નડિયાદ: ભાઇ-બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી રવિવારે કરવામાં આવશે. જોકે, તહેવારના બે દિવસ પહેલાં પણ બજારમાં ખરીદીનો માહોલ જોવા મળતો નથી. આ વર્ષે પણ બજાર ઠંડુ છે. જોકે, બે દિવસમાં ઘરાકી થવાની આશા વેપારી સેવી રહ્યા છે. રક્ષાબંધનના પવિત્ર તહેવારને આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. દરસાલ જ્યાં તહેવારો પહેલાં બજારો ગ્રાહકોથી ધમધમતા હતા, ત્યાં હાલમાં બજાર ઠંડુ લાગી રહ્યું છે.
ઠેરઠેર રાખડીઓનું વેચાણ શરૂ થયું છે. દુકાનોથી લઇને લારીઓ પર રાખડીઓ લઇને ઘરાકીની રાહ જોતાં વિક્રેતાઓ અને વેપારીઓ બેસી રહ્યા છે, પરંતુ ઘરાકી જામી નથી. ચાલુ વર્ષે બજારમાં નાના બાળકોને ગમતા કાર્ટુન કેરેક્ટરની રાખડીઓ ઉપરાંત લાઇટવાળી અને ટેડીવાળી રાખડીઓ આકર્ષણનું કેન્દ્ર છે. આ ઉપરાંત શિવ, રૂદ્રાક્ષ, ઓમ, સ્વસ્તિકની ડિઝાઇનવાળી રાખડીઓ પણ છે. આ વખતે રાખી નિમિત્તના ગ્રિટીંગ કાર્ડ પણ બજારમાં જોવા મળી રહ્યા છે. જોકે, રાખડીઓ તો બજારમાં છે પણ ઘરાકી નથી. જેને લઇને વેપારીઓ ચિંતામાં છે.
અંતિમ બે દિવસમાં ખરીદી જામે તેવી આશા છે
છેલ્લા વીસેક વર્ષથી રાખડીઓનો વેપાર કરૂં છું. કોરોનાને લીધે ગત વર્ષે તો ઘરાકી નહિવત હતી, આ વર્ષે પણ હજી ઘરાકી જોઇએ તેવી થઇ નથી. અંતિમ બે દિવસોમાં ઘરાકી થશે તેવી આશા સેવીને બેઠા છીએ. રાખડીના ભાવમાં કોઇ વધારે ફેરફાર નથી. માંગ મુજબ ૧૦ રૂ. થી લઇને ત્રણસો રૂપિયા સુધીની રાખડીઓ વેચીએ છીએ. – હિમાંશુ રાઠોડ, વેપારી
૫૦ પૈસાથી લઇને ૧૨૦૦ રૂ. સુધીની રાખડી
રાખડીનો સિઝનેબલ ધંધો છેલ્લા બારેક વર્ષથી કરું છું. આ વખતે ૫૦ પૈસાથી લઇને ૧૨૦૦ રૂ. સુધીની કિંમતની રાખડીઓ વેચાણાર્થે છે. કોરોના હશે કે નહીં હોય પણ લોકો તહેવાર તો ઉજવશે, એટલે છેલ્લા બે દિવસમાં હજી ખરીદી જામશે. જે લોકો ૫૦ રૂ. ની રાખડી લેતાં હતા તે હવે ૨૦ રૂપિયાની રાખડી લેશે પણ લેશે તો ખરાજ, એટલે તહેવારનો માહોલ પણ જામશે. – ગૌતમ પટેલ, વેપારી
દેશ-વિદેશમાં રાખડીઓ મોકલાઇ
એન.આર.આઇ. ઓ નું હબ ગણાતા ચરોતરમાંથી આ વર્ષે પણ દેશ – વિદેશમાં રાખડીઓ મોકલવામાં આવી છે. રાજ્ય બહાર કે રાજ્યમાં કે વિદેશમાં કુરિયર કે પોસ્ટ દ્વારા રાખડીઓ પખવાડિયા પહેલાં જ મોકલી આપવામાં આવી હતી. આ ઉપરાંત ભાઇને મીઠું મોઢું કરાવવા માટે ચોકલેટ તેમજ મિઠાઇઓ પણ મોકલવામાં આવી હતી. જે માટે મિઠાઇના અને ચોકલેટના પણ ખાસ પેકિંગ બજારમાં મૂકવામાં આવ્યા છે.
મહીસાગરમાં અવનવી રાખડીનું વેચાણ શરૂ
લુણાવાડા બજાર તેમજ મલેકપુરના બજારોમાં અવનવી રાખડીઓનુ આગમન જોવા મલ્યુ હતુ. હાલ કોરોના તેમજ ઓછા વરસાદના કારણે બજારમાં મંદીનો માહોલ દેખાય છે. આગામી દિવસોમા ભાઇ-બહેનના સ્નેહપર્વ રક્ષાબંધનને લઇને સ્થાનિક બજારોમાં વૈવિધ્યસભર રાખડીઓનુ આગમન જોવા મલી રહ્યુ છે.જેમાં ભાઇ-બહેનના ઐતિહાસિક પાત્રો ઉપરાંત છોટાભીમ, બાળ ટીવી સીરીયલોના પાત્રોની થીમ, ઇમીટેશન તેમજ ચાંદીધાતુમાંથી તૈયાર કરાયેલી રાખડીઓમાં પાંચ થી આઠ ટકાનો ભાવ વધારો જોવા મલી રહ્યો હતો.આમ ભાઈ બહેનના ઉષ્માપર્વ રક્ષાબંધનના તહેવારના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે.ત્યારે બહેન દ્વારા ભાઇની રક્ષા માટે રાખડી બાંધવાની પરંપરાને લઇને સ્થાનિક બજારોમા રાખડીઓનુ વેચાણાર્થે આગમન જોવા મળી રહ્યુ છે.