સુરત(Surat): રાજસ્થાનથી (Rajashthan) બાઈક પર અફીણ (Opium) લાવી સુરતમાં સપ્લાય કરવાનો ઈરાદો ધરાવતા એક ઈસમને સુરત એસઓજી (SOG) પોલીસે બાતમીના આધારે સરથાણા લસકાણા ગામ પાસેથી ઝડપી (Arrest) પાડ્યો છે. પોલીસે આ ઈસમ પાસેથી રૂપિયા 14, 32,800ની કિંમનતો 4.776 કિલો અફીણનો જથ્થો જપ્ત કર્યો છે.
સુરત શહેરમાં રાજસ્થાન રાજયમાંથી નાર્કોટીક્સ ડ્રગ્સ સપ્લાય કરતા ડ્રગ્સ માફીયાઓ ઉપર સકંજો કશી રાજસ્થાન રાજયથી ચાલતા આ ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવામાં સુરત પોલીસને સફળતા મળી હતી પરંતુ ત્યારબાદ પણ રાજસ્થાનથી ચાલતા આ અફીણના નેટવર્ક ઉપર સુરત પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી. દરમિયાન સુરતમાં રહેતો એક રાજસ્થાની ઈસમ રાજસ્થાન ખાતેથી અફીણનો જથ્થો ખરીદી ટુ-વ્હીલર ઉપર હેરાફેરી કરી સુરતમાં ઘુસાડવાનો હોવાની બાતમી એસઓજીને મળી હતી. બાતમીના આધારે એસઓજીએ સરથાણા લસકાણા ગામના ગેટની સામે જાહેર રોડ ઉપર વોચ ગોઠવી હતી. પોલીસે શંકાસ્પદ બાઈક ચાલકને પકડતા તેની પાસેથી અફીણનો જથ્થો મળી આવ્યો હતો.
એસઓજીએ આરોપી પુનમારામ વિસ્નોઈ (ઉં.વ.૫૦ ધંધો મજુરી રહે. ઘર નં.78 સરીતા સોસા. સિતાનગર ચોકડી પાસે પુણા સુરત મુળ વતન રાજીવનગર પુર ગામ તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન) )ને ટુ-વ્હીલર ગાડી ઉપર પસાર થતા પકડી પાડી તેની પાસેથી પ્રતિબંધિત અફીણ વજન 4 કિલો અને 776 ગ્રામ કિં.રૂ.14,32,800/-, રોકડા રૂ.2850/-, મોબાઈલ ફોન નંગ-02 કિં.રૂ.1000/-, ટુ-વ્હીલર ગાડી નં.GJ-05-FM 7350 કિં.રૂ.25,000/- મળી કુલ કિં.રૂ.૧૪,૬૧,૬૫૦/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી અફીણનો જથ્થો આપનાર રાજસ્થાન જોધપુરના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.
સુરતમાં રહેતા રાજસ્થાનીઓ માટે અફીણ લાવતો હતો
આરોપીએ કબૂલાત કરતા કહ્યું હતું કે, રાજસ્થાનમાં સરળતાથી અફીણ મળે છે. જ્યારે સુરતમાં તે મળતું નથી. સુરતમાં રહેતા રાજસ્થાનીઓ માટે તે અફીણ લાવતો હતો. પોલીસને શંકા નહીં થાય તે માટે છેક રાજસ્થાનથી બાઈક પર અફીણ લાવતો હતો. બેગમાં સંતાડીને તે અફીણ લાવી રહ્યો હતો ત્યારે જ પોલીસે પકડી લીધો હતો. હવે તે કોને કોને સુરતમાં અફીણ આપતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરત પોલીસે અત્યાર સુધીમાં 6.5 કરોડનો નશીલો પદાર્શ પકડ્યો
સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસ દ્વારા “NO DRUGS IN SURAT CITY” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, તે અંતર્ગત અત્યાર સુધીમાં સુરત શહેર પોલીસે 6.5 કરોડથી વધુનું ડ્રગ્સ, અફીણ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી 186 થી વધુ આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલવામાં સફળતા મેળવી છે.