National

રાજસ્થાન: ગર્ભવતી પર બળાત્કાર બાદ હત્યા, ગ્રામજનોનો આરોપીના પરિવારને જીવતો સળગાવવાનો પ્રયાસ

રાજસ્થાનના (Rajasthan) દૌસાના નાંદરી ગામમાં હિંસા થઈ છે. સગર્ભા મહિલા પર બળાત્કાર (Rape) અને હત્યાને (Murder) લઈને ગ્રામજનો રોષે ભરાયા હતા. ગ્રામજનોએ આરોપી અને તેના સંબંધીઓના ઘરોને આગ ચાંપી દીધી હતી. ઘટનાસ્થળે પહોંચેલા પોલીસના વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. ગ્રામજનોના હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા છે. ત્રણેય લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રાજસ્થાનના દૌસામાં નાંદરી ગામમાં સગર્ભા મહિલા પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ આરોપી અને તેના સંબંધીઓના ઘરોમાં આગ લગાવી અને તોડફોડ કરી હતી. એટલું જ નહીં આરોપીના પરિવારજનોને જીવતા સળગાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

આ હોબાળો અંગેની માહિતી પોલીસને આપવામાં આવી હતી. લોકોએ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને પણ મચક આપી ન હતી. પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેમના વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. હુમલામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને દૌસાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેય ખરાબ રીતે દાઝી ગયા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે આરોપીઓના ઘરોને આગ લગાડતા પહેલા ગ્રામજનોએ ગત રાત્રે 10 વાગે બેઠક કરી હતી. બેઠકમાં જ આગચંપી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી અડધો ડઝન ઘરોમાં તોડફોડ કરી આગ ચાંપી દેવામાં આવી હતી. તણાવને જોતા આખી રાત ગામમાં અધિકારીઓ અને પોલીસકર્મીઓ તૈનાત રહ્યા હતા. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી છે.

શું છે મામલો?
તમને જણાવી દઈએ કે 28 એપ્રિલના રોજ ગામનો જગરામ નામનો યુવક ગામની એક ગર્ભવતી મહિલાને ખેતરમાં કામ કરવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો અને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તેના પર બળાત્કાર કર્યા બાદ જગરામે તેની હત્યા કરી નાંખી હતી. જ્યારે મહિલા ઘરે પરત ન ફરી ત્યારે તેના સંબંધીઓએ શોધખોળ શરૂ કરી હતી અને પહાડ પાસે તેનો મૃતદેહ વિકૃત હાલતમાં પડ્યો હતો. આ અંગે મૃતકના પતિએ જગરામ સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે જગરામ દ્વારા મહિલા પર બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી હતી. પોલીસે 1 મેના રોજ જગરામની ધરપકડ કરી હતી. જગરામની ધરપકડ છતાં ગ્રામજનોનો ગુસ્સો શમ્યો ન હતો અને તેઓએ આરોપીના સંબંધીઓના ઘરોને આગ ચાંપી દીધી હતી.

Most Popular

To Top