Gujarat

ગેમઝોનમાં કોણે ભલામણ કરી તે રિપોર્ટ અમીત શાહે મેળવી લેતા રાજકોટના નેતાઓનો જીવ અદ્ધર

ગાંધીનગર : લોકસભાની ચૂંટણી સમયે પ્રદેશ સંગઠનમાં ઉભા થયેલા વિખવાદ અને રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધ વંટોળની ઘટનાઓથી વ્યથિત થયેલા પાર્ટીના હાઇકમાન્ડને વધુ એક ઝટકો ગેમઝોનના અગ્નિકાંડથી લાગ્યો છે. 4થી જૂને ચૂંટણીના પરિણામ અને નવી સરકારમાં રચના થઈ જાય પછી ભાજપના દિલ્હી દરબાર જ્યારે ગુજરાતનો મામલો હાથ પર લેશે ત્યારે કેટલાય નેતાઓના પગ નીચેથી જમીન સરકી જાય તેવો રિપોર્ટ તૈયાર થઇ રહ્યો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમનાથ મંદિરની મુલાકાતે જતાં પહેલાં ગઇકાલે રાજકોટ એરપોર્ટ પર 40 મિનિટ સુધી રોકાયા હતા. તેમણે અગ્નિકાંડની બધી માહિતી એકત્ર કરી લીધી છે. આ મુલાકાત દરમ્યાન હિરાસર એરપોર્ટ ખાતે શહેર પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, જિલ્લા કલેક્ટર પ્રભવ જોષી અને મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઇ સાથે અમિત શાહે વિગતે ચર્ચા કરી હતી. રાજકોટ ભાજપના નેતાઓને દૂર રાખવામાં આવ્યા હતા. ભાજપના સ્થાનિક કયા નેતાઓએ ટીઆરપી ગેમ ઝોનની ભલામણો કરી હતી તેની પણ વિગતો અમીત શાહે મેળવી લીધી છે. જેના પગલે હવે ભાજપના રાજકોટના સ્થાનિક નેતાઓનો જીવ અધ્ધર થઈ ગયો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીની આ મુલાકાત ઘણી સૂચક માનવામાં આવી રહી છે, કેમ કે તેઓ જ્યારે દિલ્હીમાં ગુજરાતની આ ઘટનાની ચર્ચા કરશે ત્યારે પ્રદેશ સંગઠનમાં ચાલી રહેલા આંતરિક અસંતોષ અને ભ્રષ્ટાચારના કારણે સર્જાયેલા રાજકોટના અગ્નિકાંડના જવાબદારો સામે ભાજપના ઘરની અંદરના દોષિતો સામે મજબૂત સકંજો કસાઇ તેમ લાગી રહ્યું છે. તેમની ચર્ચાનો કોઇ અણસાર અત્યારે મળ્યો નથી પરંતુ ચૂંટણીના પરિણામો પછી ગુજરાતમાં આવનારી રાજકીય આંધી કેટલા નેતાઓને ઘરભેગા કરે છે તેની કલ્પના કરવી કઠીન બનશે, કારણ કે રાજકોટની દુર્ઘટનાથી સરકાર અને સંગઠનની છબીને ભારે નુકસાન થયુ છે.

આ કરૂણાંતિકા પછી રાજકોટ ભાજપમાં બે ભાગલા સ્પષ્ટ જોઇ શકાય છે. એક જૂથે અધિકારીઓનો ઉપયોગ કરીને તેમજ ખોટી ભલામણો કરીને કરોડોની મલાઈ તારવી લીધી છે, તેવા પાર્ટીના દોષિતોને જેલમાં ધકેલવા માગે છે ત્યારે બીજું જૂથ અધિકારીઓના ભોગે સ્થાનિક નેતાઓને બચાવવા દિવસ રાત એક કરી રહ્યું છે. ટીપીઓ એમડી સાગઠીયાને કરોડપતિ બનાવી દેનારી ચંડાળ ચોકડીએ કેટલા રૂપિયા ભેગા કર્યા હશે તેનો કોઇ અંદાજ નથી. એટલા માટે જ જમીન અને ટીપીના અસંખ્ય કેસોમાં આ ટોળકીએ લૂંટેલા રૂપિયા પુરાવા સાથે કમલમમાં સ્ફોટક પત્રિકાના સ્વરૂપમાં પ્રગટ થયાં છે.

ચૂંટણી સમયે મત માગવા બે હાથ જોડીને સામે ઉભા રહેતા સત્તાધારી પક્ષના નેતાઓ આ ઘટનાના સપ્તાહ પછી પણ જો મૃતકોના પરિવારજનોના આંસુ લૂંછી શકતા ન હોય તો તેવી રાજકીય કારકિર્દી ધૂળમાં પડી છે. રાજકોટમાં રાજકિય- જમીન તથા અસામાજિક તત્વોના બનેલા માફિયા રાજ સાતમા આસમાને પહોચી જતાં હવે ટીઆરપી ગેમ ઝોનનો અગ્નિકાંડ સર્જાયો અને 28 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો છે.

આ એક જ ઘટનાથી રાજકોટમાં 10 વર્ષથી રાજકીય નેતાઓએ કરેલા કૂકર્મો સામે આવ્યા છે. રાજકોટના પૂર્વ ટીપીઓ એમડી સાગઠીયા પાસે કેટલી મિલકતો છે તેની ચર્ચા આજે માત્ર રાજકોટ જ નહીં, ગુજરાતના ખૂણે ખૂણે થઇ રહી છે. એવા બીજા પણ અધિકારીઓ લાઇનમાં છે કે જેમની સામે એન્ટી કરપ્શન બ્યુરોની તપાસ શરૂ થવાની છે.

Most Popular

To Top