Gujarat

ફિલ્મો જોઈ કરાયેલી હત્યાના કિસ્સા વધી રહ્યાં છે, રાજકોટમાં દૃશ્યમ જેવો કિસ્સો સામે આવ્યો

રાજકોટના (Rajkot) તરઘડીમાં 14 દિવસ પહેલા બનેલી એક હત્યાની ઘટનાનો પોલીસે (Police) કોલ ડિટેઇલના (Call Details) આધારે ભેદ ઉકેલી નાખ્યો છે. યુવકને ફોન કરનાર મહિલા અને બંને હત્યારાઓની ધરપકડ કર્યા બાદ પૂછપરછ કરી લાશ જે સ્થળે દાટી હતી તે સ્થળ પોલીસે શોધી કાઢ્યું હતું. ફિલ્મ દૃશ્યમની (Drishyam) જેમજ આ કિસ્સામાં પણ લાશને દાટી દેવામાં આવી હતી. એટલું જ નહીં હત્યા બાદ હત્યારાઓ એવી રીતે વ્યવહાર કરવા લાગ્યા હતા જાણે કે કશું બન્યું જ ના હોય. આ મામલે પોલીસે લાશનો કબ્જો લઈ આરોપીઓ (Accused) સામે હત્યાનો (Murder) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે મહિલાના પતિ અને પતિના ભાઈની ધરપકડ કરી લીધી છે.

દિલ્હીમાં શ્રદ્ધા હત્યા કેસમાં તેના પ્રેમીએ દ્રશ્યમ ફિલ્મ જોયા બાદ પ્રેમિકાની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. બીજી તરફ દિલ્હીમાં જ વધુ એક હત્યા કરાઈ છે જેમાં દિકરાએ પિતાની લાશના ટુકડા કરી ફ્રીજમાં સંતાડી દીધા હતા. હવે ગુજરાતમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાની સ્ટોરી ફિલ્મ દૃશ્યમ જેવી છે. રાજકોટના પડઘરીના તરઘડીમાં પ્રેમિકાએ પતિ સાથે મળી પ્રેમીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. અહીંનો યુવાન 23 વર્ષીય ગૌતમ 14 નવેમ્બરથી લાપતા થયો હતો. જે અંગે પડધરી પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી. જે અંગે પડધરીના PSI એમ.એચ. યાદવ સહિતના સ્ટાફે યુવકની કોલ ડિટેઇલના આધારે તપાસ શરૂ કરી હતી.

આ છે સમગ્ર ઘટના
તરઘડી ગામમાં રહેતા અને છૂટક મજૂરી કરતા ગૌતમ ગોહીલ નામના યુવકને ગામમાં જ રહેતી પરિણીતા મધુ સાથે પ્રેમ થયો હતો. તેઓ બંને ઘરેથી ભાગી ગયા હતા. જોકે થોડા સમય બાદ પાછા આવી ગયા હતા. ત્યારબાદ મધુના પતિએ તેને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કરી લીધું હતુ. તેણે ભાઈ સાથે મળી પ્લાન બનાવ્યો હતો. મધુએ જ ફોન કરી પ્રેમી ગૌતમને ગવરીદળ ગામે મળવા બોલાવ્યો હતો. ગૌતમ ત્યાં પહોંચ્યો ત્યારબાદ મધુ, તેના પતિ અને પતિના ભાઈએ તેની હત્યા કરી હતી. બાદમાં લાશને પોતાના જ ઢોર બાંધવાના વાડામાં દાટી દીધી હતી.

કોલ ડિટેઇલ પરથી પોલીસે કેસ ઉકેલ્યો
પોલીસને ગૌતમના કોલ ડિટેલ્સ પરથી સમગ્ર ઘટનાની જાણકારી મળી હતી. ગૌતમને છેલ્લો ફોન કુવાડવા રહેતી મધુ ગોહેલનો આવ્યો હતો. પોલીસે મધુ ગોહેલની અટકાયત કરી પૂછપરછ કરતા હત્યા કરાયાનો સમગ્ર કિસ્સો બહાર આવ્યો હતો. મધુ ગોહેલે પતિ સાગર ઝાપડાના કહેવાથી ગૌતમને ફોન કરી મળવા માટે બોલાવ્યો હતો. 14 નવેમ્બરે ગૌતમ મધુને મળવા માટે ગવરીદળ પહોંચ્યો ત્યારે શૈલેષ ઝાપડા અને સાગર ઝાપડાએ ગૌતમને માથામાં પાઈપના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ લાશને વાહનમાં નાખી તેઓ પોતાના ઘરે લઈ ગયા હતા. જ્યાં ઢોર બાંધવાના વાડામાં જેસીબીની મદદથી ખાડો ખોદી લાશ દાટી દીધી હતી. પોલીસે મધુના પતિ શૈલેષ અને પતિના ભાઈ સાગરની ધરપકડ કરી લીધી છે.

Most Popular

To Top