નડિયાદ: ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ નજીક કમળા-મંજીપુરા રોડ આવેલ ડમ્પીંગ સાઈટમાં કચરો સળગાવવાથી ફેલાતા પ્રદુષણથી ત્રસ્ત આસપાસના રહીશોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી, કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ ડમ્પીગ સાઈટ ફરતે બાઉન્ટ્રી વોલ મારવામાં આવે તેવી માંગ ઉચ્ચારી છે. નડિયાદ નજીક કમળા-મંજીપુરા રોડ પર ડમ્પીંગ સાઈટ આવેલી છે. આ ડમ્પીંગ સાઈટમાં કચરો સળગાવવાથી આસપાસના પાંચેક કિલોમીટર સુધી પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. જેને પગલે આ વિસ્તારમાં રહેતાં બે હજાર કરતાં વધુ રહીશોનું જીવન નર્ક સમાન બન્યું છે.
આ મામલે સ્થાનિકોએ તંત્ર સમક્ષ અનેકોવાર રજુઆતો કરી છે. પરંતુ, નઘરોળતંત્ર તેમની રજુઆતો ધ્યાને લેતું ન હોવાથી સ્થાનિકો આક્રમક બન્યાં છે. રોષે ભરાયેલાં સ્થાનિકો ઉપરાંત, એડવોકેટ પુજા હોતચંદાણી, નડિયાદ સોમીલ ઓનર્સ એસોસિયેશન, ઉદ્યોગનગર કડવા પાટીદાર સનાતન સમાજ, કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ, શ્રી કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ, શ્રી સ્વામિનારાયણ સત્સંગ ભવન, શ્રી ઘનશ્યામ ઇંગલિશ ટીચિંગ સ્કૂલે પોતાના લેટરપેડ પર જિલ્લા કલેકટરને સંબોધીને ગુરૂવારના રોજ આવેદનપત્ર પાઠવ્યું હતું.
જેમાં જણાવ્યું છે કે, કમળા-મંજીપુરા રોડ નજીક બે હજારથી વધુ જનસંખ્યા વસવાટ કરે છે. ત્યાં જ નડિયાદ નગરપાલિકા દ્વારા ડમ્પીંગ સાઈટ બનાવી કચરો જમા કરવામાં આવે છે. આ કચરામા વારંવાર આગ લાગવાના બનાવો બને છે. જેના કારણે પુષ્કળ ધુમાડો ઉત્પન્ન થાય છે અને અસહ્ય દુર્ગંધ ફેલાય છે. જે મંજીપુરા રોડ ઉપર આવેલ જવાહરનગર વિસ્તાર, મંજીપુરા ચોકડી તેમજ કમળા રોડ પર પ્રદૂષણ ફેલાવે છે. જેના કારણે આ વિસ્તારના રહીશોને સામાન્ય જીવન વિતાવવું કઠીન બનેલ છે.
આ વિસ્તારમાં અસ્થમા, આંખોની બળતરા, ખાંસી, શ્વાસ રૂંધાવાના ગંભીર બિમારીનું પ્રમાણ વધ્યું છે. આ બાબતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રદુષણ અટકાવવા માટે વારંવાર જણાવવામાં આવેલ છે. તેમ છતાં પ્રદુષણ અટકાવવા માટે કોઈ વ્યાજબી પગલા ભરવામાં આવતા નથી. સ્વચ્છ ભારત અંતર્ગત નગરપાલિકાને ઘણું મોટું ફંડ ફાળવવામાં આવ્યું છે. જેના ઉપયોગથી નડિયાદ તો સ્વચ્છ કદાચ થઇ ગયું છે.
પણ એ કચરો જયારે આ સુએજ ટ્રીટમેન્ટની સાઈટ કે જેને કચરાનું ડમ્પિંગ સ્ટેશન બનાવી દીધું છે ત્યાં નાખવામાં આવે છે અને પછી સળગાવવામાં આવે છે, જેના કારણે આ સાઈટ થી પાંચ કિલોમીટરના પટ્ટામાં રહેતા લોકો ખુબ જ હાલાકી ભોગવી રહ્યા છે અને ગંભીર બીમારીનો ભોગ બની રહ્યા છે. ત્યારે, આગામી ૭ દિવસમાં ડમ્પિંગ સાઈટમાંથી ફેલાતું પ્રદુષણ અટકાવવા માટે તાત્કાલિક પગલાં ભરવા અને ડમ્પિંગ સાઈટ દૂર કરી તમામ કચરો ત્યાંથી દુર કરવામાં આવે તેવી માંગ કરી છે.