SURAT

ભારે વરસાદ પડતાં સુરત મનપાએ કોમ્યુનિટી હોલ માટેનું પોર્ટલ રવિવારે ખુલ્લું કરી દીધુ, 18 પ્રસંગ સચવાઈ ગયા

સુરત: (Surat) રવિવારે કમોસમી વરસાદના (Rain) કારણે શહેર જળબંબોળ બની ગયું હતું, અણધાર્યા માવઠાના પગલે શહેરમાં ભારે હાલાકીની સ્થિતિ ઊભી થઇ હતી. ખાસ કરીને ખુલ્લા પાર્ટી પ્લોટ અને ગ્રાઉન્ડમાં યોજાયેલા કાર્યક્રમોને અસર થઇ હતી. તેથી લોકોને એપાર્ટમેન્ટના પાર્કિગ, નજીકની ખાનગી સ્કૂલો વગેરે જગ્યાએ સમારંભો કરવાની નોબત આવી હતી. ત્યારે મનપાના ઘણા કોમ્યુનિટી હોલ ખાલી હોવાથી મેયર અને સ્થાયી સમિતિ ચેરમેન પર આ બાબતે ઇન્કવાયરી આવી હતી. તેથી મેયરે તુરંત કોમ્યુનિટી હોલનું પોર્ટલ ખુલ્લું કરવા સૂચના આપી હોય, વહેલા તે પહેલાના ધોરણે કોમ્યુનિટી હોલ ઔપચારિકતા બાજુ પર મૂકી ફાળવી દેવાયા હતા. આથી ઘણા પ્રસંગો સચવાઇ ગયા હતા.

મેયર દક્ષેશ માવાણી અને સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે, રવિવારે અચાનર વરસાદ તૂટી પડ્યો હતો. આથી મનપાના કોમ્યુનિટી હોલ ખાલી છે કે નહીં? અને ખાલી હોય તો તાકીદના ધોરણે બુકિંગ લઇ ફાળવવા માટે રજૂઆતો આવી હતી. જો કે, રવિવારે મનપાના કોમ્યુનિટી હોલના બુકિંગ માટેના પોર્ટલમાં સેઇમ ડે બુકિંગ એટલે કે જે દિવસે સમારંભ રાખવાનો હોય તે દિવસે જ બુકિંગ કરવાની સુવિધા હોતી નથી. આથી મેયર દક્ષેશ માવાણીએ સંબંધિત અધિકારીઓને કટ ઓફ ડેઇટનું ઓપ્શન દૂર કરી વહેલા તે પહેલા ધોરણે જે કોમ્યુનિટી હોલ ખાલી હોય તેની ફાળવણી કરવા સૂચના આપી હતી. આથી રવિવારે અને સોમવારે બે દિવસમાં ખાલી રહેલા 18 કોમ્યુનિટી હોલમાં 18 પ્રસંગ સચવાઇ ગયા હતા.

Most Popular

To Top