રાજપીપળા: (Rajpipla) નર્મદાના તિલકવાડાના એક આદિવાસી યુવાનને (Tribal Youth) પોલીસે (Police) ઢોર માર માર્યા હોવાની ઘટનાની સ્યાહી હજુ સુકાઈ નથી, ત્યાં તો ગરુડેશ્વરના સાંજરોલી ગામના યુવાનને ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલે માર માર્યો હોવાની એક બીજી ઘટના સામે આવી છે.
- વાહન ચેકિંગ વેળા ડંડો બતાવતા યુવાને ગભરાઈને બાઇક હંકારી મૂકી હતી
- બાદ પોલીસ સાથે ઝપાઝપીમાં પોલીસકર્મીને ઉઝરડો પડી ગયો હતો
- ગરુડેશ્વર પોલીસ કસ્ટડીમાં વિદ્યાર્થી ઉપર ચાર પોલીસકર્મી તૂટી પડ્યા
- મોઢા, છાતી ઉપર મુક્કા મારતાં જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી
નાંદોદના સાંજરોલી ગામના પણ પોતાના મામાને ત્યાં કલીમકવાણા ખાતે રહી માંગરોળ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિતેશ રાજેશભાઈ તડવીએ નર્મદા જિલ્લા પોલીસ વડાને કરાયેલી લેખિત રજૂઆત મુજબ એ પોતે મોટરસાઇકલ લઈ ગત તા.16/03/2023ના સાંજે સાંજરોલીથી કલીમકવાણા જઈ રહ્યો હતો. ત્યારે ગરુડેશ્વર ચોકડી ખાતે ટ્રાફિક ચેકિંગમાં ઊભેલા પોલીસ જવાનો દ્વારા એને અટકાવવા લાકડી ઉગામતાં પોતે ગભરાઈ જઈ પોતાની મોટરસાઇકલ પલટાવી પરત જતો રહ્યો હતો. દરમિયાન ફરજ પરના પોલીસ જવાને દોડીને યુવાનની મોટરસાઇકલ પકડી પાડી હતી.
આ ઝપાઝપીમાં પોલીસ જવાનને હાથ ઉપર સામાન્ય ઉઝરડો પડી જતાં ઉશ્કેરાયેલા પોલીસ જવાને મિતેશ પાસે લાઇસન્સ માંગતાં યુવાને પોતાની પાસે લાઇસન્સ નથી એમ કહેતાં જ ફરજ પરના પોલીસ જવાન અતુલ વસાવા અને અન્ય ત્રણ ખાખીધારીઓ ફેટ પકડી ગાળો ભાંડી પોલીસ વેનમાં નાંખી ગરુડેશ્વર પોલીસમથકે લઈ ગયા હતા. અને ત્યાં જઈ વિદ્યાર્થી યુવાનને પોલીસમથકમાં ઢોરમાર મારવામાં આવ્યો હતો. ગરુડેશ્વર પોલીસમથકમાં વિદ્યાર્થી સાથે થયેલી મારપીટ અને પોલીસની ગાળો માર ખાઈ રહેલા વિદ્યાર્થીએ પોતાના મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લીધી હતી. આ મામલાની જાણ થતાં યુવાન વિદ્યાર્થીના મામા પોલીસમથકે દોડી આવ્યા હતા અને યુવાનને સારવાર માટે રાજપીપળાની GMERS સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
ખોલવડ તાપી નદીમાં ઝીંગા પકડવા બાબતે મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ
કામરેજ: તાપી નદીમાં મચ્છી પકડવા માટે કઠોર ગામના પિતા તથા બે પુત્ર સહિત ત્રણે ખોલવડ ગામના ઈસમને ગાળો આપી મારી નાંખવાની ધમકી આપી હતી. કામરેજના ખોલવડ ગામે ટાવર ફળિયામાં રહેતા મોહમંદ ઈમરાન સલીમ મલેક ખોલવડ ગામની હદમાંથી પસાર થતી તાપી નદીમાં મચ્છી અને ઝીંગા હોડી દ્વારા પકડે છે. હાલ નદીમાં ઝીંગા પકડવા માટે 50 પાંજરાં ખોલવડ તથા કઠોર ગામના નદી કિનારે મૂકવામાં આવ્યાં છે. શુક્રવારે રાત્રે નદીમાં નાંખેલા પાંજરામાં ઘાસચારો નાંખવા માટે પિતા સલીમ ગુલામ રસુલ મલેક સાથે ગયા હતા. નદી કિનારે ગામમાં અકબરની વાડીમાં રહેતા મોહમદ અઝીઝ ઉર્ફે અઝીઝ બદુ સીધુમીયા શેખ પિતા-પુત્રને ગાળો બોલવા લાગતાં કેમ ગાળો બોલો છો? તેમ કહેતાં ફોન કરીને પુત્ર બિલાલ, મોયુદીન બંને (રહે.,કઠોર માયાત ફળિયું)ને બોલાવી લીધા હતા. ત્રણેય સલીમ મલેકને ગાળો બોલી માર મારવા લાગ્યા હતા. તમારે તાપી નદીમાં ઝીંગા-મચ્છી પકડવા આવવું નહીં અને આવશો તો તમને બાપ-દીકરાને જાનથી મારી નાંખીશું એવી ધમકી આપતાં કામરેજ પોલીસમથકમાં ત્રણેય ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી.