રાજપીપળા: (Rajpipla) ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Election) લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની (Amit Shah) ડેડિયાપાડામાં યોજેલી જાહેર સભા બાદ નાંદોદ વિધાનસભાના રાજપીપળા ખાતે ભવ્ય રોડ શો (Road Show) યોજાયો હતો. રાજપીપળાના સૂર્ય દરવાજાથી કાળા ઘોડા સુધી દોઢ કિલોમીટરના ભવ્ય રોડ શોમાં નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, મહામંત્રી નીલ રાવ સહિત હજારોની સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા. અત્રે એ ઉલ્લેખનીય છે કે, અમિત શાહના રોડ શોના આગલા દિવસે જ રાજપીપળાના જાહેર માર્ગોની સાફસફાઈ પણ કરવામાં આવી હતી. અમિત શાહના રોડ શોના માર્ગને કેસરિયા ધ્વજથી શણગારવામાં આવ્યો હતો.
- રાજપીપળામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો દોઢ કિલોમીટર લાંબો રોડ શો
- તમારો એક મત મહાન ભારત અને ગુજરાતની રચના માટે પીએમ મોદીનો હાથ મજબૂત કરશે: અમિત શાહ
- અમિત શાહે પણ ઉપસ્થિત લોકો પર ફૂલ વરસાવ્યાં
રાજપીપળામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 4:30 કલાકે આવી પહોંચ્યા હતા. ડીજે અને ઢોલ-નગારાંના તાલ સાથે અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, લોકોએ પણ અમિત શાહનું ફૂલોથી સ્વાગત કર્યું હતું. તો બીજી બાજુ અમિત શાહે પણ ઉપસ્થિત લોકો પર ફૂલ વરસાવ્યાં હતાં. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે લગભગ એક કલાક બાદ દોઢ કિલોમીટર લાંબો રોડ શો કાળા ઘોડા પાસે પૂર્ણ થયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, હું અગાઉ ઘણીવાર રાજપીપળા આવ્યો છું, પણ આટલી મોટી જનમેદની મેં કોઈ દિવસ જોઈ નથી, આટલી મોટી સંખ્યામાં આવવા બદલ હું તમારો આભાર માનું છું.
એમણે વધુમાં જણાવ્યું હતું કે, તમારો એક મત મહાન ભારત અને ગુજરાતની રચના માટે પીએમ મોદીનો હાથ મજબૂત કરશે. તમારો એક મત દેશને સુરક્ષિત કરશે, ગુજરાતના ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડશે. દરેક આદિવાસીઓના ઘરે વિકાસ પહોંચાડશે. પીએમ નરેન્દ્ર મોદીએ આખી દુનિયામાં ભારતનું નામ રોશન કરવાનું કામ કર્યું છે.