એક દિવસ આશ્રમમાં શિષ્યો વચ્ચે વિવાદ થયો કે ભાગ્ય ચઢે કે પરિશ્રમ? એક શિષ્યોનું જૂથ કહેતું હતું કે ભાગ્યથી વધારે અને વહેલું કોઈને મળતું નથી.જયારે બીજા શિષ્યોના જૂથનો મત હતો કે સખ્ત પરિશ્રમ કરવાથી ભાગ્ય બદલી શકાય છે.ઘણી ચર્ચા થઈ.વાદવિવાદ થયો, પણ કોઈ નિષ્કર્ષ નીકળ્યો નહિ. શિષ્યો વચ્ચેનો આ વાદવિવાદ ગુરુજી સુધી પહોંચ્યો.બંને જૂથ હવે ગુરુજીની સામે દલીલ કરવા લાગ્યા અને છેવટે ગુરુજી બોલ્યા, ‘શિષ્યો, ઘણી દલીલો થઇ ગઈ, હવે વિવાદ બંધ કરો. કાલે સવારે પ્રાર્થના બાદ હું મારી વાત સમજાવીશ. પછી તમારો આ વિવાદ દૂર થઇ જશે.’ બીજે દિવસે સવારે પ્રાર્થના બાદ બધા શિષ્યો ગુરુજી ક્યા જૂથના પક્ષમાં પોતાની વાત રજૂ કરશે તે જાણવા આતુર હતા.પ્રાર્થના થઈ ગઈ.ગુરુજી બોલ્યા, ‘શિષ્યો ચાલો, હવે વાત સમજીએ. તમારા વાત વિવાદની કે ભાગ્ય ચઢે કે પરિશ્રમ….શિષ્યો ભાગ્ય એ વરસાદનું પાણી છે અને પરિશ્રમ કૂવાનું પાણી…’ આ સાંભળી ભાગ્યને સર્વોપરી માનતું જૂથ રાજી થયું.
ગુરુજીએ આગળ કહ્યું, ‘શિષ્યો, વરસાદ પાણી ભરપૂર વરસાવે છે અને તે પાણીમાં સ્નાન કરવું એકદમ સહેલું છે.એટલે ભાગ્ય ભરપૂર આપે છે અને જે જોઈએ તે તમને આસાનીથી મળી જાય છે.પરંતુ મારો પ્રશ્ન છે કે શું તમે રોજ સ્નાન કરવા માટે વરસાદના પાણી પર આધાર રાખી શકો? રોજ સવારે એમ વિચારી બેસી રહી શકો કે વરસાદ આવશે એટલે હું નાહીશ?’ આ સાંભળી પરિશ્રમની મહત્તા માનતું જૂથ રાજી થયું.એક શિષ્ય બોલ્યો, ‘ગુરુજી, વરસાદ પર આધાર રાખીએ તો માત્ર ચાર મહિના જ સ્નાન કરી શકીએ…’ બધા હસી પડ્યા.
ગુરુજી આગળ બોલ્યા, ‘શિષ્યો હવે મારી વાત ધ્યાનથી સમજજો.ભાગ્ય અને પરિશ્રમ બન્ને મહત્ત્વના છે.ભાગ્ય સારું હોય તો જીવનમાં બધું આસાનીથી મળે છે.પરંતુ જેમ નહાવા માટે માત્ર વરસાદના પાણી પર આધાર રાખી બેસી ન શકાય. કુવામાંથી પાણી બહાર કાઢવાનો પરિશ્રમ પણ કરવો પડે તેમ હંમેશા ભાગ્યના ભરોસે ન બેસી શકાય પરિશ્રમ પણ સતત ચાલુ રાખવો પડે.અને વરસાદના પાણીથી જ કૂવામાં પાણી આવે.ભાગ્ય જોડે પરિશ્રમ ભળે તો સફળતા મળે અને વરસાદ ન હોય ત્યારે કૂવાનું પાણી જ કામ લાગે એટલે ભાગ્ય સાથ ન આપતું હોય ત્યારે પરિશ્રમ ચાલુ રાખીએ તો આગળ રસ્તા ખુલતા જાય.આમ ભાગ્ય અને પરિશ્રમ એકબીજા સાથે જોડાયેલા છે.’ ગુરુજીએ શિષ્યોને દ્રષ્ટાંત સાથે ઊંડાણભરી અઘરી સમજ આસાનીથી સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.