નવી દિલ્હી: દિલ્હીમાં (Delhi) શુક્રવારે સતત બીજા દિવસે શીત લહેર ચાલુ રહી હતી, દક્ષિણપશ્ચિમ દિલ્હીના આયાનગરમાં લઘુત્તમ તાપમાન 1.8 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી ગયું હતું. હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં પણ તીવ્ર ઠંડીની સ્થિતિ ચાલુ રહી હતી જ્યારે કાશ્મીરમાં થોડી રાહત હતી કારણ કે લઘુત્તમ તાપમાનમાં થોડો વધારો થયો હતો જો કે ત્યાં શનિવારથી વરસાદ (Rain) પડી શકે છે. દિલ્હીના પ્રાથમિક વેધર સ્ટેશન સફદરજંગ ઓબ્ઝર્વેટરીમાં લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું, જે ડાલહાઉસ (8.7 ડિગ્રી સે.), ધર્મશાલા (5.4 ડિ.સે.), શિમલા (6.2 ડિ.સે.), દેહરાદૂન (4.4 ડિ.સે.), મસૂરી (6.4 ડિ.સે.) અને નૈનીતાલ (6.5 ડિ.સે.) કરતાં ઓછું હતું.
- દિલ્હી ડેલહાઉસી કરતાં પણ ઠુંડુ
- જમ્મુ કાશ્મીરમાં તાપમાન શૂન્યથી નીચે ગગડયું
- રાજસ્થાનમાં સિકરના ફતેહપુરમાં લઘુત્તમ તાપમાન 0.7 ડિગ્રી સે.
- કાનપુરમાં હ્રદય સંબંધિત બીમારીઓના દર્દી વધ્યા, 23 લોકોનું હાર્ટ અટેકથી મૃત્યુ
ગાઢ ધુમ્મસ ઉત્તરપશ્ચિમ ભારત અને દેશના મધ્ય અને પૂર્વીય ભાગોમાં યથાવત્ છે, જેના પગલે માર્ગ, રેલ અને હવાઈ વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયા હતા. ખરાબ હવામાનના કારણે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લગભગ 30 ફ્લાઈટ્સ અને દિલ્હી પહોંચતી ઓછામાં ઓછી 26 ટ્રેનો મોડી પડી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. હવામાન ખાતાએ જણાવ્યું હતું, નારનૌલ હરિયાણાનું સૌથી ઠંડું સ્થળ હતું, જ્યાં લઘુત્તમ તાપમાન 2.5 ડિગ્રી સે. નોંધાયું હતું. પંજાબમાં બાલાચૌરમાં 3.5 ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું. બંને રાજ્યોની સંયુક્ત રાજધાની ચંદીગઢમાં 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
રાજસ્થાનમાં સિકરના ફતેહપુરમાં લઘુત્તમ તાપમાન 0.7 ડિગ્રી સે. નોંધાયું હતું, ત્યારબાદ ચુરુમાં 1 ડિ.સે. નોંધાયું હતું.
જમ્મુ અને કાશ્મીરમાં, કાઝીગંદમાં લઘુત્તમ તાપમાન માઈનસ 5.8 ડિગ્રી સે. નોંધાયું હતું, જ્યારે કુપવાડામાં માઈનસ 5.6 ડિગ્રી સે. નોંધાયું હતું. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું, પશ્ચિમી વિક્ષેપના પગલે ઠંડા હવામાનમાંથી થોડી રાહત મળશે જે શુક્રવારથી ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે.
દરમિયાન ઉત્તર પ્રદેશના કાનપુરમાં રોજ હાર્ટ અટેક અને બ્રેન સ્ટ્રોકના મામલા સામે આવી રહ્યા છે. હ્રદયની બીમારીથી સંબંધિત હોસ્પિટલોમાં રોજ મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા છે. કાનપુરના આરોગ્ય ખાતાએ ગુરુવારે જારી કરેલા આંકડાઓ મુજબ હ્રદય સંબંધિત બીમારીથી 23 લોકોનું મૃત્યુ થયું હતું જ્યારે બ્રેન સ્ટ્રોકથી 2 દર્દીઓનું મૃત્યુ થયું હતું, આમ શહેરમાં ઠંડીના કારણે 25 લોકોનું મૃત્યુ થયું હતું. નિષ્ણાતોનું કહેવું છે કે વધુ પડતી ઠંડીના કારણે નસોમાં પણ લોહી ગંઠાઈ જવાથી બ્લડ પ્રેશર વધી રહ્યું છે અને લોકોને હાર્ટ અટેક આવી રહ્યો છે.