ગાંધીનગર :રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના 7૦ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતના મહિસાગરના સંતરામપુરમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં અનેક વિસ્તારોમાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં 91 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં 75 મિમી. વરસાદ ખાબક્યો ર્છેં. તેમજ મોડી રાત્રે અને વહેલી સવારે અમદાવાદ, ખેડા, ભરૂચ અને બાવળામાં સામાન્ય વરસાદ થયો છે. ગઈકાલે વલસાડના ઉમરગામમાં 22 મિ.મી., કપરાડામાં 31 મિ.મી., ધરમપુરમાં 25 મિ.મી. તેમજ વડોદરાના સંતરામપુરમાં 81 મિ.મી., કડાણામાં 50 મિ.મી, ઝાલોદમાં 30 મિ.મી. વરસાદ પડ્યો હતો. જામજોધપુર, ખંભાળિયા અને લાલપુરમાં પણ ઝાપટાં પડ્યાં હતાં.
રાજ્યમાં આજે બપોર પછી સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, જામનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને જોરદાર પવન સાથે વરસાદ પડ્યો હતો. અમરેલીના લાઠી, બાબરામાં જોરદાર પવન સાથે વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, વિરપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.
રાજકોટમાં પણ આજે વરસાદી માહોલ જામ્યો હતો. રાજકોટના જેતપુરના લોધીકા, ગોંડલ, પડધરી, વગેરે વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે ખીસસડા અને વાડાસડા વચ્ચેના રસ્તા પર પાણી ફરી વળતા થોડાક સમય માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પાલનપુર, સુઈગામ, ડીસા તેમજ અરવલ્લીના બાયડમાં વરસાદ નોંધાયો હતો
ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાત્રીના 8 વાગ્યા સુધીમાં મહીસાગરના સંતરામપુરમાં 75 મી.મી., જામનગરમાં 43 મી.મી., જૂનાગઢમાં 40 મી.મી., અમરેલીના વડિયામાં 24 મી.મી., દાહોદમાં 33 મી.મી., ઝાલોદમાં 32 મી.મી., સાબરકાંઠાના તલોદમાં 27 મી.મી., ચમહાલના મોરવાહડપમાં 27 મી.મી., ગીર સોમનાથના સુત્રાપાડામાં 11 મી.મી., અમરેલીના બગસરામાં 13 મી.મી. વરસાદ નોંધાયો હતો. જોકે અમદાવાદ-ગાંધીનગરમાં આજે દિવસ દરમિયાન વાતાવરણ વાદળછાયું રહ્યું હતું, સાથે પવન પણ ફૂંકાયો હતો, પરંતુ વરસાદ નહીં થવાને કારણે બફારો અને ગરમીથી શહેરીજનોને હજુ પણ રાહત મળી નથી.
રાજ્યમાં વરસાદી વાતાવરણ થતા મોરબીના ઝિકિયારી, નર્મદાના સાગબારામાં સીમ આમલી તેમજ સંતરામપુરના ગોઠીબડા ગામમાં વીજળી પડતાં બે મહિલાના મોત થયા હતા. તો બીજી તરફ હળવદના સુંદરી ભવાનીમાં દીવાલ પડતા એક મહિલા સહિત ત્રણના મોત નિપજ્યાં હતા. છોટાઉદેપુર તાલુકાના રૂનવાડ ગામે વીજળી પડવાથી બે ભેંસના મોત થયા હતા, બોડ ગામમાં વીજળી પડવાથી એક ગાયનું મોત નિપજ્યું હતું.