આણંદ : બોરસદમાં સતત બે દિવસ 27 ઇંચ પડેલા વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે નુકશાન થયું છે. ખેતરોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે. આ વરસાદમાં કુલ ત્રણ વ્યકિતના મોત નિપજ્યાં છે. જ્યારે સો જેટલા પશુએ જીવ ગુમાવ્યાં છે. ત્રીજા દિવસે પાણી ઉતરતાં વહીવટી તંત્ર દ્વારા રાહત અને સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. બોરસદ શહેર સહિત ભારે વરસાદથી પ્રભાવિત ગામડાઓમાં વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે કલેકટર મનોજ દક્ષિણી પણ બોરસદ પહોંચ્યાં હતાં.
બોરસદમાં એક જ રાતમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યા બાદ બીજા દિવસે પણ સતત 15 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેના કારણે બોરસદ શહેર સહિત તાલુકાના ગામડાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. જોકે, રવિવારના રોજ વરસાદનું જોર ધીમું પડતાં બોરસદ પ્રાંત કચેરી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની ટીમ દ્વારા બોરસદના ટેકરિયાપુરા અને નવાદ વિસ્તારમાં અસરગ્રસ્તોને ત્વરિત સહાય મળી રહે તે માટે સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે આરંભી હતી. બોરસદ શહેર સહિત અસરગ્રસ્ત ગામોમાં બચાવ રાહત કામગીરી માટે એનડીઆરએફની એક ટુકડી તૈનાત કરવામાં આવી છે.
જ્યારે ભારે વરસાદના કારણે નાશ પામેલા કાચા, પાકા ઝૂંપડા, મકાનોને થયેલા નુકશાન, ખેડૂતોને થયેલા પાક નુકશાન અંગે સર્વે હાથ ધરી અસરગ્રસ્તોને મળવાપાત્ર સહાય ઝડપભેર મળે તે દિશામાં સત્વરે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગામડાઓમાં જ્યાં વીજ પુરવઠો ખોરવાયો છે, એવા ગામડાઓમાં વીજ કંપનીના અધિકારીઓ દ્વારા વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેર જિલ્લામાં રસ્તા પર પડી ગયેલા ઝાડ હટાવવાની કામગીરી પણ થઈ રહી છે. તાલુકાના મુખ્ય તમામ માર્ગો કાર્યરત કરી દેવામાં આવ્યા છે.
હાલ તંત્ર દ્વારા તાલુકાના તમામ ગામોનો સંપર્ક કરી ગામડાઓમાં પરિસ્થિતિની જાણકારી મેળવવામાં આવી રહી છે. જેથી જો ક્યાંય મુશ્કેલી હોય તો સત્વરે મદદ કરી શકાય. જિલ્લાના ગામડાઓમાં પાણી પુરવઠો ખોરવાય નહિ તેની પણ કામગીરી અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે. વધુ કોઈ જાન-માલને નુકસાન ન થાય તે માટે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સમજાવીને હાઈસ્કૂલ અને પટેલ વાડી ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
બોરસદ તાલુકાના ચુવા, કસારી, ખાનપુર, વહેરા, ભાદરણીયા, ડભાસી, સિસવા, ભાદરણ અને બોરસદ શહેરના લોકોને અસર થઈ છે. જે પૈકી બોરસદ શહેર, ભાદરણ અને સિસવા ગામના કુલ 830 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. હાલમાં ભાદરણ અને બોરસદ શહેરના લોકો સહી સલામત પોતાના ઘરે પાછા ફર્યા છે. જ્યારે સિસવા ગામના 186 લોકોને બી.એમ. પટેલ હાઇસ્કુલ અને પટેલ વાડી ખાતે આશરો આપવામાં આવ્યો છે. આશ્રયસ્થાનમાં આશરો લેતા નાગરિકોને વહીવટી તંત્ર દ્વારા ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ ભારે વરસાદના કારણે કુલ ત્રણના મોત થયાં છે. જેમના વારસદારોને સરકારના નિયમ મુજબ આપવા પાત્ર થતી રૂ.ચાર લાખની સહાય ચૂકવવાની કાર્યવાહી ચાલુ છે. જે ટૂંક સમયમાં જ ચૂકવવામાં આવશે.
આ ઉપરાંત કલેક્ટર મનોજ દક્ષિણીએ પટેલ સમાજ વાડી ખાતે ગામના સરપંચ અને ગામ આગેવાનો સાથે બેઠક કરીને વહીવટીતંત્ર તરફથી તમામ પ્રકારની મદદ મળી રહેશે તેવી ખાત્રી આપી હતી. આ કુદરતી આપત્તિમાં ગામના લોકોને અને ગામના આજુબાજુના લોકોને વધુ વરસાદના કારણે કોઇ તકલીફ ન પડે તે માટે તંત્રને મદદરૂપ થવા સરપંચ અને ગામના આગેવાનોને અપીલ કરી હતી. હાલ પટેલ સમાજ વાડી ખાતે સિસ્વા ગામના નિચાણવાળા વિસ્તારના અને ઇન્દિરા કોલોનીના 85 લોકો આશરો લઇ રહ્યા છે. આણંદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મેડિકલ ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત ગામોમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે દવાનો છંટકાવ શરૂ કરાયો છે.