Gujarat

ગુજરાતના મોસમમાં પલટો,રાજકોટમાં રાત્રે ગાજવીજ અને કરા સાથે ધોધમાર વરસાદ

રાજકોટ: ગુજરાતમાં (Gujarat) માવઠાની આગાહી બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બે દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજકોટમાં કમોસમી વરસાદ પડ્યો હતો. રાજકોટમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. રાજકોટ જસદણમાં કરા સાથે વરસાદ પડ્યો હતો. જ્યારે રાજકોટ-કોટડાસાંગાણી હાઈવે પર કરાના થર જામતા કાશ્મીર જેવો નજારો જોવા મળ્યો હતો. હાઈવે પર બરફના થર જામતા અદભુત દશ્યો જોવા મળ્યાં હતાં.

હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટના કેટલાક વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. અમીન માર્ગ, મવડી રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે લોધિકા, ગોંડલ અને જસદણ પંથકમાં ગાજવીજ તથા કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં વીજળી ડૂલ થઈ હતી. રાજકોટ શહેરના HT-1 ડિવિઝન હેઠળ આવેલા કુવાડવા, લાતી પ્લોટ અને માર્કેટિંગ યાર્ડ ફીડર ભારે પવનને કારણે બંધ પડી ગયો હતો. તેમજ HT-2 ડિવિઝન હેઠળ મોટી ટાંકી ચોક અને દીનદયાળ ફીડરમાં પણ ફોલ્ટ સર્જાયો હતો. આ સિવાય HT-3 ડિવિઝન હેઠળ ગાયત્રી, પુષ્કરધામ, વાવડી, આલાપ, નાનામવા, શાંતિવન, વિદ્યુતનગર ફીડરમાં ભારે પવનને કારણે ફોલ્ટ સર્જાયો હતો. જેના કારણે કેટલાક વિસ્તારમાં વીજળી ડૂલની ફરિયાદો ઉઠી હતી.

જસદણ માર્કેટિંગ યાર્ડમાં મૂકેલો પાક તણાયો
રાજકોટમાં કાલાવડ રોડ પર વાવાઝોડું ફૂંકાયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. ભારે પવનને કારણે દુકાનોનાં બોર્ડ ઊડીને રસ્તા પર ફેંકાયાં હતાં. મીનિ વાવાઝોડાનાં કારણે વાહનચાલકો પરેશાન બન્યા હતા. આ સિવાય જસદણમાં કરા સાથે ધોધમાર વરસાદ પડતાં જસદણ માર્કેટિંગ યાર્ડમાં ધાણા, જીરૂ, રાયડો, ચણા સહિતના પાકના ઢગલા પાણીમાં તણાઇ ગયા હતાં. જસદણ પંથકના ખેડૂતો જણસીનો પાક વેચાણ માટે લાવ્યા હતા. પરંતુ વરસાદના કારણે પાકને નુકસાન જતા ખેડૂતોનો હાથમાં આવેલો કોળિયો છીનવાય ગયો છે.

ગોંડલ પંથકમાં રીબડા, ભુણાવા સહિતનાં ગામમાં અમીછાંટણાં વરસ્યાં હતાં, જ્યારે કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે પણ વરસાદ વરસ્યો હતો. વાતાવરણાં પલટા સાથે ગામમાં કરા પડતાં લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. જસદણ, આટકોટ પંથકમાં પણ મોડી સાંજથી માહોલ બદલાયો હતો અને જોતજોતાંમાં ધોધમાર વરસાદ પડી જતાં રસ્તા પર પાણી ફેલાઈ ગયું હતું. તેમજ જસદણ અને વીંછિયા પંથકના ગામડાંમાં મિની વાવાઝોડા, કરા અને વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કરા પડતા જોઈ લોકોમાં ભારે કૂતુહ સર્જાયું હતું.

બુધવાર સુધી માવઠાની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજી પણ કેટલાક વિસ્તારોમાં માવઠું અને પવન તેમજ વીજળીના ચમકારાની આગાહી કરવામાં આવી છે. અત્યારે નોર્થ સાઉથ ટ્રફ તેમજ હવાના હળવા દબાણનો પટ્ટો હોવાથી વાતાવરણમાં પલટો આવ્યો છે, આથી બુધવાર સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે.

Most Popular

To Top