નવી દિલ્હી: દેશમાં હાલ હવામાનની (Weather) બેવડી અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આ વર્ષે દેશમાં ચોમાસાનું આગમન જલ્દી થશે. પરંતુ કેટલાક રાજ્યો કાળઝાળ ગરમીથી તપી રહ્યા છે તો કેટલાક રાજ્યોમાં ભારે વાવાઝોડા (Hurricanes) સાથે વરસાદ (Rain) શરૂ થઈ ગયો છે. વરસાદના કારણે કેટલાક રાજ્યોના નીચાણવાળા વિસ્તારોમાં પૂર (Flood) આવાને કારણે ઘણા લોકોના મોત પણ થાય છે. તેમજ વરસાદ સાથે ભારે પવન ફૂકતા લોકોના ઘરની છતો ઊડી ગઈ અને અનેક જાનહાનિ પણ થઈ છે. ભારતમાં આસામ બાદ હવે બિહારમાં (Bihar) અને કર્ણાટકમાં (Karnataka)ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. જેના કારણે કર્ણાટકમાં 23 મકાનોને સંપૂર્ણ નુકસાન થયું છે અને પૂરની પરિસ્થિતી સર્જાઈ છે. તેમજ બિહારમાં 27 લોકોના મોત થયા છે. આ સિવાય ઝારખંડ, કેરળ જેવા રાજ્યોમાં હવામાન વિભાગે એલર્ટ (Alert) જાહેર કર્યા છે.
બિહાર અને કર્ણાટકમાં વરસાદનો કહેર
બિહારમાં પણ ગુરુવારે ભારે આંધી સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક વૃક્ષો, મકાનો અને વીજળીના થાંભલા ધરાશાયી થઈ ગયા હતા. ભારે વરસાદ અને આંધીના કારણે 27 લોકોના દર્દનાક મોતથયા હતા. વાવાઝોડાને કારણે ગંગા નદીમાં રેતીથી ભરેલી ત્રણ હોડીઓ પલટી ખાઈ ગઈ હતી. આ સિવાય વરસાદનો કહેરે કર્ણાટકમાં પણ ભારે તબાહી મચાવી છે. ભયંકર વરસાદમાં કર્ણાટકમાં અત્યાર સુધી નવ લોકોના મોત થયા છે.
કર્ણાટકના અમુક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કર્ણાટકમાં ભારે વરસાદને કારણે હુબલી સહિત અનેક જિલ્લાઓમાં પાણી ભરાવાથી લોકોની મુશ્કેલી વધી છે. તેથી પાણીમાં ફસાયેલા લોકોના બચાવ માટે NDRFની ચાર ટીમો તૈનાત કરવામાં આવી છે. સાથે જ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે મુખ્ય પ્રધાન બસવરાજ એસ બોમાઈએ બેંગલુરુના પાણી ભરાવાથી પ્રભાવિત કેટલાક વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ વરસાદને કારણે 204 હેક્ટર ખેતી અને 431 હેક્ટર બાગાયતી પાકને નુકસાન થયું છે. તેમજ 23 મકાનોને સંપૂર્ણ નુકસાન થયું છે. હવામાન વિભગે કર્ણાટકના અમુક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
દિલ્હી-NCRના રહેવાસીઓને શુક્રવારથી રાહત મળવાની આશા
હવામાન વિભાગે 20 અને 21 મેના રોજ બિહારમાં અને યુપીના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની ચેતવણી જાહેર કરી છે. આ સિવાય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-NCRના રહેવાસીઓને શુક્રવારથી રાહત મળવાની આશા છે. કારણ કે આગામી 24 કલાકમાં 20 થી 30 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ફૂંકશે સાથે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો ઝરમર વરસાદ પણ થઈ શકે છે. બીજા દિવસ માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કરી વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે.
હવામાન વિભાગ દ્વારા આ રાજ્યોમાં વરસાદ પાડવાની આગાહી
બીજી તરફ ઝારખંડની વાત કરીએ તો હવામાન કેન્દ્ર રાંચીએ રાજધવી સહિત આસપાસના જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગે એલર્ટ જાહેર કરતા કહ્યું છે કે ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ઉપરાંત કેરળમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી સપ્તાહ સુધીમાં કેરળ ચોમાસું બેસી જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સિવાય કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણામાં આજે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. જો કે પૂર્વોત્તર રાજ્યોની વાત કરીએ તો મેઘાલય અને આસામમાં પણ વરસાદ પડી શકે છે અને રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશના ઘણા જિલ્લાઓમાં ગરમીનું મોજું યથાવત રહેશે.