રાજકોટ: (Rajkot) રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશનની (Railway Station) હદમાં આવેલી ઝાડી ઝાંખરામાંથી શનિવારે મળેલી લાશનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. આ લાશ માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગરમાં રહેતી 8 વર્ષની બાળકીની છે. ગુમ થયેલી બાળકીની લાશ (Dead Body) મળ્યા બાદ પોલીસને જાણવા મળ્યું છે કે આ બાળકી સાથે ગૈંગરેપ થયો હતો. જેમાં 3 આરોપીઓની સંડોવણી હોવાનું સામે આવતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.
- રાજકોટમાં 8 વર્ષની બાળકી સાથે ગેંગરેપ કરી મર્ડર કરાયું
- પકડાઈ જવાના ડરથી નરાધમોએ માથામાં પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતારી
- ત્રણેય આરોપીઓમાંથી એક બાળકીના પિતાનો મિત્ર હતો
મળતી માહિતી મુજબ બાળકીની લાશ શનિવારે મળી આવી હતી. બાળકીનો ચહેરો છુંદાયલો હતો. જે બાદ પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતા પોલીસને મહત્વની કડી મળી હતી. મિથિલેશ નામનો એક વ્યક્તિ બાળકીને લઈ રહ્યો હોવાનું સીસીટીવીમાં દેખાયું હતું. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરી હતી. જેમાં 3 આરોપીની સંડોવણી હોવાનું સામે આવતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાં આરોપીઓએ 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. બાળકી તેના પરિજનોને પોતાની સાથે થયેલા દુષ્કર્મ અંગે જાણ કરી દેશે તેવા ભયથી નરાધમોએ બાળકીનું મોત નિપજાવવાનું નક્કી કર્યુ હતું. પથ્થરના ઘા માથાના ભાગે મારી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જાણવા મળ્યા મુજબ આરોપીઓમાંનો એક આરોપી બાળકીના પરિવારજનો સાથે પરિચય ધરાવતો હોવાથી તેને ફોસલાવી અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં 3 લોકોએ ગૈંગરેપ કરી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પકડાયેલા આરોપીઓ એકલા રહી કારખાનામાં મજૂરી કામ કરતા હતા.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે બિહારના મિથિલેશ કુમાર (ઉ.24), રાજસ્થાનના ભરત મીણા (ઉ.38) અને ઉત્તરપ્રદેશના અમરેશ ઉર્ફે બ્રિજેશ (ઉ.25)ની ધરપકડ કરી છે. બાળકી ગુમ થઈ હોવાને કારણે માલવિયાનગર પોલીસે આ બનાવમાં પહેલા અપહણરની ફરિયાદ નોંધી હતી. ત્યારબાદ બાળકીની લાશ મળી આવતા હત્યાની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. જોકે બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું પણ સામે આવતા પોલીસે ગેંગરેપ તેમજ પોક્સોની કલમોનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.