Editorial

ચીનમાં શરૂ થયેલો સામાન્ય રોગચાળો પણ હવે વિશ્વના લોકોને ડરાવી શકે છે

દુનિયાભરમાં હાહાકાર મચાવનાર કોવિડ-૧૯નો રોગચાળો માંડ શમ્યો છે અને વિશ્વ હજી પણ તેની અસરોમાંથી પુરું બહાર આવ્યું નથી ત્યારે ચીનમાં, ખાસ કરીને તેના ઉત્તરીય ભાગોમાં શ્વસનતંત્રના રોગોમાં મોટો ઉછાળો જોવા  મળ્યો છે અને રોગચાળા જેવી સ્થિતિ છે તેને કારણે વિશ્વમાં ફરી ચિંતાઓ જન્મવા માંડી છે. ચીનના ઉત્તરીય ભાગોમાં એક રહસ્યમય ન્યૂમોનિયાનો રોગચાળો ફાટી નિકળ્યો છે અને આ રોગ મોટે ભાગે નાના બાળકોને નિશાન  બનાવે છે, ત્યારે અનેક શહેરોની હોસ્પિટલો બાળદર્દીઓ અને તેમના ચિંતાતુર માતાપિતાઓથી ઉભરાતી જોવા મળી રહી છે. પુખ્ત વયના લોકોમાં પણ શ્વસનતંત્રના રોગો જોવા મળી રહ્યા છે અને એક વાર ચીનમાંથી ફેલાયેલા  રોગચાળાએ દુનિયાભરમાં જે રીતે હાહાકાર મચાવી દીધો તેના પછી દુનિયાના લોકો ચીનમાં શરૂ થયેલા કોઇ પણ રોગચાળાના સમાચાર જાણીને ફફડી ઉઠે તે સ્વાભાવિક છે.

ચીનમાં ગત સપ્તાહે ચેપી રોગ દેખરેખ પ્રણાલિ તરફથી ચેતવણી પણ જારી કરવામાં આવી છે અને હુના અધિકારીઓએ પણ ચીનને રોગચાળા અંગે વધુ માહિતી આપવા માટે વિનંતી કરી હતી. ચીની સત્તાવાળાઓ એવો દાવો  કરી રહ્યા છે કે દર્દીઓના ધસારાને પહોંચી વળવા માટે હોસ્પિટલો સજ્જ છે ત્યારે ફોટાઓમાં જોઇ શકાય છે કે હોસ્પિટલોના વેઇટિંગ રૂમોમાં મોટી ભીડ છે અને હોસ્પિટલની બહાર પણ મોટી સંખ્યામાં લોકો જોવા મળી રહ્યા છે. 

એવા પણ અહેવાલ છે કે ઇમરજન્સી વિભાગમાં ૨૪ કલાક રાહ જોવી પડી રહી છે અને લાઇનમાં ૭૦૦ જેટલા લોકો પણ જોવા મળે છે! ચીનના ઉત્તરીય ઉપરાંત કેટલાક દક્ષિણી પ્રાંતોમાં પણ માઇકોપ્લાઝમા ન્યૂમોનિયા અને  ઇન્ફ્લુએન્ઝા ફ્લુના કેસોમાં, ખાસ કરીને બાળકોમાં વધારો જોવા મળ્યો છે. જો કે ચીનના અધિકારીઓએ આ રોગચાળા અંગેની વૈશ્વિક ચિંતાઓને હળવાશથી લેવાનો પ્રયાસ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે હાલના આ  રોગચાળાના કેસોમાં કોઇ નવા કે અસાધારણ પેથોજીન્સ જોવા મળ્યા નથી અને આ માત્ર સિઝનલ કેસો છે.

