Gujarat

યુવતીના પ્રેમમાં પાગલ રાજકોટનો યુવક આશિષમાંથી મોહમ્મદ બન્યો પણ ફરી હિંદુ ધર્મ અપનાવી લીધો

રાજકોટ : ગુજરાતના રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુરમાં (Jetpur) ધર્મ પરિવર્તનની એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેતપુરમાં એક હિન્દુ (Hindu) યુવક પોતાનો ધર્મ બદલી હિન્દુમાંથી મુસ્લિમ (Muslim) બન્યો હતો. આ યુવકે એક બાંગ્લાદેશી (Bangladesh) યુવતીના પ્રેમમાં પાગલ થઈને પોતાનો ધર્મ પરિવર્તન કર્યો હતો. તે આશિષ ગોસ્વામીમાંથી મોહમ્મદ શેખ બન્યો હતો. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે તે યુવક ખતના (Circumcision) કરાવવા માટે હોસ્પિટલ પહોંચ્યો હતો.

રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતો આશિષ ગોસ્વામી એક હિન્દુ છે. આશિષનો છ મહિના પહેલા ઈન્સ્ટાગ્રામ માધ્યમથી એક બાંગ્લાદેશી યુવતી સાથે સંપર્ક થયો હતો. આ પછી આશિષ ગોસ્વામીએ પોતાની ઈન્સ્ટાગ્રામ પરનું નામ બદલી નાખ્યું હતું. જે પછી તેણે આશિષ ગોસ્વામીથી નામ બદલી મોહમ્મદ શેખ કરી નાખ્યું હતું. તેણે મસ્જિદ જવાનું પણ શરૂ કરી દીધું હતું. મળતી માહિતી અનુસાર હિન્દુમાંથી મુસ્લિમ બનેલા આશિષે તે યુવતી સાથે ઓનલાઈન લગ્ન પણ કર્યા હતા.

હિન્દુ સંગઠનોને બાતમી મળી હતી
આશિષ ખતના કરાવવા માટે હોસ્પિટલ પહોંચ્યો હોવાની બાતમી હિન્દુ સંગઠનોને મળી હતી. જે પછી તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. હિન્દુ સંગઠનોએ હોસ્પિટલ પહોંચી સંતોને બોલાવીને યુવકને સમજાવ્યો હતો. યુવક ખતના ન કરાવવા માટે સંમત થતા તેની દાઢી હટાવામાં આવી હતી. આ સાથે તેની પાસે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરાવ્યો હતો. જેનાથી આશિષ પોતાના હિન્દુ ધર્મમાં પરત ફર્યો હતો.

યુવકના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી
આ સમગ્ર ઘટના સામે આવતા આશિષના પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. આશિષના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આશિષના પરિવારે આરોપ લગાવ્યો છે કે ઝાકિર નાઈકની યુટ્યુબ ચેનલ અને તેની વેબસાઈટ દ્વારા તે યુવકનું બ્રેઈનવોશ કરવામાં આવ્યું હતું. આ સાથે તેઓએ યુટ્યુબર ઝાકિર નાયકની યુટ્યુબ ચેનલને બ્લોક કરવાની માંગ કરી હતી. આ પછી પોલીસે તપાસ હાથ ધરી હતી.

યુવક ઝાકિર નાઈકના વીડિયોથી મુસ્લિમ ધર્મ તરફ આકર્ષાયો
આશિષ ગોસ્વામીના પરિવારનું કહેવું છે કે તેમનો પુત્ર આવું પગલું ભરશે તેની તેમને ખબર પણ ન હતી. આ સાથે આ યુવક ઝાકિર નાઈકના વીડિયોથી મુસ્લિમ ધર્મ તરફ આકર્ષાયો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ યુવકની પૂછપરછ કરી હતી જેમાં ખુલાસો થયો હતો કે તે તેના પરિવાર પર ગુસ્સે હતો. તે દરમિયાન તેની બાંગ્લાદેશની એક યુવતી સાથે મિત્રતા થઈ હતી. આ પછી તેણે મુસ્લિમ ધર્મ સ્વીકારવાનો નિર્ણય લીધો હતો.

Most Popular

To Top