રાજસ્થાનના (Rajasthan) જેસલમેરમાં જિલ્લા કલેક્ટર (Collector) ટીના ડાબીના આદેશ બાદ UIT આસિસ્ટન્ટ એન્જિનિયરના નેતૃત્વમાં પાકિસ્તાનથી (Pakistan) આવેલ વિસ્થાપિત હિન્દુઓના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. ત્યારથી આઈએએસ ઓફિસર ટીના ડાબીની ટીકા થઈ રહી છે. તેમના આદેશ બાદ જેસલમેરમાં મકાનો તોડી પાડવામાં આવ્યા છે. બાળકો સહિત 150 થી વધુ લોકો બેઘર બન્યા છે. હવે તે બધા ખુલ્લા આકાશ નીચે તડકામાં જીવવા મજબૂર છે. આ પહેલા પણ થોડા દિવસો પહેલા જોધપુરમાં પાકિસ્તાનના અત્યાચાર અને હેરાનગતિથી પરેશાન થઈને ભારત આવેલા પાકિસ્તાની વિસ્થાપિત હિન્દુઓના ઘરે બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું.
જણાવી દઈએ કે જેસલમેરના સિટી ડેવલપમેન્ટ ટ્રસ્ટે મંગળવારે અમર સાગર પંચાયતની જમીન પરથી અતિક્રમણ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી. કલેક્ટર ટીના ડાબીના આદેશ બાદ જેસલમેરના અમર સાગર વિસ્તારમાં પાકિસ્તાનથી આવેલા હિન્દુઓના મકાનો તોડી પાડવામાં આવ્યા છે. વહીવટીતંત્રનું કહેવું છે કે આ વિસ્થાપિત પરિવારો અમર સાગર તળાવના કિનારે ગેરકાયદેસર મકાનો બનાવીને રહે છે. જેના કારણે તળાવમાં પાણીનો પ્રવાહ બંધ થઈ ગયો હતો. આ સાથે આ જમીન ખૂબ જ કિંમતી હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. આ કાર્યવાહીમાં જેસીબી, ટ્રેક્ટર અને પોલીસનો મોટો સ્ટાફ હાજર રહ્યો હતો. અતિક્રમણ હટાવતા લોકોએ વિરોધ પણ કર્યો હતો.
અમર સાગર સરપંચે જિલ્લા કલેક્ટર અને યુઆઈટીને ઘણી વખત ફરિયાદ કરી હતી કે લોકો તેમની જમીન પર અતિક્રમણ કરી રહ્યા છે. તેમની કિંમતી જમીનનો નાશ થઈ રહ્યો છે. યુઆઈટીએ કરોડોની કિંમતની જમીન ખાલી કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર પાસે મદદ માંગી હતી. ત્યારપછી હદપાર થયેલાઓને જગ્યા ખાલી કરવાના આદેશો જારી કરવામાં આવ્યા હતા.