GANDHINAGAR : ગુજરાત વિધાનસભાના ( GUJARAT ASSEMBLY) બજેટ સત્ર દરમ્યાન ગુરૂવારે પહેલી વખત ગૃહમાં ભાજપ – કોંગ્રેસના સભ્યો દ્વારા સામ સામે થયેલા આક્ષેપો બાદ ગૃહમાં ધાંધલ ધમાલ મચી જવા પામી હતી. જેના પગલે કોંગ્રેસના સભ્યોએ ગૃહમાંથી વોક આઉટ ( WALK OUT) કર્યો હતો. એટલું જ નહીં સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યો હતો.
ગુરૂવારે સવારે પ્રશ્નોત્તરી દરમ્યાન ખેડા – આણંદ જિલ્લામાં તબીબોની નિમણૂંકોના મુદ્દે મામલે બીચકયો હતો. જેના પગલે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પ્રશ્નોત્તરી સ્થગિત કરવી પડી હતી.
કોંગ્રેસના સિનિયર સભ્ય અણીત ચાવડાએ પ્રશ્નોત્તરીમાં કહ્યું હતું કે ટૂંકા લોકોની લાંબી દષ્ટિ જોઈ છે, આણંદમાં હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામા આવ્યું છે, જો કે હજુ સુદી કોઈ કામકાજ શરૂ થયું નથી. આ આક્ષેપના પગલે ડે સીએમ નીતિન પટેલે કહ્યું હતું કે ‘તમે ગપ્પાના ના મારો… મેં કોઈ ખાત મુહૂર્ત કર્યુ જ નથી. તમારા દાદાઓએ 40 વર્ષ સુધીના રાજમાં કશુંજ કર્યુ નથી.’ સીએમ વિજય રૂપાણીએ દરમ્યાનગીરી કહ્યું હતું કે ‘ગપ્પા મારે છે તેવું કહેવામાં કાંઈ ખોટુ નથી.’ નાયબ મુખ્યમંત્રીએ કરેલા નિવેદનના પગલે ઉશ્કેરાયેલા કોંગીના સભ્યો સીધા વેલ ઓફ ધી હાઉસમાં ધસી આવ્યા હતા.
કોંગ્રેસના સભ્યોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો. અધ્યક્ષ દ્વ્રારા ગૃહમાં શાતિ જાળવવા માટે વારંવાર અપીલ કરવામાં આવતા ગૃહમાં હંગામો ચાલુ રહેતા સ્થિતિ તોફાની બની જતાં અધ્યક્ષ દ્વારા પ્રશ્નોત્તરી સ્થગિત કરવામાં આવી હતી.આ ઉપરાંત પ્રશ્નોતરી દરમ્યાન ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયના કર્મચારીઓના પગરાના મુદ્દે ચોટીલાના ધારાસભ્ય ઋત્વિજ મકવાણાએ એવો આક્ષેપ કર્યો હતો કે મંત્રી લાંબા લચક જવાબો આપે છે, જો કે મૂળ પ્રશ્નના જવાબ આપતા નથી. મંત્રી 50 વર્ષ પહેલાની વાતો કરે છે. અંગ્રેજોના જમાનામાં વીર સાવરકર 60 રૂપિયામાં અંગ્રેજોની દલાલી કરતાં હતા. જો કે પાછળથી કોંગીના સભ્યના આક્ષોપો ગૃહના રેકર્ડ પરથી દૂર કરાયા હતા.
કોંગી સભ્યોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા
સિનિયર સભ્ય અમીત ચાવડાએ કરેલા આક્ષોપોથી ફરીથી ગૃહમાં ધાંધલ ધમાલ મચી જવા પામી હતી. ચાવડાએ કહ્યું હતું કે આજે વાઘોડિયા કોના નામે જાણીતુ છે ? તેવી જ રીતે શહેરા કોના નામે જાણીતુ છે ? પોરબંદર અને કુતિયાણા કોના નામે જાણીતા છે ? દ્વારકા કોના નામે જાણીતુ છે ? ચાવડાએ કહ્યું હતું કે સરકાર દ્વ્રારા પોલીસનો દૂરૂપયોગ કરીને પ્રજાને ડરાવવામાં આવી રહી છે. સીએમ ઓફિસમાં ફાઈલો ક્લિયર કરાવવા માટે કોની દરમ્યાનગીરીની જરૂરત પડે છે ?.. ચાવડાના આક્ષેપોના પગલે ગૃહમાં ફરીથી દમાલ મચી જવા પામી હતી. કોંગીના સભ્યોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. બીજી તરફ શહેરના ભાજપના સભ્ય જેઠા ભરવાડે પણ વળતા આક્ષોપો કરતાં કહ્યું હતું કે કોંગ્રેસના શાસનમાં દારૂ – જુગારના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલતા હતા. પોલીસ પણ કશું જ કરી શકતી નહોતી. જ્યારે અપક્ષ સભ્ય જીગ્નેશ મેવાણીને ગૃહમાંથી બહાર લઈ જવા માટે અધ્યક્ષે આદેશ કર્યો હતો.