તેમણે વિશ્વ આરોગ્ય સંગઠનને પણ આ જણાવ્યું છે. ચીને જણાવ્યું છે કે શ્વસનતંત્રના રોગોમાં ઉછાળો એ ઇમ્યુનિટી ગેપને  કારણે છે. આ ગેપ કોવિડના રોગચાળાને કારણે સર્જાઇ છે. ઉત્તર ચીનના અનેક શહેરોની હોસ્પિટલોમાં એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે હોસ્પિટલના વેઇટિંગ રૂમ દર્દીઓ અને તેમના સંબંધીઓથી ભરાઇ ગયા હોય. અનેક  દર્દીઓને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા છે. આ દ્રશ્યોની તસવીરો વિશ્વભરમાં ચિંતાઓ જન્માવી રહી છે. ચીનની હોસ્પિટલોના હાલના દ્રશ્યો એવા જ દેખાઇ રહ્યા છે જેવા દ્રશ્યો ત્યાં ૨૦૧૯ના કોવિડના રોગચાળાની  શરૂઆત વખતે દેખાતા હતા. કોવિડ-૧૯ના રોગચાળાએ આખી દુનિયામાં જે રીતે હાહાકાર મચાવ્યો તેના પછી આવા દ્રશ્યો દુનિયાને બીવડાવે તે સ્વાભાવિક છે.

પોતાને ત્યાં શરૂ થયેલો હાલનો રોગચાળો એ કોઇ નવા કે અસાધારણ વાયરસને લીધે નથી પરંતુ સિઝનલ પ્રકારનો રોગચાળો જ છે તેવી ચીનની વાત સાથે વિશ્વ આરોગ્ય સંગઠન સહમત થયું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(હુ)ના રોગચાળા અને વૈશ્વિક રોગચાળા માટેની તૈયારીઓ અને નિવારણ વિભાગના કાર્યકારી ડિરેકટર મારીયા વાન કર્ખોવે જણાવ્યું હતું કે એવું જણાય છે કે હાલમાં બાળકોમાં શ્વસનતંત્રની બિમારીના  કેસોમાં વધારો એટલા માટે જણાયો છે કે બે વર્ષથી કોવિડને કારણે જે નિયંત્રણો અમલી હતા તેને કારણે બાળકો આ રોગોના પેથોજીન્સના સંપર્કમાં આવ્યા ન હતા  તેથી તેમની સામેની ઇમ્યુનિટીમાં ઘટાડો થયો હતો અને હવે  તેમના સંપર્કમાં આવવા માંડતા આ રોગો  તેમને વધુ પ્રમાણમાં અસર કરી રહ્યા છે.

આશા રાખીએ કે ચીન અને હુ – બંનેનો આ ખુલાસો સાચો હોય અને ચીનમાં કોઇ નવો ચિંતાજનક વાયરસ ફેલાયો ન હોય. દરમ્યાન, ચીને જણાવ્યું છે કે બાળકોમાં ન્યૂમોનિયાનો રોગચાળો ધીમો પડી રહ્યો હોવાના સંકેતો છે પરંતુ તે સાથે જ તેણે ચેતવણી આપી હતી કે દેશ કોવિડ નિયંત્રણો ઉઠયા પછીના પહેલા શિયાળામાં પ્રવેશી રહ્યો છે ત્યારે હવે  પુખ્ત વયની વસ્તીમાં શ્વસનનંત્રના રોગોમાં વધારો જોવા મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોવિડના રોગચાળાને લગતા નિયંત્રણો સંપૂર્ણપણે ઉઠાવી લેવાયા ત્યારપછી ચીનમાં આ પ્રથમ શિયાળો છે. આ શિયાળામાં ચીનમાં ફ્લુ અને ન્યુમોનિયા જેવા રોગો વધશે એ સ્વાભાવિક છે અને તે સાથે જ ચીનના રોગચાળાના સમાચારોથી કોવિડનો હાહાકાર જોઇ ચુકેલા વિશ્વના લોકો ફફડશે તે પણ સ્વાભાવિક છે.

Most Popular

To Top