મુંબઇ (Mumbai): બોલિવૂડના એક પછી એક દિગ્ગજ કલાકારો વિદાય લઇ રહ્યા છે. એમાંય કપૂર પરિવાર પર તો એક જ વર્ષની અંદર આ બીજું આભ તૂટ્યુ હોય એવી પરિસ્થિતિ છે. આજે એટલે કે 9 ફેબ્રુઆરીએ મુંબઇમાં રાજ કપૂરના સૌથી નાના પુત્ર અને રણધીર – ઋષિ (Randhir and Rishi Kapoor) કપૂરના ભાઇ રાજીવ કપૂરનું (Rajiv Kapoor) 58 વર્ષની નાની વયે હાર્ટ અટેકથી અવસાન થયુ છે. હજી ઋષિ કપૂરને ગયાને એક વર્ષ પણ નથી થયુ, એવામાં કપૂર પરિવાર પર આ બીજું આભ તૂટ્યુ છે.
ગત જાન્યુઆરીમાં રાજ કપૂરના પુત્રી, અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા નંદાના સાસુ રીતુ નંદાનું અવસાન થયુ હતુ. એકથી દોઢ વર્ષના અંતરમાં રણધીર કપૂરના ત્રણ ભાઇ બહેનોના અવસાન થયા છે. નીતુ કપૂરના સોશિયલ મિડીયા અકાઉન્ટ પરથી રાજીવ કપૂરના અવસાનની પુષ્ટિ થઇ હતી. રાજીવ કપૂરની વિદાયને કારણે ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
પોતાના બંને ભાઈઓની જેમ રાજીવે પણ બોલિવૂડમાં હાથ અજમાવ્યો અને લાંબા સમય સુધી કામ કર્યું. પરંતુ રાજીવની કારર્કિદી ઋષિ કપૂરની જેમ સફળ થઈ ન હતી.તેમની પહેલી ફિલ્મે તેમને રાતોરાત સ્ટાર બનાવ્યો, પરંતુ પછી તેમની કારકિર્દી એટલી ખાસ ચાલી નહીં. પોતાના પિતા રાજ કપૂરની જેમ રાજીવ કપૂર એક અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક રહી ચૂક્યા હતા. તેમણે પોતોના પિતા રાજ કપૂરની ફિલ્મથી જ બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ હતી-‘રામ તેરી ગંગા મેલી’. આ ફિલ્મ 1985માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં મંદાકિની સાથે રાજીવ કપૂર પહેલી વાર પડદા પર જોવા મળ્યા હતા. આ ફિલ્મને ઉત્તમ સફળતા મળી. રાજીવ પહેલી જ ફિલ્મથી રાતોરાત સ્ટાર બની ગયા હતા. પરંતુ નસીબજોગે આ પછી તેમની કોઈ પણ ફિલ્મને વિશેષ પ્રતિસાદ મળ્યો નહીં.
રાજીવ આકાશ, મેરા સાથી, લાવા, જબરદસ્ત, લવર બૉય, અંગારે, પ્રીતિ, જલજાલા, હમ તો ચલે પરદેશ, શુક્રિયા, નાગ નાગિન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ કોઈ પણ ફિલ્મમાં સફળતા મળી નહોતી. રાજીવ કપૂરે કેટલીક ફિલ્મોનું નિર્માણ પણ કર્યુ હતુ. તેમણે 1996 માં આવેલી ફિલ્મ પ્રેમગ્રંથ અને 1991 માં આવેલી ફિલ્મ હિનાનું નિર્માણ કર્યું હતું. હિના અને પ્રેમ ગ્રંથમાં ઋષિ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. પ્રેમગ્રંથ ફિલ્મનું નિર્દેશન પણ રાજીવ દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે, આ ફિલ્મ વ્યાવસાયિક રૂપે ચાલી નથી. આ સિવાય રાજીવે 1999 માં “આ અબ લૌટ ચલે” નું નિર્માણ પણ કર્યું હતું. આ પછી તેઓ ઇન્ડસ્ટ્રીમાં સક્રિયપણે દેખાયા નહીં.