ગાંધીનગર: તાજેતરમાં રાજકોટમાં (Rajkot) બે અને હજુ ગઈકાલે ભરૂચના (Bahruch) દહેજમાં નવી નગરી પાસે ત્રણ સફાઈ કામદારોના ગટર સાફ કરવા જતી વખતે થયેલા મોતના (Death) મામલે આ ગાંધીગનરમાં (Gandhinagar) સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબીનેટ બેઠકમાં ચર્ચા થવા પામી હતી. ખાસ કરીને સફાઈ કામદારોને અંદર ગટમાં જાતે ઉતારવાનું ટાળીને તેના બદલે મશીનનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ , તેવો સૂર કેબીનેટ બેઠકમાં વ્યકત્ત કરાયો હતો. જો મશીનનો ઉપયોગ થાય તો , મહામુલી જીંદગી બચાવી શકાય તેમ છે. તેવી પણ બેઠકમાં ચર્ચા થવા પામી હતી.
કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચાના સંદર્ભમાં સિનિયર કેબીનેટ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના પ્રત્યેક જિલ્લામાં એક જેટિંગ મશીન ઉપલબ્ધ બને તે માટેની જરૂરી સૂચના આપવામાં આવી છે. સાફ-સફાઇના કામોમાં અત્યંત ઉપયોગી એવી જેટિંગ મશીન રાજ્યના તમામ જિલ્લામાં ઉપલબ્ધ કરાવવાની દિશામાં સરકારે કામગીરી હાથ ધરી છે. ગ્રામવિકાસ કમિશ્નરની કચેરી દ્વારા હાલ રાજ્યના 20 જિલ્લાઓમાં જેટિંગ મશીન કાર્યરત કરાયા છે.
રાજ્યના અન્ય જિલ્લાઓમાં સત્વરે મશીન ઉપલબ્ધ બને તે માટેની ખરીદીની વ્યવસ્થા સરકારે હાથ ધરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં સાફ-સફાઇના કામોમાં કારગત જેટિંગ મશીન દ્વારા સફાઇ કામગીરી વધુ સધન અને સુગમ્ય બને તે માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લા ઉપરાંત, તાલુકા પંચાયત અને ગ્રામ્ય સ્તરે મશીન ઉપલબ્ધ થાય, આકસ્મિક અને સામાન્ય પરિસ્થિતીમાં પણ તમામ પ્રકારના સાફ-સફાઇના કાર્યોમાં મશીન ઉપલબ્ધ બને તે દિશમાં સરકારે કામગીરી હાથ ધરી છે.