રાજકોટ(Rajkot) : ગુજરાતમાં (Gujarat) આજે મંગળવારે પણ અનેક શહેર-જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ (Heavy Rain) વરસી રહ્યો છે. અમદાવાદ, વલસાડ, છોટા ઉદેપુર બાદ હવે રાજકોટમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આખી રાત વરસાદે રાજકોટ શહેરને ધમરોળ્યું હતું. 7 કલાકમાં 9 ઈંચ વરસાદ પડતા શહેરમાં ઠેરઠેર પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના લીધે સૌરાષ્ટ્રનો (Saurashtra) બીજો સૌથી મોટો આજી-3 ડેમ (Aaji-3 Dam) ઓવરફલો (OverFlow) થયો છે. ગોંડલનો સેતુબંધ ડેમ પણ છલકાઈ ગયો છે. લાલપરી તળાવ પણ ઓવરફલો થયો છે. રાજકોટના રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાઈ ગયા છે, જેના પગલે શાળા અને કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે.
રાજકોટ શહેરમાં 12 કલાકમાં 6.45 ઈંચ વરસાદ ખાબક્યો છે, જેના લીધે શહેરના નદી નાળા બે કાંઠે વહેવા લાગ્યા છે. લાલપરી તળાવ ઓવરફલો થયો છે. જામનગર રોડ ગાયત્રીધામ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લલૂડી વોકળી, રેલનગર અંડરબ્રિજમાં 4 ફૂટ પાણી ભરાયા છે. પમ્પિંગ કરી પાણી ઉલેચવાની કામગીરી તમામ બ્રિજ પર કરવામાં આવી રહી છે અને હજુ પણ 6થી 7 કલાક સુધી રેલનગર અન્ડરબ્રિજ પરથી વાહનોની અવરજવર નહિ થઈ શકે. તેથી અંડરબ્રિજ બંધ કરી દેવાયો છે. પોપટપરામાં પણ પાણી ભરાઈ ગયા છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ, મોરબી રોડ, આજીડેમ, રેસકોર્સ, યાજ્ઞિક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો, આથી રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે. આ તરફ આજી-3 (ખજૂરડી)નો ડેમ ઓવરફલો થતા ડેમના 2 ગેટ 3-3 ફૂટ ખોલી નાંખવામાં આવ્યા છે. ફાયર વિભાગની ટીમ આજી નદી, ભગવતીપરા, રામનાથ પરા, થોરાળા વિસ્તારમાં જઇ સતત બચાવની કામગીરી કરી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા રદ કરી, શાળા-કોલેજોમાં રજા
રાજકોટમાં ભારે વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પરથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. અનેક રસ્તા બંધ થયા છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યોજાનારી આજની પરીક્ષા રદ કરવામાં આવી છે. આ અંગે પરીક્ષા નિયામક નિલેશ સોનીએ સત્તાવાર યાદી જાહેર કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજોના આચાર્ય તથા અનુસ્નાત ભવનનાં અધ્યક્ષને જાણ કરી હતી. જયારે જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ સ્કૂલમાં પણ આજે રજા જાહેર કરી છે.
રાજ્યમાં 13થી 15 જુલાઈ સુધી રેડ એલર્ટ: બહાર નહીં નીકળવા અપીલ
13થી 15 જુલાઈએ રાજ્યના કેટલાક શહેરોમાં રેડ એલર્ટ (Red Alert) જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની (Weather Department) આગાહી અનુસાર સૌરાષ્ટ્રના ભાવનગર, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, છોટાઉદેપુર અને વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે 30થી 40 કિ.મીના પવન સાથે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં રેલમાર્ગ અને હવાઈમાર્ગને પણ અસર પડી રહી છે. હવામાન વિભાગે ભારે વરસાદના પગલે ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, જુનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કર્યાની સાથે જ લોકોને કામ વગર બહાર નહીં નીકળવા અપીલ કરવામાં આવી છે.