રાજકોટ: શનિવારે સાંજે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 28 નિર્દોષોના મોતની ઘટનાએ આખાય રાજ્યને હચમચાવી મુક્યું છે. સરકાર પણ આ મામલામાં ઢીલું મુકવાના મૂડમાં નથી. આ મામલામાં અધિકારીઓની જવાબદારી નક્કી કરવા માટે તેમની પૂછપરછ કરવાનું નક્કી કરાયું છે.
રાજકોટ અગ્નિકાંડ બાદ સરકારે ત્રણ આઈપીએસ અને એક આઈએએસ ઓફિસરની ટ્રાન્સફર કરી હતી. સરકારે રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની ટ્રાન્સફર કરી હતી. તે ઉપરાંત રાજકોટ શહેર એડિશનલ કમિશનર વિધિ ચૌધરી અને રાજકોટ શહેર ઝોન 2ના ડીસીપી ડો. સુધીર જે દેસાઈની પણ બદલી કરાઈ હતી. હવે આ ચારેય અધિકારીઓની પૂછપરછ કરવાનું નક્કી કરાયું છે. ડીજીપી વિકાસ સહાય આવતીકાલે તા. 30મીથી આ સનદી અધિકારીઓની પૂછપરછ કરશે. તે માટે ખાસ પ્રશ્નબેન્ક તૈયાર કરવામાં આવી છે.
એસઆઈટી અને ગૃહ રાજ્યમંત્રી વચ્ચે બેઠક થઈ
રાજકોટ અગ્નિકાંડમાં તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા સ્પેશ્યિલ ટીમ સીટની રચના કરવામાં આવી છે. આજે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એસઆઈટીના વડાએ આ કેસની તલસ્પર્શી માહિતી સરકાર સમક્ષ રજૂ કરી હતી.
આ ચર્ચામાં એસઆઈટીના વડાએ એક બાદ એક તમામ સબંધિત વિભાગ કે જે ગેમ ઝોનની મંજૂરી સાથે સંકળાયેલા છે તેની માહિતી આપી હતી. ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્ય પોલીસ વડા, તપાસ સમિતિના અન્ય સભ્યો હાજર હતા. સવારે 11 વાગ્યે શરૂ થયેલી બેઠક પોણા બે કલાક સુધી ચાલી હતી.
ગેમઝોનના પાર્ટનરના 8 દિવસના રિમાન્ડ મંજૂર
ગેમ ઝોનના પાર્ટનર કિરીટ સિંહ જાડેજાની ધરપકડ કરાયા બાદ આજે કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે કિરીટ સિંહના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે 8 દિવસના રિમાન્ડ આપ્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 5 આરોપીઓની ધરપકડ થઈ છે. આ અગાઉ ત્રણ આરોપીઓ નીતિન જૈન, યુવરાજસિંહ સોલંકી, રાહુલ રાઠોડના કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.