચોરસફૂટ જમીન ખરીદવી પડશે.મુખ્ય મંદિર પાંચ એકર જમીનમાં બનાવવામાં આવશે અને બાકીની જમીનમાં સંગ્રહાલય અને પુસ્તકાલય સહિતની અન્ય સુવિધાઓ વિકસાવવામાં આવશે.