રાજકોટ: રાજકોટના (Rajkot) જાણીતા ઉદ્યોગપતિ અને કડવા પાટીદાર સમાજના આગેવાન મહેન્દ્ર ફળદુ (Mahendra Faldu) એ આપઘાત (Suicide) કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. મહેન્દ્ર ફળદુએ આપઘાત કરતા પહેલા એક સ્યુસાઈડ નોટ (Suicide note) લખી હતી, આ સ્યુસાઈડ નોટ દરેક પ્રેસ મીડિયા અને અખબારમાં મોકલી હતી. ત્યાર બાદમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પોતાની ઓફિસમાં ઝેરી દવા પી તેમજ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સ્યુસાઈડ નોટમાં ઓઝોન ગ્રુપને (Ozone Group) આપઘાત માટે જવાબદાર ગણાવ્યું હતું. તેમણે લખ્યું હતું કે મારી 33 કરોડની મિલકતના દસ્તાવેજો કરી આપતા નથી. સાથે જ સ્યુસાઈડ નોટમાં અમિત ચૌહાણ, એમ.એમ.પટેલ , અતુલ મહેતા અને અમદાવાદના લોકો જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે.
મહેન્દ્ર ફળદુના આપઘાતની જાણ થતા જ તેમના મિત્રો તેમજ રાજકીય આગેવાનો પહોંચી ગયા હતા. હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહને પોસમોટર્મ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરાઇ છે. જ્યાં મોટી સંખ્યામાં તેમના સંબંધીઓ, મિત્રો, રાજકીય આગેવાનો અને પરિવારજનો આવી પહોંચ્યા છે. તેમના આપઘાતના સમાચારથી પરિવાર અને મિત્રો શોકમાં ડૂબી ગયા હતા. તેમના નજીકના મિત્ર અને રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ પણ અવાચક થઈ ગયા હતા.
ઓઝોન ગ્રુપ સાથે મળી જમીન ખરીદી હતી
મહેન્દ્ર ફળદુએ સ્યુસાઇડ કરતા પહેલા એક સ્યુસાઇડ નોટ લખી હતી જે એક પ્રેસનોટ સ્વરૂપમાં હતી. આ સ્યુસાઇડનોટમાં તેમણે કહ્યું હતું કે તેમના આપઘાત પાછળનું કારણ ઓઝોન ગ્રુપ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરનાં આગેવાન, સિનિયર એડવોકેટ, બિલ્ડર અને પાટીદાર આગેવાન એવા મહેન્દ્રભાઈ કે. ફળદુએ ‘સંકે ધી બેસ્ટ પુ એ કાપે’ રાજકોટ શહેરનાં બિલ્ડર એમ.એમ. પટેલ (સુરેજા), અમિતભાઈ ચૌહાણ, અતુલભાઈ મહેતા તથા અમદાવાદનાં ઓઝોન ગ્રુપનાં જયેશકુમાર કાન્તિલાલ પટેલ, દીપક મણીલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ, પથકુમાર કાન્તિલાલ પટેલ સાથે મળીને અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાનાં ગામ બલદાણામાં આશરે પાંચેક લાખ વાર જગ્યામાં ‘ધ તસ્કની બીચ સિટી’નાં નામનો પોજેક્ટ બનાવી રહ્યા છે. સ્યુસાઈડ નોટમાં તેમણે આગળ લખ્યું કે આ પોજેક્ટમાં મહેન્દ્ર કેશવલાલ ફળદુએ પોતાનાં નામે, તેમનાં સગા-વ્હાલાનાં નામે આશરે 48000 ચારસ વાર જમીન વર્ષ 2007માં બૂક કરી હતી. તે જ રીતે તેનાં નાના ભાઈ રમેશ કેશવલાલ ફળદુ, શૈલેષ કેશવલાલ ફળદુ, તેનાં કાકા વિનયકાંત ટી. ફળદુ સહિતનાં અન્ય લોકોએ આશરે એક લાખ વાર જગ્યા મહેન્દ્ર ફળદુ મા૨ફતે બૂક કરાવી હતી અને તેનું પેમેન્ટ પણ વર્ષ 2007માં જ કરી આપ્યું છે. આ રકમ આશરે ત્રણ કરોડથી વધારે થાય છે. આ ૨કમ પણ વર્ષ 2007માં જ કંપનીમાં જમા કરાવી હતી.
