નવી દિલ્હી: દક્ષિણપૂર્વ અરબી સમુદ્રમાં લો-પ્રેશરનો વિસ્તાર સર્જાવાથી અને તે આગામી દિવસોમાં સઘન બને તે બાબત કેરળના (Kerala) કાંઠા તરફ ચોમાસાની (Monsoon) આગેકૂચ પર ખૂબ મહત્વનો પ્રભાવ પાડી શકે છે એ મુજબ આજે ભારતીય હવામાન વિભાગે આજે જણાવ્યું હતું.
હવામાન વિભાગે આજે કેરળમાં ચોમાસાના આગમન માટે કોઇ ચોક્કસ તારીખ આપી ન હતી. ખાનગી હવામાન આગાહી એજન્સી સ્કાયમેટ વેધરે જણાવ્યું છે કે કેરળમાં ચોમાસુ આઠ અથવા નવ જૂનના રોજ બેસી શકે છે પણ તે એક નબળો અને સૌમ્ય પ્રવેશ હશે. ભારતીય હવામાન વિભાગ(આઇએમડી)એ જણાવ્યું હતું કે લો પ્રેશર એરિયાને કારણે વાદળોનો જથ્થો અરબી સમુદ્રમાં દક્ષિણપૂર્વ ભાગ પર વધુ સંગઠિત અને ભેગો થયો છે પરંતુ કેરળના કાંઠે નજીકથી વાદળો ઘટી ગયા છે.
લો પ્રેશર એરિયા ઉત્તર તરફ આગળ વધી શકે છે અને આગામી ૨૪ કલાકમાં તે દક્ષિણપૂર્વ પર ડીપ્રેશન તરીકે તીવ્ર બની શકે છે એમ હવામાન વિભાગે આજે રાત્રે ૯.૩૦ વાગ્યાની આસપાસ જણાવ્યું હતું. આ સિસ્ટમનું રચાવું અને તીવ્ર બનવું તથા તેની ઉત્તર તરફની ગતિ નૈઋત્યના ચોમાસાની કેરળ કાંઠા તરફની ગતિ પર મહત્વનો પ્રભાવ પાડી શકે છે એમ તેણે જણાવ્યું હતું. સ્કાયમેટે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાંની આ શક્તિશાળી હવામાન સિસ્ટમ ચોમાસાની દેશના અંદરના ભાગમાં આગેકૂચને બગાડી શકે છે અને તેની અસર હેઠળ ચોમાસુ પ્રવાહ કાંઠા સુધી પહોંચશે પરંતુ તેને પશ્ચિમ ઘાટથી આગળ વધવામાં મુશ્કેલી પડશે.
સ્કાયમેટ વેધરે જણાવ્યું છે કે લો પ્રેશર એરિયા તીવ્ર બને અને સપ્તાહાંતની આસપાસ વધુ મજબૂત બને તેવી શક્યતા છે. સ્કાયમેટે અગાઉ આગાહી કરી હતી કે કેરળ પર ત્રણ દિવસના એરર માર્જીનની સાથે ૭ જૂનના રોજ બેસી શકે છે.