રાજપીપળા: રાજપીપળામાં (Rajpipla) છૂટક મજૂરી કરી જીવન ગુજારી રહેલાં પતિ-પત્ની (Husband-wife) વચ્ચે સામાન્ય બાબતમાં ઝઘડો થયો હતો. સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં પત્નીએ પતિની પથ્થરથી બેરહેમીથી હત્યા (Murder) કરી નાંખી હતી. રાજપીપળા પોલીસે (Police) પત્ની વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
- રાજપીપળા જીન કમ્પાઉન્ડની ઘટના, પત્નીની ધરપકડ
રાજપીપળામાં રહી છૂટક મજૂરી કરી ઓટલા પર જીવન ગુજારનાર શ્રમજીવી પરિવારના એક મહિલા અને પુરુષ જાલું રૂપસિંગ પવાર અને રમેશ ચંદુ દેવીપૂજક પતિ-પત્ની તરીકે રહેતાં હતાં. ગત રાત્રિના રાજપીપળા જીન કંપાઉન્ડમાં આવેલ ગુજકોમાસોલના ખાતરના ગોડાઉનના ઓટલા ઉપર રાતવાસો કરતા આ શ્રમજીવી દંપતી વચ્ચે જમવા બાબતે ઝગડો થયો હતો, જેમાં મહારાષ્ટ્રના નંદુરબાર બીલેડા ગામના મૂળ રહેવાસી અને હાલ રાજપીપળામાં રહેતી જાલુ રૂપસિંગ પવાર પતિ મૂળ વડોદરા શિનોરના ઉતરાજ ગામનો રમેશ ચંદુ દેવીપૂજક વચ્ચે બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ઉશ્કેરાયેલી પત્નીએ પતિ રમેશના માથા અને મોંના ભાગે પથ્થર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પતિ ગંભીર રીતે ઘાયલ થતાં અંતે એનું મોત નીપજ્યું હતું. આ બાબતની જાણ ધમણાચાના કાર્તિક પટેલે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં પી.આઈ. જે.કે પટેલને કરતાં પોલીસે સમગ્ર બાબતની તપાસ કરી પત્ની જાલુ પવાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
તંત્ર-મંત્રથી બીમાર યુવતીના ઈલાજના બહાને દુષ્કર્મ કરતા મહંતને 10 વર્ષની સજા
રાજપીપળા: ગરુડેશ્વરના કારેલી ગામના મેળા ફળિયામાં રહેતો 70 વર્ષીય ભોવાન ઉર્ફે ભાવદાસ મહંત જીવા તડવી ગરુડેશ્વર વિસ્તારમાં મહંત બની ધાર્મિક વિધિ અને તંત્ર-મંત્ર કરતો હતો. બીમાર યુવતીનો તંત્ર-મંત્ર દ્વારા ઈલાજ કરવાના બહાને દુષ્કર્મ કરતાં કહેવાતા એ મહંતને ગરુડેશ્વરની એડિ. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે.
ભાવદાસ મહંત પાસે એક ગામની મહિલા પોતાની દીકરી અવારનવાર બીમાર થતી હોવાથી સાજી કરવા લઈ ગઈ હતી. કહેવાતો એ મહંત દોરા-ધાગા બાંધી લોકોને સાજા કરતો હોવાની વિધિ કરતો હોવાથી મહિલા પોતાની પરિણીત દીકરીને લઈ જતાં ભગવાનદાસ મહંતે કહ્યું હતું કે, તમારી બીમાર દીકરીની વિધિ કરવી પડશે, એટલે ફરીથી સાંજના સાતેક વાગે બે નારિયેળ લઈ આવવું પડશે. સમય પર યુવતી આવી ત્યારે ભાવદાસ મહંતે યુવતી સાથે શારીરિક છેડછાડ કરી ખેતરમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. એ બાબતની ફરિયાદ યુવતીએ ગરુડેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધાવતાં મહંતની ધરપકડ કરી ચાર્જશીટ તૈયાર કરી કોર્ટ સમક્ષ રજૂ કરી હતી.
આ કેસ નર્મદા જિલ્લા ન્યાયાલયમાં ચાલતાં એડિ. સેસન્સ જજ એન.એસ.સિદ્દીકીએ સરકારી વકીલ પી.એચ.પરમારની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી મહંતને દુષ્કર્મના ગુનામાં કસૂરવાર ઠેરવી 10 વર્ષની સાદી કેદની સજા અને 50 હજાર રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો.