Gujarat

સૂક્ષ્મ સિંચાઈ માટે 5HPના અલાયદા વીજ જોડાણના નિયમોમાં છૂટછાટ આપવા નિર્ણય

ગાંધીનગર: વરસાદી પાણીનો (Rain Water) સંગ્રહ કરતા ખેડૂતો (Farmer) માટે ખેતીવાડીમાં સૂક્ષ્મ સિંચાઈ માટે પાંચ હોર્સ પાવરનું અલાયદું વીજ જોડાણ આપવાનો આજે રાજય સરકારે કેબીનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય કર્યો છે. ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, જે જગ્યાએ પાણીનાં તળ નીચા ગયા છે ત્યાં આવું વીજ કનેકશન આપવા માટે ખેડૂતોની, લોકપ્રતિનિધિઓની અને ખેડૂત સંગઠનોની રજૂઆત હતી, જેને ધ્યાને લઈને આ નિર્ણય લેવાયો છે. જેના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના મહત્તમ ખેડૂતોને લાભ મળશે. ખેતરમાં બનાવેલ હોજ/સંપ/ટાંકા/ખેત-તલાવડીમાંથી પાણી ઉદ્બહન કરી સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેતુ મહત્તમ ૦૫(પાંચ) હોર્સ પાવરનું ખેતી વિષયક વીજ જોડાણ અપાશે.

જે ખેડૂત કોઈ પણ સ્રોત દ્વારા પોતાના ખેતરમાં બનાવેલ હોજમાં પાણી ભરે અને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિથી સિંચાઇ કરે તો મહત્તમ પ(પાંચ) હોર્સ પાવરનું અલાયદુ કૃષિ વીજ જોડાણ આપવા માટે રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૭માં ધારાધોરણો નિયત કરાયા હતા. હવે તેમાં સુધારો કરીને “હોજ ઉપરાંત સંપ, ટાંકા અને ખેત-તલાવડીમાંથી પણ ખેડૂત પાણી ઉદ્વહન કરી શકશે એવો સુધારો કરવાનો નિર્ણય કર્યો છે. સિંચાઈ વિભાગ દ્વારા નોંધવામાં આવેલ ખેત-તલાવડીઓ ઉપરાંત સ્વખર્ચે બનાવેલ ખેત તલાવડીઓને પણ આ નિયમ લાગુ રહેશે.

રાજ્ય સરકારના આ નિર્ણયને કારણે ભૂગર્ભજળની બચત થશે, સાથે સાથે માત્ર ૫ (પાંચ ) હો.પા.ના ખેતીવાડી વીજ જોડાણના વીજ વપરાશને કારણે ખેડૂતોને વીજબીલમાં પણ બચત થશે. તેમજ પોતાના ખેતરમાં ખેત-તલાવડી બનાવી તેના પાણીનો સિંચાઇ માટે ઉપયોગ કરવા ખેડૂતોને પ્રોત્સાહન મળશે તેમ દેસાઈએ કહયું હતું.

Most Popular

To Top