હોટલમાં ગયા બાદ પ્રેમિકાએ આનાકાની કરતા રાજકોટમાં પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી, પોતે પણ એસિડ પી લીધું – Gujaratmitra Daily Newspaper

Gujarat

હોટલમાં ગયા બાદ પ્રેમિકાએ આનાકાની કરતા રાજકોટમાં પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી, પોતે પણ એસિડ પી લીધું

રાજકોટ: રાજકોટ શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 17 વર્ષની સગીર યુવતી સવારથી ઘરની બહાર નીકળી હતી તે રાત સુધી નહીં આવતા તેના પરિવારજનો તપાસ કરી રહ્યાં હતાં ત્યારે એક ફોન આવ્યો હતો, તેમાં યુવતી હોટલમાં હોવાનું જાણવા મળ્યું હતું. હોટલ પર જતા ખબર પડી કે તે યુવતી તેના પ્રેમી સાથે હોટલના રૂમમાં ગઈ હતી. હોટલમાં રૂમ રાખવા માટે પ્રેમીએ સગીર યુવતીના આધારકાર્ડમાં ચેડાં કરી જન્મતારીખ પણ બદલી હતી. રૂમ રાખ્યા બાદ પ્રેમીએ સગીર પ્રેમીકા સાથે એવું વર્તન કર્યું હતું કે, જે જાણી યુવતીના પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

આ ઘટના રાજકોટના કરણપરા રોડ પર આવેલી નોવા હોટલમાં બની છે. અહીં ધ્રુવા જોષી નામની 17 વર્ષીય યુવતી ધ્રુવા જોષીની હોટલના રૂમમાં લાશ મળી હતી. ધ્રુવાની તેના જ પ્રેમી જેનિશે હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

રાજકોટ પોલીસના જણાવ્યા અનુસાર નોવા હોટલના રૂમ નં. 301માંથી કાલાવડની 19 વર્ષીય ધ્રુવા જોશીની લાશ મળી હતી. જ્યારે કચ્છ ભુજના માધાપરના વતની જેનીશ દેવયાતકાની હાલત ગંભીર હતી. તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. પ્રાથમિક તપાસમાં એવી વિગત બહાર આવી છે કે ધ્રુવા અને જેનીશ વચ્ચે પ્રેમસંબંધ હતો. જેનીશ દેવયાતકાએ રૂમ બુક કરાવ્યો હતો. રૂમમાં જેનીશે ધ્રુવાની હત્યા કરી હતી અને ત્યાર બાદ પોતે એસિડ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેનીશે ગળે ફાંસો આપી ધ્રુવાની હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

પોલીસે વધુમાં કહ્યું કે, હોટલમાં ધ્રુવાના આધારકાર્ડ જમા કરાવ્યો હતો તેમાં તેની ઉંમર 19 વર્ષ જણાતી હતી, પરંતુ ખરેખર ધ્રુવાની ઉંમર 17 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે, જેથી જેનીશે આધારકાર્ડમાં છેડાં કર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ધ્રુવાને ફોન કર્યો ત્યારે જેનીશે કહ્યું, મેં તેની હત્યા કરી: હિરેન જોશી
મૃતક ધ્રુવાના પિતા હિરેન જોશીએ કહ્યું કે, ધ્રુવા ગુરુવારે સવારથી ગાયબ હતી. તેનો ફોન બંધ આવતો હતો. ફોન કર્યો ત્યારે સામેથી જેનીશે ફોન ઉપાડ્યો હતો. તેણે કહ્યું, મેં ધ્રુવાની હત્યા કરી નાંખી છે અને હું પણ આપઘાત કરું છું. પોતે નોવા હોટલમાં હોવાનું જણાવતા અમે દોડી આવ્યા હતા. તે બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાનો અમને ખ્યાલ પણ નહોતો.

Most Popular

To Top