રાજકોટ: ગઈ તા. 25 જૂનના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 કમભાગીઓ મૃત્યુ પામ્યા હતા. આ દુર્ઘટનાને એક મહિનાનો સમય વીતી ગયા બાદ પણ હજુ સુધી દોષિતોને સજા મળી નથી. ત્યારે ન્યાયની માંગણી સાથે આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા એક દિવસીય રાજકોટ બંધનું એલાન આપ્યું હતું. આ બંધમાં મૃતકોના પરિવારના સભ્યો પણ જોડાયા હતા. તેઓ રસ્તા પર ઉતર્યા હતા, ત્યારે પોલીસે પીડિતોના પરિવારો પર અત્યાચાર ગુજારી પોતાની મર્દાનગીનું પ્રદર્શન કર્યું હતું.
રાજકોટ આગજનીની ઘટનાની આજે પહેલી માસિક પુણ્યતિથિ નિમિત્તે પીડિતોને ન્યાય અપાવવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન કરાયું હતું. તેને સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. આજે સ્વયંભૂ રાજકોટ બંધ રહ્યું હતું. જ્યાં બંધ નહોતું ત્યાં કોંગ્રસના આગેવાનોએ હાથ જોડી વિનંતી કરી અડધો દિવસ બંધ પાળવા માગણી કરી હતી.
બંધના એલાનને મોટા ભાગના વેપારીઓ તરફથી સમર્થન મળ્યું હતું. રાજકોટની મુખ્ય પરા બજાર સ્વયંભૂ બંધ રહી હતી. સોની બજારના વેપારીઓ પણ બંધમાં જોડાયા હતા. એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા સ્કૂલો બંધ કરાવાઈ હતી.
દરમિયાન પોલીસે કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો ઉપરાંત પીડિત પરિવારના સભ્યોની પણ ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. કાલાવડ રોડ પર કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવતા કાર્યકરો રસ્તા પર સુઈ ગયા હતા. પોલીસે તેમની અટકાયત કરી હતી.ભાજપના ઇશારે પોલીસ કામ કરી રહી હોવાના કોંગ્રેસે આક્ષેપ કર્યો છે.આ સાથે જ કેટલાક પીડિત પરિવારજનોના સભ્યોની પણ અટકાયત કરવામાં આવી હતી.