રાજકોટ: રાજકોટમાં બિલ્ડરને જાહેરમાં માર મારનાર લોક સાહિત્યકાર દેવાયત ખવડે પોલીસ સામે સરેન્ડર કર્યું છે. ઘટના બન્યા બાદ છેલ્લા 10 દિવસથી ફરાર હતો. જો કે તેણે જે શખ્સ પર હુમલો કર્યો હતો તેણે PMOમાં ફરિયાદ કરી હતી. જેના કારણે દેવાયત ખવડ ભાગતો ભાગતો રાજકોટના DCP ક્રાઈમ સમક્ષ હાજર થયો હતો. હાલમાં પોલીસે તેની પુછપરછ શરુ કરી છે. દેવાયત ખવડે કાલાવડ રોડ પાસે રહેતા બિલ્ડર મયૂરસિંહ રાણા પર અગંત અદાવતમાં જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ મયૂરસિંહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જો કે પોલીસે આ મામલે કાર્યવાહીમાં ઢીલ રાખતા મયુર સિંહે PMOમાં લેખિત ફરિયાદ કરી હતી. જેના કારણે દેવાયત ખાવડ પર દબાણ ઉભું થતા દેવાયત ખવડ રાજકોટ ક્રાઈમ સામે હાજર થઇ ગયો હતો. મયૂરસિંહે ફરિયાદમાં પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો તેમજ આ અંગે તટસ્થ તપાસની માગ કરી હતી.
પોલીસ સ્ટેશને આવતા જ ચહેરા પર હાસ્ય જોવા મળ્યું
પોલીસે દેવાયત ખવડ પોલીસ સ્ટેશન આવતા જ દેવાયતના ચહેરા પર હાસ્ય જોવા મળ્યું હતું. એ દરમિયાન તેણે સમય આવશે ત્યારે જવાબ આપીશ એવું જણાવ્યું હતું. દેવાયત ખવડ સામે અગાઉ ત્રણ ગુના પોલીસમાં નોંધાયેલા છે. પોલીસ ધરપકડથી બચવા માટે દેવાયત ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ આ જામીન ન આપવા પોલીસ દ્વારા સોગંદનામું પણ કરવામાં આવ્યું છે. જેમાં તેના ગુનાહિત ઈતિહાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જો કે દેવાયત ખવડે કરેલી આગોતરા જામીન અરજીની આવતીકાલે સુનાવણી થશે.
આ હતી સમગ્ર ઘટના
કાલાવડ રોડ પર રહેતા બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા 7 ડીસેમ્બરનાં રોજપોતાની કાર પાસે જઈ રહ્યા છે. તે સમયે કારમાંથી દેવાયત ખવડ અને તેની સાથે આવેલા એક શખ્સે પાઈપ અને ધોકા વડે માર મારી જીવલેણ હુમલો કર્યો હતો. જેથી બિલ્ડર ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટના મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેથી પોલીસ એક્શનમાં આવતા જ દેવાયત ખવડ ફરાર થઇ ગયો હતો. દેવાયત ખવડ લોકસાહિત્ય કાર છે. અને રાણો રાણાની રીતેથી ફેમસ થયો હતો.