વધુમાં તેમણે લખ્યું છે કે કંપનીના ભાગીદારો સાથે ઘણા વાદ વિવાદ ચાલતાં હતાં, કંપનીવતી બુકિંગમાં મધ્યસ્થી તરીકે તેઓ જ હતા. તેમણે લખ્યું કે બુકિંગ સમયે કંપનીએ જણાવ્યું હતું કે, ડેવલોપમેન્ટ સાથેની જમીનનાં વેચાણ દસ્તાવેજો કરી આપવા માટે કંપનીને તથા તેનાં ડાયરેક્ટરોને ખૂબ જ વિનંતીઓ કરી હતી. પરંતુ તેમાં મહેન્દ્ર ફળદુને કોઈ સફળતા મળી ન હતી. ઉપરાંત કંપનીના ડાયરેક્ટરો સમાધાનને બદલે તેમને ધમકીઓ આપતાં હતાં, એમ. એમ. પટેલ અને તેમનાં પુત્ર પક્ષીન મનસુખભાઈ સુરેજા, અતુલભાઈ મહેતાએ આ અંગે ખોટા કારણો ઉભા કરીને પોલીસ ફરિયાદો પણ કરી હતી. કંપની જમીન મોફત પચાવી લેવાના ઈરાદાથી દસ્તાવેજો નહીં કરી આપતી હોવાનું જણાવ્યું છે. તેમને વારંવાર ધમકીઓ મળતી હતી.
તેમણે કહ્યું કે ઓઝોન તસ્કની કંપનીના ડાયરેક્ટરોએ જમીનનાં દસ્તાવેજો ન કરી આપવા પડે તે માટે મહેન્દ્ર ફળદુ તથા તેના જેવા રોકાણકારોને ખૂબ જ આર્થિક, શારીરિક, માનસિક ત્રાસ આપી રહ્યા છે, રોકાણકારોની મોટી રકમોનું રોકાણ હોવાથી ઉકેલ લાવવો જ મુશ્કેલ હતો. તેમણે લખ્યું હતું કે કંપનીના કારણે તેમની માનસિક અને આર્થિક સ્થિતિ બગડી છે. આગળ સ્યુસાઈડ નોટમાં તેમણે લખ્યું છે કે કંપની અને તેનાં ડાયરેક્ટરો તે રકમ ચૂકવતાં નથી અને કોઈ જવાબ પણ આપતાં નથી. ઓઝોન કંપની અને તેના ડાયરેક્ટરોનાં આવા વ્યવહારોનાં કારણે બુકિંગ કરનારાઓ પૈકી ત્રણથી ચાર વ્યક્તિ અવસાન પામ્યા છે. કંપનીએ અંતિમવિધિના પણ નાણા ચૂકવ્યા નથી. આગળ તેમણે લખ્યું છે કે ત્યારે આવા લોકોએ મહેન્દ્ર ફળદુ મારફત બુકિંગ કરાવેલ હોવાથી તેઓ મહેન્દ્ર ફળદુની ઓફિસે આવે છે, મહેન્દ્રભાઈ ફળદુની ધંધાની જગ્યા ઉપર આવે છે અને ખૂબ જ હેરાન-પરેશાન કરે છે. કંપની અને તેનાં ડાયરેક્ટરોનાં ગેરયદેસર કૃત્યનાં કારણે રોકાણકારો મહેન્દ્ર ફળદુને ધાક ધમકીઓ, ત્રાસ આપે છે.